ટોકિયોઃ જાપાનના સંશોધકોએ થોડાંક દિવસોમાં જ ટાલ પર ૫,૦૦૦ વાળ ફરી ઉગાડવામાં સફળતા મેળવી છે. આમ હવે ટાલની સમસ્યા ભૂતકાળ બની જાય તો નવાઇ નહીં.
યોકોહામા નેશનલ યુનિવર્સિટીના પ્રોફેસર જૂન્જી ફૂકુડાના નેતૃત્વ હેઠળની સંશોધક ટીમે સફળતા મેળવી છે. ફૂકુડા કહે છે કે હાલમાં બ્યુટી ક્લિનિકવાળા માથાના પાછળના ભાગમાં ઊગેલા વાળનો ઉપયોગ કરીને તેને આગળના ભાગે પ્લાન્ટ કરી દે છે. જોકે આ પદ્ધતિથી વાળના જથ્થાને વધારી શકાતો નથી. વળી હાલની દવાથી વાળનું ખરવું ધીમું કરી શકાય છે, પણ તેથી નવા વાળ ઉગાડી શકાતા નથી. જોકે નવી ટ્રીટમેન્ટ ૧૦ વર્ષમાં જ શક્ય બની જશે અને એક જ સીટિંગમાં ૫,૦૦૦ વાળ રોપી શકાશે. હાલની લેબોરેટરી પદ્ધતિથી એક સમયે ૫૦ કે તેથી વધુ જર્મ્સ જ ઉગાડી શકાય છે. મતલબ કે વાળના આરોપણ માટે ઘણો લાંબો સમય લાગે છે. પરંતુ હવે નવી ટેકનિકથી એક સમયે ૫,૦૦૦ જેટલા જર્મ્સ ઉગાડી શકાતા હોવાને ખૂબ ઝડપથી વાળનો જથ્થો ઉગાડી શકાશે.

