પોર્ટ ઓફ સ્પેનઃ વેસ્ટ ઇન્ડિઝના આક્રમક ઓલ-રાઉન્ડર ડ્વેઈન બ્રાવોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. જોકે, બ્રાવો આઈપીએલ અને બિગ બેશ લીગ જેવી અન્ય ટી૨૦ ક્રિકેટ લીગમાં રમતો રહેશે. ૩૫ વર્ષીય બ્રાવો હાલ ભારત પ્રવાસે પહોંચેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમમાં નથી. ૨૦૦૪માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરીને બ્રાવોએ કેરેબિયન ટીમ માટે ૪૦ ટેસ્ટ, ૧૬૪ વન-ડે અને ૬૬ ટી૨૦ મેચ રમી છે. બ્રાવો બે વર્ષથી વેસ્ટ ઈન્ડિઝ માટે રમ્યો નથી. ક્રિકેટ ઉપરાંત બ્રાવો ડાન્સ અને સંગીતનો શોખીન છે અને તે સારો ડીજે પણ છે. તેનું ચેમ્પિયન ગીત ઘણું જ લોકપ્રિય થયું હતું.
આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમી ચૂકેલા બ્રાવોએ ૨૫ ઓક્ટોબરે જણાવ્યું હતું કે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઉં છું, પણ પ્રોફેશનલ ક્રિકેટર તરીકે કારકિર્દી ચાલુ રાખીશ. જુલાઈ ૨૦૦૪માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડ્સ ગ્રાઉન્ડમાં મને મરૂન કેપ અપાઇ હતી તે ક્ષણ મને આજે ય યાદ છે.

