BAPS દ્વારા ચેરિટી કેરર્સ યુકેને £૨૦,૦૦૦નો ચેક અર્પણ કરાયો

Wednesday 31st October 2018 06:17 EDT
 
ચેરિટી કેરર્સ યુકેના જેરેમી ગોલ્ડને ચેક અર્પણ કરતા બીએપીએસના પી.એ. પટેલ
 

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે તા. ૮ સપ્ટેમ્બરે યોજાયેલી ખાસ સાંધ્ય સભામાં BAPS સંસ્થા દ્વારા ચેરિટી કેરર્સ યુકેના હેડ ઓફ ફંડરેઝિંગ જેરેમી ગોલ્ડને ૨૦,૦૦૦ પાઉન્ડનો ચેક અર્પણ કરાયો હતો. એપ્રિલ, ૨૦૧૮ દરમિયાન BAPS Annual 10K Challenge દરમિયાન ભંડોળ એકત્ર કરાયું હતું. જેમાં યુકેના ૩,૦૦૦થી વધુ ઉત્સાહી લોકોએ ભાગ લીધો હતો. આ વર્ષે કેરર્સ માટે દેશની એકમાત્ર રાષ્ટ્રીય મેમ્બરશીપ ચેરિટી કેરર્સ યુકે નેશનલ ચેરિટી પાર્ટનર હતી. સંસ્થા યુકેના લગભગ ૬.૫ મિલિયન વૃદ્ધ, વિકલાંગ અથવા ગંભીર બીમાર લોકોના જીવનને બહેતર બનાવવા કાર્યરત છે.

કેરર્સ યુકેના ડિરેક્ટર ઓફ પોલીસી એન્ડ પબ્લિક અફેર્સ એમિલી હોલ્ઝાઉસેને જણાવ્યું હતું, ‘ સમગ્ર વર્ષ દરમિયાન યુકેમાં BAPS સાથે કામ કરવાની અમને ખૂબ મઝા આવી. સ્થાનિક સમુદાયના જે કેરર્સ પ્રત્યે ધ્યાન ન અપાયું હોય તેમને શોધીને તેમને માહિતી, મદદ અને સલાહ આપવાની વિવિધ પ્રવૃત્તિઓમાં અમે સહયોગ કર્યો હતો. BAPS સમુદાયના ઘણાં સભ્યો આ ચેલેન્જમાં ભાગ લઈ શક્યા હતા અને અમારા કાર્યને મદદ માટે જરૂરી ફંડ એકત્ર કરવામાં મદદરૂપ થયા તેનો અમને આનંદ છે. અમારી ભાગીદારીના ભાગરૂપે અમે અમારી ફ્લેગશીપ ગાઈડ ‘લુકિંગ આફ્ટર સમવન’નું ગુજરાતી ભાષાનું રૂપાંતરણ તૈયાર કરી રહ્યા છીએ. અમે આ વર્ષે પણ BAPS સાથે મળીને વધુ પ્રવૃત્તિઓ કરવા માગીએ છીએ.

BAPSના અગ્રણી વોલન્ટિયર ડો. મયંક શાહે જણાવ્યું હતું કે પૂ. મહંત સ્વામી અન્ય લોકોને મદદ કરવા અને વડીલોની સંભાળ લેવા માટે આપણને સૌને પ્રોત્સાહન આપે છે. એન્યુઅલ ચેરિટી ચેલેન્જને લીધે કેરર્સને તેમની ઉમદા સેવાને આગળ ધપાવવાની તક મળી તેનો આપણને સૌને આનંદ છે.

કેરર્સ યુકેના ચેરમેન પ્રો. ડેવિડ ગ્રેસન પાઠવેલા પત્રમાં સહયોગ બદલ BAPSનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું હતું,‘ અમે (કેરર્સ યુકે) આપની સાથેની અમારી ભાગીદારીને આગળ વધારવા માગીએ છીએ. અમે માનીએ છીએ કે ગુજરાતીમાં ‘લુકિંગ આફ્ટર સમવન’ ગાઈડ આપણી ભાગીદારીની કાયમ માટેની વીરાસત બની રહેશે.’


comments powered by Disqus