BAPSના અગ્રણી સાધુ પૂ. ઈશ્વરચરણ સ્વામી તા. ૨૭ જૂને લંડનની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ તા. ૩૦ જૂનને શનિવારે સાંજે ૭થી ૯ દરમિયાન BAPS સ્વામીનારાયણ મંદિર, નીસડન ખાતે યોજાનારી સાંધ્ય સભામાં હરિભક્ચોને કથાવાર્તાનો લાભ આપશે.
૧૯૬૦માં પૂ. યોગીજી મહારાજે પૂ.ઈશ્વરચરણ સ્વામીને સાધુ તરીકે દીક્ષા આપી હતી. તેમણે ઘણાં વર્ષ સુધી યોગીજી મહારાજની સેવા કરી હતી. બાદમાં ૧૯૭૧થી ૨૦૧૬ દરમિયાન તેમણે પૂ. પ્રમુખ સ્વામીના માર્ગદર્શન હેઠળ સંસ્થાની ઘણી મહત્ત્વની પ્રવૃત્તિઓનું સંચાલન કર્યું હતું. તેમણે નવી દિલ્હીમાં સ્વામીનારાયણ અક્ષરધામના નિર્માણ સહિત BAPS સ્વામીનારાયણ સંસ્થાના પ્રોજેક્ટ સંભાળ્યા હતા. હાલ તેઓ પૂ. મહંત સ્વામીના માર્ગદર્શન હેઠળ વિશ્વભરમાં BAPS સત્સંગની તમામ પ્રવૃત્તિઓના કન્વીનર તરીકે કામગીરી કરે છે.
પૂ. ઈશ્વરચરણ સ્વામી રવિવાર તા.૧ જુલાઈએ નોર્થ અમેરિકન ચીલ્ડ્રન્સ કન્વેન્શન અને નોર્થ અમેરિકન યુથ કન્વેન્શનમાં હાજરી આપવા માટે એટલાન્ટા જવા રવાના થશે. ભારત પાછા ફરતા અગાઉ તેઓ તા. ૨૯ જુલાઈને રવિવારે ગુરુપૂર્ણિમાની ઉજવણી માટે લંડન પરત આવશે.

