વિજ્ઞાનીઓએ એવી પેન વિકસાવી છે જે માત્ર ૧૦ સેકન્ડમાં કેન્સરની ઓળખ કરી શકશે. આનાથી કેન્સરની સારવાર ઝડપથી અને સારી રીતે કરી શકાશે. ડોક્ટરો માટે હંમેશા સામાન્ય અને કેન્સરયુક્ત ટિસ્યુમાં તફાવતનો અંદાજ મેળવવો મોટો પડકાર હોય છે. આ પેનની મદદથી આ કામ ઘણું સરળ થઈ જશે. અમેરિકામાં ટેક્સાસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ ડિવાઇસ વિકસાવ્યું છે. તેને સહેલાઈથી હાથમાં પકડી શકાય છે અને તે માત્ર ૧૦ સેકન્ડમાં કેન્સર ટીસ્યૂની ઓળખી કાઢે છે. મેડિકલ જર્નલમાં પ્રકાશિત રિપોર્ટમાં ડિવાઇસનાં પરીક્ષણને ૯૬ ટકા સાચું જણાવ્યું હતું.
કેવી રીતે કામ કરે છે?
આ પેનને એ જગ્યાએ રાખવામાં આવે છે જ્યાં કેન્સર હોવાની શક્યતા હોય છે. પેનમાંથી પાણીનું ટીપું નીકળે છે અને એ પછી જીવિત કોષોની અંદર રહેલું રસાયણ પાણીનાં એ ટીપા તરફ જવા લાગે છે. આ ટીપું પરીક્ષણ માટે પેન પાછું શોષી લે છે. આ પેનને સ્પક્ટ્રોમીટર સાથે જોડવામાં આવે છે. આ સ્પેક્ટ્રોમીટર દર એક સેકન્ડમાં હજારો રસાયણોનું પરીક્ષણ કરી શકે છે. આ પેનની મદદથી ડોક્ટરને ટિસ્યૂમાં કેન્સર છે કે નહીં એ ઓળખવામાં મદદ મળે છે.
કેવું રહ્યું પરીક્ષણ?
આ ટેકનિક વડે ૨૫૩ સેમ્પલ પર પરીક્ષણ કરાયું હતું. આ ડિવાઇસનો આવતા વર્ષ સુધીમાં ઉપયોગ માટે બજારમાં ઉપલબ્ધ થઇ જશે તેવું માનવામાં આવે છે. હાલ આ પેનનું આખરી પરીક્ષણ ચાલી રહ્યું છે. અત્યારે આ પેન દ્વારા ૧.૫ મીમી સુધીના નાના ટિસ્યૂ ઓળખી શકાય છે. સંશોધકોનું કહેવું છે કે તેઓ આ પેનને વધારે સારી બનાવવાની કોશિશમાં છે. જેથી એ ૦.૬ મીમી નાના ટિસ્યૂને પણ ઓળખી શકે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે આ પેનની કિમત બહુ ઓછી હશે.

