લંડનઃ છેલ્લાં કેટલાંક દસકામાં માનવીની આયુમર્યાદામાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. એક રીતે તો આ વાત સારી જ છે, પરંતુ નોંધનીય બાબત એ છે કે આના પરિણામે વૃદ્ધોની સંખ્યા પણ વધી રહી છે. હોસ્પિટલોમાં મોટા ભાગની પથારીઓમાં વૃદ્ધો સારવાર લઈ રહ્યાં છે. વૃદ્ધોની સારવાર કારગત નીવડતી ન હોવાના દાવા સાથે હોસ્પિટલો અને દર્દીઓ માટે ભગવાન ગણાતા ડોક્ટર્સનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. વૃદ્ધ દર્દીઓ મોટા ભાગે શારીરિક પીડાની ફરિયાદ કરે છે ત્યારે ડોક્ટરો તેમને કિલર ડ્રગ્સનો ઓવરડોઝ આપતા હોય છે. જેના પરિણામે, દર્દીઓનું મોત વહેલું થતું હોવાની ચેતવણી નિષ્ણાતો આપે છે. જોકે, આવી ચેતવણીઓ બહેરાં કાને જ અથડાતી રહે છે. આનું ઉદાહરણ ગોસ્પોર્ટ વોર મેમોરિયલ હોસ્પિટલ છે, જ્યાં દર્દીઓના મોતની ઘટનાનું પ્રમાણ મોટું રહે છે. નિષ્ણાતો એવો દાવો કરે છે કે NHSનો સ્ટાફ સામાન્યપણે ડીહાઈડ્રેશન અને સેડેટિવ્ઝના જીવલેણ કોમ્બીનેશનથી દર્દીઓના મોતને ઝડપી બનાવે છે. હેમ્પશાયરની ગોસ્પોર્ટ વોર મેમોરિયલ હોસ્પિટલમાં ૧૯૮૮થી ૨૦૦૦ના સમયગાળામાં ઓપિઓઈડ પેઈનકિલર્સના જોખમી ડેઝ અપાવાના કારણે ૬૫૬ જેટલા દર્દીના મોત નીપજ્યાં હોવાનું કહેવાય છે, પણ આરોગ્ય સેવાના ક્ષેત્રમાં આવી પદ્ધતિનો ઉપયોગ વ્યાપક છે.
તપાસમાં જીપી ડો. જેન બર્ટનને દોષિત ઠરાવાયાં
હેમ્પશાયરની ગોસ્પોર્ટ હોસ્પિટલમાં ૧૯૮૮થી ૨૦૦૦ના ગાળામાં મોટા પાયે વૃદ્ધો સહિત દર્દીઓનાં મોત સંબંધે લિવરપૂલના પૂર્વ બિશપ જેમ્સ જોન્સના વડપણ હેઠળ કરાયેલી તપાસમાં તત્કાલીન જીપી ડો. જેન બર્ટનને દોષિત ઠરાવાયાં છે. The Gosport Independent Panel ના રિપોર્ટમાં જણાવાયું છે તેમ ડો. બર્ટન માટે માનવ જીંદગીઓનું કોઈ મહત્ત્વ જ ન હતું. તેમને મન તો આ દર્દીઓ ‘ન્યુસન્સ’ હતા. રોજ બે કલાક માટે હોસ્પિટલ જતાં ડો. બર્ટને કોઈ પણ તબીબી વાજબીપણા વિના જ દર્દીઓને શક્તિશાળી પેઈનકિલર્સ પ્રીસ્ક્રાઈબ કર્યાં હતાં. આવાં બીનજરૂરી અને જીવલેણ પેઈનકિલર્સ અપાયાના થોડાં જ દિવસમાં ૪૫૦થી વધુ દર્દીઓની જિંદગી ટુંકાઈ ગઈ હતી. આ પછી, વધુ ૨૦૦ દર્દીઓ સાથે પણ આવો જ અમાનવીય વ્યવહાર થયો હોવાનું રિપોર્ટ જણાવે છે. હોસ્પિટલમાં જોખમી ઓપિઓઈડ્સ અપાવા સામે ચિંતા દર્શાવનારા વ્હીસલબ્લોઅર્સ અને પરિવારોની પણ અવગણના કરાઈ હતી.
જ્યોર્જિયન ટાઉનહાઉસમાં ડો. બર્ટનનો કોઈ પતો મળતો નથી ત્યારે તેઓ બ્રિટન છોડી સ્પેન નાસી છૂટ્યાં હોવાનું પણ કહેવાય છે. જનરલ મેડિકલ કાઉન્સિલ દ્વારા ડો. બર્ટન સામે ૨૦૧૦માં તપાસ હાથ ધરાઈ હતી પરંતુ, તેમને રજિસ્ટરમાંથી દૂર કરાયાં ન હતાં. ડો. બર્ટન અને અન્યો સામે ક્રિમિનલ ચાર્જીસ લગાવવાં મૃતક દર્દીઓના પરિવારજનોએ માગણી કરી છે. ડો. બર્ટન સારવાર હેઠળના દર્દીઓની નર્સીસને તેમને રાહત આપવાની સૂચનાઓ આપતાં હતાં, જેનો અર્થ તબીબી ભાષામાં દર્દીને ઓપિઓઈડ્સ પ્રીસ્ક્રાઈબ કરવાનો થાય છે.
અનિવાર્ય મોતનાં નિદાન સાથે જ દર્દીને પ્રવાહી બંધ કરી દેવાય છે
ઈસ્ટ કેન્ટ હોસ્પિટલ્સ યુનિવર્સિટી ટ્રસ્ટસ્થિત કન્સલ્ટન્ટ ન્યૂરોલોજિસ્ટ નિષ્ણાત પ્રોફેસર પેટ્રિક પુલુસિયાનો જણાવે છે તેમ દર્દી લાંબુ જીવી શકે તેમ નથી અને ટુંક સમયમાં જ તેનું મોત થવાનું છે તેવું નિદાન કરવું ડોક્ટરો માટે સાવ સામાન્ય બની ગયું છે. આ પછી, તેઓ દર્દીને તેમની ‘માની લીધેલી તકલીફો’માંથી બહાર લાવવાના પ્રયાસ કરે છે. NHSમાં જ એવું ગ્રૂપ થિન્કટેન્ક છે, જે માને છે કે દર્દી મોતની નજીક જઈ રહ્યો હોવાનું નિદાન કરી શકાય ત્યારે તેને પ્રવાહી આપવાનું બંધ કરી તેમને ડીહાઈડ્રેટ કરીને તંદ્રાવસ્થામાં રાખવાનું યોગ્ય છે.
પ્રોફેસર પુલુસિયાનો કહે છે કે,‘ આવું નિદાન તર્કસંગત નથી કારણકે કોઈ વ્યક્તિનું મોત થશે જ તેમ કહી શકાય નહિ. જો તમે તેને ડીહાઈડ્રેટ કરો તો મોત નિશ્ચિત જ છે. સેડેટિવ્ઝ આપવાથી દર્દીને ફાયદો થશે તેવો કોઈ વૈજ્ઞાનિક પુરાવો પણ નથી. NHS દ્વારા ૨૦૧૫માં આ પદ્ધતિનો અંત લાવવાં ગાઈડલાઈન્સ જાહેર કરાયાં છતાં તેનો અમલ કરાંતો નથી અને દર્દીઓને પાણી આપવાનું પણ બંધ કરી દેવાય છે.
ઈમ્પિરિયલ કોલેજ લંડન ખાતે ડો. ફોસ્ટર યુનિટના વડા નિષ્ણાત પ્રોફેસર સર બ્રાયન જારમનના કહેવા અનુસાર ગોસ્પોર્ટ પ્રકારનું કૌભાંડ અન્ય સ્થળોએ પણ વ્યાપક પ્રમાણમાં ચાલે જ છે. આ પ્રકારના મોત ટાળી શકાય તેવાં હોય છે. તેમને ભય છે કે ગોસ્પોર્ટ હોસ્પિટલ કૌભાંડનું પુનરાવર્તન થઈ શકે છે. જોકે, હેલ્થ એન્ડ કેર વિભાગના પ્રવક્તાએ કહ્યું છે કે અન્ય હોસ્પિટલોમાં આ પ્રકારની કાર્યપદ્ધતિ ચાલતી હોવાનાં કોઈ પુરાવા નથી.
નર્સિંગ સ્ટાફને ચૂપ કરી દેવાયો હતો.
મોત નજીક હોવાનું નિદાન કરાયેલાં દર્દીઓને પ્રવાહી બંધ કરી ઘેનમાં રાખતાં પેઈનકિલર્સ આપવાની પદ્ધતિ સામે નર્સિંગ સ્ટાફે ૩૦ વર્ષ અગાઉ પણ અવાજ ઉઠાવ્યો હતો પરંતુ, મેનેજમેન્ટ દ્વારા તેમને યેનકેન પ્રકારેણ ચૂપ કરી દેવાયા હતા. આવી જ રીતે કન્સલ્ટન્ટ ડોક્ટરોએ પણ આંખ આડા કાન કર્યા હતા. ક્લિનિકલ આસિસ્ટન્ટ તરીકેના ૧૨ વર્ષમાં ડો. જેન બર્ટન મોત અનિવાર્ય હોવાનાં નિદાન સાથે જે સારવાર પ્રીસ્ક્રાઈબ કરતાં હતાં તે હોસ્પિટલના વોર્ડ્સમાં ચાલતી હતી.
નોંધઃ વાચકમિત્રો, લાંબા ગાળાની અસાધ્ય બીમારી, અપૂરતી સુવિધા અને અપુરતી સારવાર વચ્ચે જીવતા આ દર્દીઓને ડો. જેન બર્ટને પીડામાંથી મુક્તિ અપાવવા માટે આ રસ્તો અપનાવ્યો હોવાનું મનાય છે. તેમના આ કૃત્ય વિશે આપનું શું માનવું છે ? અમને પ્રતીક્ષા રહેશે આપની પ્રતિક્રિયાની.

