ભારતીય પ્રવાસીઓને વધુ પ્રમાણમાં આકર્ષવા વિશેષ અભિયાન

Wednesday 28th February 2018 06:27 EST
 

 

લંડનઃ યુકેની મુલાકાત માટે ભારતીય પ્રવાસીઓને વધુ સંખ્યામાં આકર્ષવા લંડનમાં તાજેતરમાં એક અભિયાન હાથ ધરાયું હતું. લંડન, માન્ચેસ્ટર અને બર્મિંગહામ એમ ત્રણ શહેરો સાથે મળીને ‘એક્સિપિરિયન્સ ઇંગ્લેન્ડ ઇનિશિએટીવ’ શરૂ કરી રહ્યા છે. આ શહેરો દ્વારા ઇંગ્લેન્ડની સર્વોત્તમ ટુરિઝમ યોજનાઓનો પ્રચાર વિશ્વમાં સૌથી વધુ ઝડપે વિકસી રહેલા ભારત, ચીન તથા ગલ્ફના દેશો - બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ)જેવા માર્કેટ્સમાં કરશે.

આ પ્રસંગે મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે યુકેના સૌથી વધુ લોકપ્રિય દસ પ્રવાસન આકર્ષણો લંડનમાં છે. હવે તેમનું લક્ષ્ય લંડન આવતા પ્રવાસીઓ દેશના અન્ય ભાગોની પણ મુલાકાત લઈ ત્યાંનો અનુભવ માણે તેવું છે. તે ઉદેશથી આ માન્ચેસ્ટર અને બર્મિંગહામ સાથે નવી ભાગીદારી કરવામાં આવી છે. સાદિક ખાને ઉમેર્યું હતું કે ૨૦૧૬માં ૨.૭૩ લાખ ભારતીયોએ લંડનની મુલાકાત લીધી હતી. જે ૨૦૧૧ની સરખામણીમા ૧૬ ટકા વધારે હતી.

ટુરિઝમ વિઝન ફોર લંડનના અહેવાલમાં દર્શાવાયેલા અંદાજ મુજબ ૨૦૨૫ સુધીમાં લંડન આવતા ભારતીય ટુરિસ્ટની સંખ્યા ૯૦ ટકા વધવાની શક્યતા છે. આ ગાળામાં ટુરિસ્ટ્સ દ્વારા વાપરવામાં આવતાં નાણાના પ્રમાણમાં તો બમણો ૧૮૦ ટકા વધારો થવાનો અંદાજ છે. ભારત, ચીન અને અખાતી દેશોના પ્રવાસીઓની સંખ્યામાં સૌથી મોટો વધારો થશે તેમ મનાય છે.


comments powered by Disqus