લેસ્ટરમાં થયેલા વિસ્ફોટમાં પાંચના મોત

Wednesday 28th February 2018 06:14 EST
 

લંડનઃ લેસ્ટરના હિંકલે રોડ પર આવેલા ત્રણ માળના એક બિલ્ડીંગમાં ગત રવિવારે સાંજે થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં પાંચ લોકોનાં મોત થયાં હતા. તાજેતરમાં શરૂ થયેલા ઝાબકા લેસ્ટર કન્વિનિયન્સ સ્ટોરમાં થયેલો આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનાથી ૫૦૦ મીટર દૂર આવેલા મકાનો પણ ધ્રૂજી ઉઠ્યા હતા. વિસ્ફોટ પછી ભીષણ આગ ફાટી નીકળી હતી તેમાં ચાર લોકોના મોત થયા હતા. ફાયરબ્રિગેડ વિભાગના છ વાહનોએ ઘટનાસ્થળે પહોંચીને તુરત જ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

આગના કારણે આખું બિલ્ડીંગ ધરાશાયી થઈ ગયું હતું. બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ લેવલ પર દુકાનો અને ઉપરના માળે ફલેટ આવેલા હતા. કાટમાળમાંથી સોમવારે વધુ એક મૃતદેહ મળી આવતા મૃત્યુઆંક પાંચ થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે આ ઘટના આતંકવાદી કૃત્ય હોવાનો ઈનકાર કર્યો હતો. આ વિસ્તારમાં ગુજરાતી લોકો મોટી સંખ્યામાં વસે છે.

ઘટનાસ્થળની આસપાસની ઈમારતોને પણ પોલીસે કોર્ડન કરી દીધી હતી. ઘટનાને નજરે જોનારી એક વ્યક્તિએ કહ્યું હતું કે વિસ્ફોટ બાદ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બીજું બિલ્ડીંગ ધરાશાયી થઈ જશે તેવા ભયથી રાહત કામગીરી અટકાવી દેવી પડી હતી. સ્ટોરની ઉપર આવેલા ફ્લેટમાં થોડા સમય અગાઉ જ એક પરિવાર રહેવા આવ્યો હતો. પોલીસ અધિકારી શેન ઓનિલે કહ્યું હતું કે ઇમરજન્સી સર્વિસ દ્વારા કાટમાળમાં શોધખોળ ચાલી રહી હોવાથી મૃતકોની સંખ્યા વધે તેવી શક્યતા છે. હજુ સુધી એ પણ સ્પષ્ટ નથી થતું કે કેટલા લોકો એમાં ફસાયા હતા. આ વિસ્ફોટ અંગે બ્રિટિશ પોલીસ અને ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસ દ્વારા સંયુક્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે લોકોને અને મીડિયાને અફવાઓથી દૂર રહેવાની અપીલ પણ કરી હતી.

ઇમરજન્સી સર્વિસે આ વિસ્તારના આશરે ૬૦ મકાનોને કોર્ડન કર્યા હતાં. આ વિસ્તારમાં સ્ટોર, કબાબ રેસ્ટોરન્ટ અને કરિયાણાની દુકાન સહિત નાની દુકાનો અને ઘણાં એપાર્ટમેન્ટ આવેલા છે. નજરે જોનારાઓએ જણાવ્યું કે પ્રચંડ વિસ્ફોટ અને આગને કારણે વિસ્તારમાં ધુમાડા ફેલાઇ ગયા હતા. એક પાડોશી મહિલાએ જણાવ્યું કે તેમણે ભૂકંપ જેવો પ્રચંડ અવાજ સાંભળ્યો હતો.


comments powered by Disqus