લંડનઃ ગયા અઠવાડિયે સેન્ટ જેમ્સ પેલેસ ખાતે વ્હાઈટ પાવડર અને જાતિવાદી સંદેશા સાથેનું એક પેકેટ મેગન મર્કેલ અને પ્રિન્સ હેરીને મોકલીને તેમને નકલી એન્થ્રેક્સ હુમલાનું લક્ષ્ય બનાવાયા હતા. તપાસમાં આ પાવડર નુક્સાનકારક જણાયો ન હતો. જોકે, આ ઘટનાને પગલે સિક્યુરિટી એલર્ટ જાહેર કરાયો હતો અને મેટ્રોપોલિટન પોલીસના કાઉન્ટર ટેરરીઝમ કમાન્ડ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.
આ પેકેટ મેગન અને હેરી સુધી પહોંચે તે પહેલા જ ઝડપી લેવાયું હતુ અને નિષ્ણાતોને પાવડરની તપાસ માટે બોલાવાયા હતા. આ યુગલ કિંગ્સટન પેલેસ ખાતે રહેતું હોવા છતાં આ પેકેટ સેન્ટ જેમ્સ પેલેસ ખાતે શા માટે મોકલાયું તે હજુ સ્પષ્ટ થયું નથી.
વ્હાઈટ પાવડર સાથેનો પત્ર હોમ સેક્રેટરી અંબર રૂડને મોકલાયો હતો તેના એક દિવસ અગાઉ આ પત્ર તેમને મોકલાયો હતો. આ બન્ને ઘટના વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તેની ડિટેક્ટિવ તપાસ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિન્સ હેરી અને મેગન મર્કેલના લગ્ન આગામી ૧૯મી મેએ વિન્ડસર કેસલના સેન્ટ જ્યોર્જ ચેપલ ખાતે થવાના છે.

