લંડનઃ ભાગ્યે જ જોવા મળતા બ્લડ કેન્સરનો ભોગ બનેલી ૩૩ વર્ષીય શર્લી કોર્ડીના ભાઈ જોસેફને યુકે આવવા માટેના વિઝા નામંજૂર કરાતા તેનું ટ્રાન્સપ્લાન્ટ કરવાનો ડોક્ટરોએ ઈન્કાર કર્યો હતો. જોસેફના વિઝા અંગેનો આ નિર્ણય પાછો ખેંચવા સરકારને અનુરોધ કરતી પિટિશન પર ત્રણ દિવસમાં ૨૦,૦૦૦ લોકોએ હસ્તાક્ષર કર્યા હતા. હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નિર્ણયની તાકીદે ફેરસમીક્ષા હાથ ધરવામાં આવી છે અને આ સંજોગોને ધ્યાનમાં લેવાશે.
ચાર વર્ષના પુત્ર સાથે વોલ્સોલમાં રહેતી શર્લીની સારવાર બર્મિંગહામની ક્વીન એલિઝાબેથ હોસ્પિટલમાં ચાલે છે. એનિમિયાથી તેના જીવનનું જોખમ ઘટાડવા તેને બ્લડ ટ્રાન્સફ્યુઝનનો આધાર લેવો પડે છે. તેણે જણાવ્યું હતું કે તેને પુત્ર માટે જીવવું છે. હાઈપોપ્લાસ્ટિક માયલોડિસપ્લાસ્ટિક સિન્ડ્રોમથી પીડાતી શર્લીનું સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ નહીં થાય તો તેનું મૃત્યુ થશે તે ચોક્કસ છે.
ઘાનામાં નર્સ તરીકે ફરજ બજાવતા તેના ભાઈ જોસેફના સ્ટેમ સેલ તેના માટે પર્ફેક્ટ મેચ હોવા ઉપરાંત એકમાત્ર વિકલ્પ છે. જોસેફ માત્ર બોન મેરો ડોનેટ કરવા માટે જ યુકે આવવા માગતો હોવાનો તેના પરિવારજનોએ ખુલાસો કર્યો હોવા છતાં હોમ ઓફિસે તેની અરજી ‘આર્થિક કારણસર’ નામંજૂર કરી દીધી હતી.
બ્લડ કેન્સર ચેરિટી એન્થની નોલનના ચીફ એક્ઝિક્યુટિવ હેની બ્રાંડે જણાવ્યું હતું કે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટથી શર્લીની સાજા થવાની શ્રેષ્ઠ તક છે અને તેના ભાઈના વિઝા નામંજૂર થતા હું ખૂબ ચિંતિત છું કારણ કે તેનું પરફેક્ટ મેચિંગ થાય છે.

