લંડનઃ હસ્તલિખિત પ્રિસ્ક્રિપ્શન્સથી દવા આપવામાં થતી ભૂલને લીધે દર વર્ષે ૨૨,૩૦૦ દર્દીનું મૃત્યુ થતું હોવાના ચોંકાવનારા અહેવાલને પગલે હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટે હાથે લખેલા પ્રિસ્ક્રિપ્શન્સનો અંત લાવવાની તાકીદ કરી હતી.
સરકારના આદેશ અનુસાર હાથ ધરાયેલા અભ્યાસમાં જણાયું હતું કે NHS સ્ટાફ દવાના પ્રિસ્ક્રિપ્શનમાં દર વર્ષે ૨૩૭ મિલિયન ભૂલ કરે છે. તેમાંથી ૨૫ ટકા કરતા વધુ દવા દર્દીઓને અપાય છે. આ દવાની કિંમત ૧.૬ બિલિયન પાઉન્ડ થાય છે. જેરેમી હન્ટનો ઈરાદો ડોક્ટરો દ્વારા ખોટી દવાનું પ્રિસ્ક્રિપ્શન, ફાર્માસિસ્ટ દ્વારા અપાતી ખોટી દવા અને નર્સો દ્વારા દર્દીઓને મૂંઝવણમાં નાખવાથી થતું નુક્સાન અને મૃત્યુના ચિંતાજનક સ્તરને અટકાવવાનો છે. હન્ટે પાંચ વર્ષમાં દવામાં ભૂલને લીધે થતા નુક્સાનને અડધું કરવાનું લક્ષ્ય રાખ્યું છે. દરેક ૧૨ પ્રિસ્ક્રિપ્શનમાંથી એકમાં ભૂલ હોય છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું કે આવી ભૂલોને કારણે સારવાર દરમિયાન દર્દીનું મોત થાય છે.
