પ.પૂ. મહંતસ્વામીનું સારંગપુર વિચરણ

Wednesday 27th June 2018 07:51 EDT
 
 

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંતસ્વામી હાલ સારંગપુર ખાતે વિચરણ કરી રહ્યા છે. તે અગાઉ તેમણે છ દિવસ સુધી ભૂજ ખાતે વિચરણ કર્યું હતું. પૂ. મહંત સ્વામી શનિવાર તા.૧૬ જૂને સારંગપૂર મંદિરે પહોંચ્યા હતા. પૂ.મહંત સ્વામીએ મંદિર પરિસરમાં આવેલી પૂ. પ્રમુખ સ્વામીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ખીજડાના વૃક્ષની પ્રદક્ષિણા પણ કરી હતી.

પૂ.મહંત સ્વામી હાલ સારંગપૂરમાં બાળ, કિશોર તેમજ યુવક-યુવતી અને પુરુષો-મહિલાઓની સભાઓમાં ઉપસ્થિત રહીને સૌને દર્શન અને સત્સંગનો લાભ આપી રહ્યા છે. આશીર્વચનમાં પૂ.મહંત સ્વામી સૌ હરિભક્તોને સંપ, સદભાવ અને એકતાના ગુણોને વધુ દ્રઢ બનાવવાની શીખ આપે છે. પૂ.મહંત સ્વામી બાળ અને યુવા કલાકારો દ્વારા રજૂ થતા સાંસ્કૃતિક કાર્યક્રમો રસપૂર્વક નિહાળે છે. સારંગપુર ખાતે તેમની નિશ્રામાં વિશેષ સાયંસભાનું પણ આયોજન થાય છે. જેમાં સંતો વિવિધ વિષયો પર પ્રવચન આપે છે. તા.૨૧ જૂનને ગુરુવારે આંતર રાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યુવા તાલીમ કેન્દ્રના યુવાનોએ પૂ. મહંત સ્વામીની ઉપસ્થિતિમાં યોગના વિવિધ આસન કર્યા હતા. તેઓ આગામી તા.૧ જુલાઈને રવિવાર સુધી સારંગપુરમાં વિચરણ કરશે.


comments powered by Disqus