લંડનઃ રાજકીય હરિફો પરનું ડોઝિયર (કોઇપણ વ્યક્તિને લગતા દસ્તાવેજો) બનાવવા માટે ટેક્સપેયરોના નાણાંનો ઉપયોગ કરવા બદલ નોર્થ વેસ્ટ લેસ્ટરશાયરના સાંસદ એન્ડ્રયુ બ્રીડજન પાર્લામેન્ટરી સ્ટાન્ડર્ડ્સ કમિશન સમક્ષ હાજર થયા હતા. તેમણે જણાવ્યું હતું કે તેઓ લેસ્ટર ઈસ્ટના સાંસદ કીથ વાઝ પર ડોઝિયર તૈયાર કરવા માટે સંસદીય સ્ટાફનો ઉપયોગ કરી રહ્યા છે.
સંસદના નિયમ મુજબ પક્ષના રાજકીય હેતુ માટે સંસદીય સ્ટાફનો ઉપયોગ કરવાની મનાઈ છે. તેનો ઉપયોગ ફક્ત સંસદીય ફરજ માટે જ કરી શકાય. છેલ્લા પાંચ વર્ષમાં બ્રાઈડને સ્ટાફ રાખવાના મુદ્દે ૫૦૦,૦૦૦ પાઉન્ડનો ક્લેમ કર્યો હતો. તેમની પાસે સૌથી ઉંચા પે સ્કેલ સાથે એક સહિત બે કર્મચારી છે. ગયા વર્ષે બ્રાઈડને પોતાના મકાન માટે ટેક્સપેયરના ૧.૯ મિલિયન પાઉન્ડ મળ્યા હોવાનું જાહેર નહીં કરીને સંસદીય નિયમોનો ભંગ કર્યો હતો.
નિયમોના પેરા ૧૫માં જણાવાયું છે કે ટેક્સપેયરોના નાણાંનો ઉપયોગ તેમની સંસદીય ફરજો માટે થવો જોઈએ. કાઉન્સિલર જહોન થોમસે જણાવ્યું હતું કે બ્રીડજન પાર્લામેન્ટરી એલાઉન્સનો દુરુપયોગ કરે છે તે તેઓ જાણે છે. તેમણે અન્ય સભ્ય વિશે ડોઝિયર બનાવવા સ્ટાફનો ઉપયોગ કર્યાનું કબૂલ્યું હતું જે ટેક્સપેયરોના નાણાનો દુરુપયોગ છે. તેમનો ભૂતકાળ જોતા આવા અન્ય ઉદાહરણો હશે તેવું લાગે છે. તેમણે ગંભીર પ્રશ્રોના જવાબ આપવાના હોય છે. અમે એકબીજાની જાસૂસી કરી શકે તે માટે સાંસદોને એલાઉન્સ આપતા નથી. બ્રીડજને તેમના મતવિસ્તારની સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ.
