જે લોકો પ્રેમના નામે ગુલાબી સપનાં સેવે છે તેમના માટે નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે. તેમનું કહેવું છે કે પસંદગીનો પ્રેમ ન મળવાથી માનસિક હતાશા અને એકલતાની સમસ્યા થઇ શકે છે. ક્લિનિકલ મનોવૈજ્ઞાનિકો ચેતવણી આપતા કહે છે કે સદા ખુશ રાખે તેવા અવાસ્તવિક રોમાન્સની શોધ તમારી માનસિક સુખાકારીને અસર કરી શકે છે. દુષ્પ્રાપ્ય એવા પ્રેમની તલાશ અકથિત હતાશા જન્માવે છે અને તમારાં માનસિક અને શારીરિક સ્વાસસ્થ્યને લાંબા ગાળે નુકસાન પહોંચડી શકે છે. આપણી સંસ્કૃતિએ નિર્ધારિત કરેલી આકાંક્ષાઓ ન સંતોષાવાથી આત્મસન્માન અને આત્મવિશ્વાસ સંદર્ભે સમસ્યાઓ ઉદભવી શકે છે. પરિણામે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ અને માનસિક સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે.
શરીર પર થતી આ અસરો અંગે અમેરિકન સાઇકોલોજિકલ એસોસિયેશન સહિતના ટોચના નિષ્ણાતોએ વ્યવસ્થિત ડોક્યુમેન્ટ્સ તૈયાર કર્યા છે. હલ યુનિવર્સિટીના ક્લિનિકલ લેક્ચરર ડો. સુસેન વોઝમેર કહે છે કે હંમેશાં ખુશ રાખે તેવો પ્રેમ તો માત્ર કિતાબોમાં જ જોવા મળે છે. લોકપ્રિય ફિલ્મો, પુસ્તકો કે સંગીતમાં જોવા મળતો આદર્શ પ્રેમ ક્યારેય વાસ્તવિક્તાને વ્યક્ત કરતો નથી, એમ ડો. સુસેને જણાવ્યું હતું.
મોટા ભાગની વાર્તાને અંતે બે પાત્રો એકબીજાને ચુંબન કરીને સદા ખુશહાલ જીવન વ્યતીતિ કરતાં હોય છે પણ વાસ્તવિક જીવનમાં સંબંધોની શરૂઆતમાં જ આવું બનતું હોય છે. રોમાન્સની વાર્તા સંબંધોનાં દુન્યવી પાસાઓનો સામનો કરવા માટેની ફોર્મ્યુલા આપવામાં નિષ્ફળ જાય છે અને જો તે આપણને અવાસ્તવિક અપેક્ષાઓ આપે તો આપણે માત્ર નિરાશ જ થવાનું રહે છે.
જો આપણે રોમેન્ટિક પ્રેમની આ કલ્પનાને તોડી શકીએ તો નિષ્ણાતો કહે છે કે તેમ આપણે વધુ વાસ્તવિક અપેક્ષાઓ રાખતા થઈ શકીએ છીએ અને તેના કારણે આપણે સુખી અને સ્વસ્થ જીવન વ્યતીત કરી શકીએ.
ડો. વોઝમેરે ઉમેર્યું હતું કે જે લોકો જીવનમાં પ્રથમવાર પ્રેમસંબંધ સ્થાપવાની શરૂઆત કરે છે, ખાસ કરીને તેમના માટે આ ચિંતાજનક અને નિરાશાજનક અનુભવ છે. પ્રેમ ફક્ત વ્યક્તિનાં આત્મસન્માન અને આત્મવિશ્વાસને જ અસર નથી કરતો પણ તેની શારીરિક અને માનસિક સુખાકારી પર પણ અસર કરે છે.
પ્રેમ કેવી રીતે કરવો અને સંપૂર્ણ તેમજ સાચા સંબંધો કેવા હોવા જોઈએ તેવું કહેવા માટે ઘણાબધાં સાંસ્કૃતિક દબાણો હોય છે. હવે સમય આવી ગયો છે કે આપણે આપણી લાગણીઓ વિશે વધુ નિખાલસ બનીએ. સંપૂર્ણ પ્રેમની શોધ કર્યા વિના પણ ખુશ રહી શકાય છે તેનો સ્વીકાર કરીએ અથવા તો ખરેખર એકલા રહીને જ ખુશ થઈએ.

