લેસ્ટરઃ લેસ્ટર સિટી ક્લબના ચેરમેન વિચાઈ શ્રીવદ્ધનાપ્રભા તથા અન્ય ચાર મુસાફરોનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં શનિવારે રાત્રે મૃત્યુ થયું હતું. ૬૦ વર્ષીય થાઈ બિલ્યોનેરની અણધારી વિદાયથી સમગ્ર લેસ્ટર શહેરમાં તેમજ ફૂટબોલ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ દુર્ઘટનાના લગભગ ત્રણ દિવસ પછી પણ મોટી સંખ્યામાં પ્રશંસકો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ક્લબ પહોંચ્યા હતા. લેસ્ટરમાં ઘણાં સ્થળોએ તેમને અંજલિ આપવા માટે પ્રાર્થના સભા યોજાઈ હતી.
શ્રી વિચાઈએ ૨૦૧૦માં ૩૯ મિલિયન પાઉન્ડમાં લેસ્ટર સિટી ફૂટબોલ ક્લબ ખરીદી હતી અને તેમની માલિકીના સમયગાળામાં ફોક્સીસે ૨૦૧૬માં પ્રીમીયર લીગમાં વિજય મેળવ્યો હતો. ઘણાં લોકોએ તેને અત્યાર સુધીની સૌથી સફળ રમત ગાથા ગણાવી હતી અને લેસ્ટર શહેર મીડિયામાં છવાઈ ગયું હતું. ૨૦૧૬નું વર્ષ ઘણાં ફૂટબોલ પ્રેમીઓ અને સ્થાનિક લોકો ક્યારેય ભૂલી શકશે નહીં.
વિચાઈના પુત્ર અને લેસ્ટરના વાઈસ ચેરમેન ઐયાવત શ્રીવદ્ધનાપ્રભાએ એક હૃદયવિદારક ઘટનામાં કિંગ પાવર સ્ટેડિયમ ખાતે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. નારબરો રોડ પર આવેલા જલારામ મંદિરે સ્થાનિક શ્રદ્ધાળુઓએ એકત્ર થઈને હેલિકોપ્ટરના પાઈલોટ અને પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
જલારામ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન પ્રમોદભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે શોક વ્યક્ત કરવા માટે આપણે સૌએ ભેગા થવું જોઈએ. આપણે હિંદુઓ માનીએ છીએ કે દુઃખના સમયમાં આપણે સૌ ભેગા થઈએ તો પરિવાર અને લેસ્ટરની સંસ્થા તથા સમાજનું દુઃખ ઓછું થશે. તેથી અમે સૌએ પાંચ વ્યક્તિના કરુણ અવસાન અંગે શોક વ્યક્ત કરવા માટે પુષ્પગુચ્છ સાથે ફૂટબોલ સ્ટેડિયમ જવાનો નિર્ણય લીધો હતો.
દરમિયાન, સ્થાનિક મુસ્લિમ સમુદાય વતી ફેડરેશન ઓફ મુસ્લિમ ઓર્ગેનાઈઝેશન્સના પ્રવક્તા સુલેમાન નગદીએ જણાવ્યું હતું કે વિચાઈ શ્રીવદ્ધનાપ્રભા, તેમના પરિવારજનો અને શનિવારે કિંગ્સ સ્ટેડિયમ પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલા અન્ય લોકો પ્રત્યે હું દિલસોજી વ્યક્ત કરું છું. અકસ્માત સમયે તાત્કાલિક સહાય કરવા બદલ મેડિકલ ટીમો પ્રત્યે આભાર વ્યક્ત કરું છું. વિચાઈ ને લાગ્યું હતું કે તે સમાજનું કલ્યાણ કરી શકશે. તેઓ ઘણાં લોકો માટે આદર્શરૂપ હતા.

