ફ્રેન્કોભાઇએ ૨૫૦ કિલો વજન ઘટાડ્યું, તોય ૩૪૦ કિલો!

Wednesday 28th February 2018 06:25 EST
 
 

મેક્સિકો સિટીઃ વર્ષ ૨૦૧૭ દરમિયાન વિશ્વના સૌથી મેદસ્વી વ્યક્તિનો વિશ્વવિક્રમ જેના નામે હતો તે જુઆન પેડ્રો ફ્રેન્કો ૨૫૦ કિલો વજન ઘટાડ્યા બાદ હવે જાતે હરવા-ફરવાનું સપનું જોવા લાગ્યો છે. ૩૩ વર્ષના જુઆન પેડ્રો ફ્રેન્કોએ સખત (!) એક્સરસાઇઝ અને બે ગેસ્ટ્રિક બેન્ડ સર્જરી બાદ વજન ઘટાડ્યું. વર્ષોથી ઘરમાં તેના રૂમમાં બંધિયાર જીવન વીતાવતા ફ્રેન્કોનું વજન એક સમયે તો ૫૯૦ કિલોથી પણ વધી ગયું હતું. આ સમયે ડોક્ટર્સે તેને સર્જરી કરાવવાની સલાહ આપી હતી. હાલ તેનું વજન ૩૪૦ કિલો છે.
આ રીતે વધ્યું હતું ફ્રેન્કોનું વજન
૬ વર્ષની ઉંમરે ફ્રેન્કોનું વજન ૬૩ કિલો હતું, જે ૧૭મા વર્ષે તો વધીને ૨૨૮ કિલો થઇ ગયું હતું. આ ઓછું હોય તેમ અકસ્માત બાદ એક વર્ષ સુધી તે પથારીવશ રહ્યો અને આ સમયે તેનું વજન વધતું જ ગયું. આંકડો ૫૦૦ કિલોને વટાવી ગયો ત્યારે તેને લાગ્યું કે તે પથારીમાંથી ઊભો જ નહીં થઈ શકે. પછી ડોક્ટર્સે ડાયટથી થોડુંક વજન ઘટાડીને સર્જરી કરી. હવે ફ્રેન્કોના ડોક્ટર જોસ એન્ટોનિયો કેસ્ટેનિડા કહે છે કે બધું અમારી ધારણા મુજબ થશે તો એક વર્ષમાં ફ્રેન્કોનું વજન નોર્મલ થઈ જશે.
‘મારું સપનું સાકાર થશે’ઃ ફ્રેન્કો
આમ તો ફ્રેન્કો બાળપણથી જ સ્થૂળતાનો શિકાર રહ્યો છે, પણ ૧૭ વર્ષની ઉંમરે એક કાર અકસ્માત બાદ વજન વધવાનું એવું શરૂ થયું કે ઓછું થવાનું નામ જ નહોતું લેતું. વર્ષ ૨૦૧૬માં તેને ગુઆદલાજારામાં એક સ્પેશ્યલ વેનમાં ઘરેથી હોસ્પિટલ લઈ જવાયો ત્યારે તે સમાચારોમાં ચમક્યો હતો. સ્થૂળતા સાથે તેને ડાયાબિટીસ સહિત ઘણી બીમારીઓ હતી, જેથી તેનું ઓપરેશન કરવું પડે તેમ હતું પણ તે માટે પણ વજન ઘટાડવું જરૂરી હતું. એક વર્ષ અગાઉ સખત એક્સરસાઇઝ અને ડાયટિંગ શરૂ થયું અને ત્રણ મહિનામાં તેનું બોડી ઓપરેશન માટે તૈયાર થયું. પહેલી સર્જરી બાદ ગયા વર્ષે નવેમ્બરમાં બીજી સર્જરી થઈ. છેલ્લા એક વર્ષથી ફ્રેન્કો ટ્રીટમેન્ટ માટે ગુઆદલાજારામાં જ રહે છે. તેની માતા મારિયાને આશા છે કે તેમનો દીકરો એક દિવસ હેલ્ધી થઈ જશે અને તેની ઉંમરના અન્ય યુવકોની જેમ જીવવાનું શરૂ કરશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડા મુજબ મેક્સિકોના ૩૫ ટકા યુવાનો સ્થૂળતાનો શિકાર છે.
ફ્રેન્કો કહે છે કે હવે મને ખાતરી છે કે હું પણ એક દિવસ બહારની દુનિયા જોઈ શકીશ. મેક્સિકોના રસ્તાઓ પર ફરવાનું મારું સપનું સાકાર થશે. મારે લોકોને મળવું છે, કેમ કે ચાર દીવાલોમાં પુરાઈને જીવવું ખૂબ મુશ્કેલ છે.’


comments powered by Disqus