હેલ્થ ટીપ્સઃ ઘઉંની અગત્યતા રોજિંદા જીવનમાં

હેલ્થ ટિપ્સ

Wednesday 27th June 2018 07:12 EDT
 
 

રોજિંદા જીવનમાં ઘઉંની અગત્યતા આપણે ત્યાં ઘણી છે. રોજ સવારે લગભગ દરેક ઘરમાં સૌથી પહેલો ઘઉંનો લોટ બંધાઈ જતો હોય છે. ઘઉં પોષક તત્ત્વોથી ભરપૂર છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીનની સાથે મિનરલ સોલ્ટ્સ, કેલ્શિયમ, પોટેશિયમ, સલ્ફર, સિલિકોન, મેંગેનીઝ, ઝિંક, આયોડિન, કોપર, વિટામિન ‘બી’, વિટામિન ‘ઈ’ આવેલાં છે. આથી જ કદાચ વર્ષોથી ઘઉંનો ખોરાક આપણે ત્યાં પ્રચલિત છે. એનીમિયા (ઓછું લોહી હોવું), ઓછા મિનરલ્સ હોવા, ગોલસ્ટોન, બ્રેસ્ટ કેન્સર, વજન વધુ હોવું, શ્વાસની તકલીફ હોવી વગેરે રોગોને દૂર કરવા માટે ઘઉં ખાવા જરૂરી છે. આખા ઘઉં, છડેલા ઘઉં, ઘઉંના ફાડા વગેરે કોલેસ્ટેરોલના પ્રોબ્લેમને પણ દૂર કરે છે. જો આ જ ઘઉંને ફણગાવવામાં આવે અને પછી તેને સૂકવીને વાપરવામાં આવે તો તેમાં વિટામિનની ‘બી’ બેથી ત્રણ ઘણું વધી જાય છે. વધુ પડતા ગેસ, અપચાને તેનાથી દૂર કરી શકાય છે. તેના કારણે કોલેસ્ટેરોલને દૂર કરીને હાર્ટને પણ રોગમુક્ત રાખી શકાય છે.
ઘઉંનો ખોરાક લેવાના ફાયદા
• વજન ઘટાડવામાં મદદરૂપઃ ઘઉંનો ખોરાક ખાવાથી જે સંતોષ મળે છે તે બીજા ખોરાકથી મળતો નથી. દિવસની શરૂઆત જો ઘઉંના ભોજનથી એટલે કે રોટલી - પરોઠા સાથે કરવામાં આવે તો ઝડપથી ભૂખ લાગતી નથી. સવારના ભોજનમાં પણ રોટલી સાથે દાળ-શાક ખાવાથી પેટ ભરાઈ જાય છે અને દિવસ દરમિયાન આડુંઅવળું ખાવું પડતું નથી.
• મેટાબોલિઝમ સારું રહે છેઃ ઘઉંનો ખોરાક ખાવાથી વારંવાર વધતા વજનની સમસ્યા ઘટે છે. મેટાબોલિઝમ વધુ સારું રહે છે.
• ડાયાબિટીસમાં ફાયદોઃ ભાત કરતાં ઘઉંની રોટલી-ભાખરી ખાવાથી ડાયાબિટીસમાં લાભ થાય છે.
• સોજા ઓછા કરે છેઃ ઘઉંમાં આવેલો ‘બિટેઇન’ નામનો પદાર્થ સોજાને ઓછા કરે છે અને ઘૂંટણના દર્દો, હાર્ટના રોગો, અલ્ઝાઇમર્સ વગેરે રોગોને દૂર રાખે છે.


comments powered by Disqus