તાજેતરમાં યોજાયેલી હિંદુ ફોરમ ઓફ યુરોપની સાધારણ સભામાં ડો. લક્ષ્મી વ્યાસ બીજી વખત ફોરમના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ ઉપરાંત તેઓ હિંદુ ફોરમ ઓફ બ્રિટનના એજ્યુકેશન એન્ડ સેન્સસના ઉપપ્રમુખ અને ચેરમેન છે. રોયલ બરો ઓફ ગ્રીનવિચમાં તેઓ SACRE મેમ્બર તેમજ રિલિજ્યસ એજ્યુકેશન કાઉન્સિલ, યુકેના મેમ્બર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ઈન્ટરનેશનલ એસોસિએશન ઓફ રિલિજ્યસ ફ્રિડમ અને યુરોપિયન કાઉન્સિલ ઓફ રિલિજ્યસ લીડરના એક્ઝિક્યુટિવ મેમ્બર પણ છે. UKWOMEN નેટવર્કના એક્ઝિક્યુટિવ મેમ્બર હોવા ઉપરાંત તેઓ કેટલાંક અન્ય ચેરિટી કાર્યમાં સંકળાયેલા છે.
ડો. વ્યાસ અગાઉ મુંબઈની પ્રતિષ્ઠિત કોલેજો પૈકીની એક એલ્ફિન્સ્ટન કોલેજના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ અવાજના પ્રદૂષણ પર કામ કરનારા પ્રથમ મહિલા છે અને પાછળથી તેમને ‘મુંબઈમાં અવાજના પ્રદૂષણ’ વિશે ડોક્ટરેટની પદવી પણ અપાઈ હતી. ભારત સરકાર દ્વારા તેમનો પેનલિસ્ટ તરીકે સમાવેશ કરાયો હતો.
ડો. વ્યાસે ઘણો પ્રવાસ ખેડેલો છે અને ત્રણ પુસ્તક તથા ૩૦થી વધુ શોધપત્રો તૈયાર કર્યા છે જેને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી હતી. ડો. વ્યાસ યુરોપના ભાઈ-બહેનોના અધિકારને લગતી કેટલીક ચોક્કસ સમસ્યાઓના નિરાકરણ માટે પ્રતિબદ્ધ છે.

