લેસ્ટરઃ કવીનીબરોના દલાલ પરિવારની યુવાન પુત્રી મીરાએ ઘરેલુ અત્યાચારથી ત્રાસીને બે વર્ષ અગાઉ આપઘાત કર્યો હતો. આ પ્રકરણની હવે નવેસરથી તપાસ થશે. પોલીસે પોતાની કામગીરીનો રીવ્યુ ઇન્ડિપેન્ડન્ટ ઓફિસ ઓફ પોલીસ કન્ડકટ તરીકે ઓળખાતા ઇન્ડિપેન્ડન્ટ પોલીસ કમ્પ્લેઈન્ટ્સ કમિશનને સોંપ્યો હતો. નવેસરની આ તપાસ ‘એપ્રીસીએટીવ ઈન્કવાયરી’ તરીકે ઓળખાય છે. તેમાં મીરાનું મૃત્યુ અટકાવવા પોલીસ કશુંક વધુ કરી શકી હોત ખરી? એ બાબતની જ સમીક્ષા કરાશે.
મીરા લેસ્ટરની એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતી હતી. તેના ભૂતપૂર્વ પાર્ટનરે તેની સાથે સતત હિંસા આચરી હતી અને ગેરવર્તણુંક કરી હતી. ૨૫ વર્ષની મીરાને તેની સાથે સંબંધ હતો ત્યારે અને તેનો અંત આવી ગયા પછી પણ પોલીસને એ તેના આવા વર્તનની જાણ કરી હતી. પરંતુ, પોલીસે કોઈ અગમ્ય કારણસર તેની સામે કોઈ ગુનો દાખલ કર્યો ન હતો. કાયદાકીય કારણસર તેના પાર્ટનરનું નામ જાહેર કરી શકાય તેમ નથી.
મીરાના ઇન્કવેસ્ટમાં તેણે આપઘાત કર્યો હોવાનું જણાવાયું હતું. લેસ્ટર પોલીસ તથા અન્ય એજન્સીઓએ મીરાની ફરિયાદ પછી તેની કેવી પ્રતિક્રિયા આપી હતી અને કેવો વ્યવહાર કર્યો હતો તેના વિષે નવેસરથી તપાસ થઈ રહી હોવાની પણ પરિવારને અચાનક જાણ થઈ હતી. મીરાની માતા દક્ષાબેન દલાલે જણાવ્યું હતું કે પરિવારને કોઈ અધિકારીઓએ જાણ કરી નથી કે સંપર્ક પણ કર્યો નથી.
