અમિતાભ બચ્ચનને ટ્વિટર પર સૌપ્રથમ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના અધિકૃત ટ્વિટર અકાઉન્ટને ફોલો કર્યા પછી પી. ચિદંબરમ્, કપિલ સિમ્બલ, અહમદ પટેલ, અશોક ગેહલોત, અજય માકન, જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાયલટ અને સી. પી. જોશીને ફોલો કર્યા. બિગ બીએ કોંગ્રસીઓને ટ્વિટર પર ફોલો કરવાથી અનેક અટકળો લાગવાની શરૂ થઈ છે.
ઉલ્લેખનીય છે કે નેહરુ-ગાંધી પરિવાર અને પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની અત્યંત નિકટ રહેલા અમિતાભ બચ્ચન હાલ ભાજપ શાસિત ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર છે. અમિતાભ બચ્ચનના ૩૩ મિલિયનથી વધુ ફોલોઅર છે, પરંતુ તેઓ માત્ર ૧૬૮૯ લોકોને જ ફોલો કરે છે. અમિતાભ બચ્ચન કોંગ્રેસના અમુક નેતાઓને ફોલો કરી રહ્યા હોવાથી પક્ષના અમુક નેતાઓને પણ આશ્ચર્ય થઈ રહ્યું છે.
તાજેતરમાં અમિતાભે મનીષ તિવારી, શકીલ અહમદ, સંજય નિરૂપમ, રણદીપ સુરજેવાલા, પ્રિયંકા ચતુર્વેદી અને સંજય ઝાને પણ ફોલો કરવાનું શરૂ કર્યું. કોંગ્રેસ અને વિપક્ષના અમુક નેતાઓ પ્રત્યે તેમને અચાનક ઊભરાઈ આવેલા હેતને કારણે પક્ષ પણ અચંબિત છે.

