નીરવ મોદી લંડનમાં પોતાના ફ્લેટમાં જ રહેતો હતો

Friday 29th June 2018 07:40 EDT
 
 

નવીદિલ્હીઃ દેશ છોડીને ભાગી જનારા વિજય માલ્યાના નક્શેકદમ પર ચાલી રહેલા નીરવ મોદી સુધી પહોંચવામાં ભારતીય એજન્સીઓ ભલે અત્યાર સુધી નિષ્ફળ રહી હોય પણ તાજેતરના અહેવાલ પ્રમાણે નિરવ મોદી લંડનમાં જ હતો. તે પણ પોતાના જ્વેલરી સ્ટોરની ઉપરના જ ફ્લેટમાં તે આરામથી રહેતો હતો.

અહેવાલમાં જણાવાયું હતું કે ૪૭ વર્ષીય નિરવ મોદીને શોધવા માટે જ્યારે ભારતીય એજન્સીઓ આકાશ પાતાળ એક કરી રહી હતી ત્યારે તે લંડનના મેફેયર વિસ્તારમાં ઓલ્ડ બોન્ડ સ્ટ્રીટ પર આવેલા પોતાના જ્વેલરી સ્ટોરના ઉપરના માળે જ ફ્લેટમાં આરામથી રહેતો હતો. આ સ્ટોર છેલ્લાં બે અઠવાડિયાથી કથિત રીતે બંધ થઈ ગયો છે.

ઉલ્લેખનિય છે કે નીરવ મોદી પર ૧.૫ બિલિયન પાઉન્ડથી વધારેના ગોટાળાનો આરોપ છે. ફેબ્રુઆરીમાં ભારત સરકાર દ્વારા તેનો પાસપોર્ટ રદ્દ કરવામાં આવ્યો તે છતાં હીરાનો આ વેપારી નિરવ મોદી ઓછામાં ઓછો ચાર વાર બ્રિટન આવ્યો અને બહાર ગયો હતો.

એક ભારતીય અધિકારીના કહેવા મુજબ રિપોર્ટમાં જણાવાયું છે કે તે આખરે લંડન જ કેમ જાય છે. શું યુકે આવા લોકો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ચૂક્યું છે. બંને દેશો વચ્ચે બ્રેક્ઝિટ પછી વ્યાપાર કરારને લઈને અપાર સંભાવનાઓ છે તેવા સમયે ભારત અને યુકેના રાજકીય તેમજ કૂટનીતિક સંબંધો વણસે તેવો ભય પેદા થયો છે.


comments powered by Disqus