બોમ્બ વિસ્ફોટનું ષડયંત્ર ઘડવા બદલ બ્રેન્ટની ફાર્માસિસ્ટને જેલ

Wednesday 28th February 2018 05:57 EST
 

લંડનઃ આતંકવાદી સંગઠન આઈ એસથી પ્રેરાઈને ક્રિસમસના વેકેશન દરમિયાન બોમ્બ વિસ્ફોટ અથવા રાયસીન હુમલાનું કાવતરું ઘડવા બદલ બે બાળકોની માતા અને બ્રેન્ટની ફાર્માસિસ્ટ રુવૈદા અલ હસનને ઓલ્ડ બેલી કોર્ટના જજ માઈકલ ટોપોલ્સ્કી QCએ પાંચ વર્ષની એક્સટેન્ડેડ લાઈસન્સ પર સજા સાથે ૧૨ વર્ષની જેલ અને તેના સાથી મુનીર મોહમ્મદને ઓછામાં ઓછી ૧૪ વર્ષ સાથે આજીવન કેદની સજા સંભળાવી હતી.

કિલ્બર્નની વિલ્સડન લેનમાં રહેતી રુવૈદાને બોમ્બ બનાવવા ઉપયોગમાં લેવાના કેમિકલ્સ વિશે સુદાની શરણાર્થી અને ડર્બીની લિયોપોલ્ડ સ્ટ્રીટમાં રહેતા ૩૬ વર્ષીય મોહમ્મદને સલાહ આપવાની કામગીરી સોંપાઈ હતી. મોહમ્મદે આઈએસના કમાન્ડર સાથેની ફેસબુક ચેટમાં યુકે લોન વુલ્ફ મિશનમાં સ્વેચ્છાએ કામ સ્વીકાર્યું હતું. આ બન્નેની મુલાકાત એક ઓનલાઈન ડેટિંગ વેબસાઈટ પર થઈ હતી.

ડિસેમ્બર, ૨૦૧૬માં મોહમ્મદની ધરપકડ થઈ ત્યારે તેની પાસેથી ટીએટીપી વિસ્ફોટક બનાવાવ માટેની ત્રણમાંથી બે વસ્તુ તથા બોમ્બ અને રાયસીન ઝેર કેવી રીતે બનાવવું તેનું માહિતી આપતું પુસ્તક મળ્યું હતું. પરંતુ, ધરપકડ પહેલા તે છેલ્લી સામગ્રી ખરીદી શક્યો ન હતો. બન્નેને નવેમ્બર ૨૦૧૫ અને ડિસેમ્બર ૨૦૧૬ વચ્ચે આતંકવાદી કૃત્ય માટે ગુનેગાર ઠેરવાયા હતા.


comments powered by Disqus