લંડનઃ બ્રિટિશ પાર્લામેન્ટ હાઉસમાં ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને NHSને ૭૦ વર્ષ નિમિત્તે બેઠક યોજાઈ હતી. તેમાં રાજકારણીઓ, વૈજ્ઞાનિકો, ડોક્ટર અને શિક્ષણવિદોએ કરેલા સંબોધનમાં સૌએ એકસૂરે જણાવ્યું હતું કે ૨૧મી સદીમાં સ્વાસ્થ્ય સંબંધિત બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે NHS એ તાકીદે યોગા અને અન્ય ભારતીય પરંપરાગત વિજ્ઞાનનો સમાવેશ કરવાની જરૂર છે.પાર્લામેન્ટના સૌથી મોટા કમિટી રૂમમાં યોજાયેલી બેઠકમાં ૧૫૦ આમંત્રિતો હાજર રહ્યા હતા.
આ બેઠક ભારતીય હાઈ કમિશન અને શ્રીલંકન હાઈ કમિશનના સહયોગથી ઈન્ડિયન ટ્રેડિશનલ સાયન્સીસના ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ દ્વારા યોજાઈ હતી.
બેઠકને સંબોધતા ઓલ પાર્ટી પાર્લામેન્ટ ગ્રૂપ – ઈન્ડિયન ટ્રેડિશનલ સાયન્સના સહ અધ્યક્ષ બોબ બ્લેકમેને જણાવ્યું હતું કે NHS દ્વારા યોગને થોડાક અંશે માન્યતા મળી રહી છે તે આનંદની વાત છે. આયુર્વેદ વિશે તેમણે કહ્યું હતું કે હજારો વર્ષથી જેનો ઉપયોગ થતો હોય તો તેમાં કશુંક ઉપયોગી હોય જ તેવું મારું માનવું છે.
ઓલ પાર્ટી પાર્લામેન્ટ ગ્રૂપ – ઈન્ડિયન ટ્રેડિશનલ સાયન્સના સેક્રેટરી અમરજીત એસ ભામરાએ છેલ્લાં એક વર્ષમાં થયેલી પ્રગતિ અને સાંસદ બોબ બ્લેકમેન તથા સાંસદ વીરેન્દ્ર શર્મા તેમજ APPGના તમામ સભ્યો તરફથી મળેલા સહકારની વાત કરી હતી. શ્રીનિવાસ ગોત્રુએ યુનાઈટેડ નેશન્સમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત કરાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા પ્રયાસની પ્રશંસા કરી હતી. તેમણે આ વર્ષના યોગ કાર્યક્રમમાં શ્રીલંકન હાઈ કમિશનને સામેલ કરવા બદલ APPG ઈન્ડિયન ટ્રેડિશનલ સાયન્સીસના વખાણ કર્યા હતા.
યુકે ખાતેના શ્રીલંકાના હાઈ કમિશનર સુગીશ્વરા ગુણરત્નએ જણાવ્યું હતું કે યોગથી થતા લાભ વિશેની માહિતી શ્રીલંકાના લોકો સુધી પહોંચી રહી છે. યોગને લીધે સ્વાસ્થ્યને વધુ લાભ થાય છે.
માન્ચેસ્ટર હોસ્પિટલ્સ NHS ટ્ર્સ્ટના કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડો. કાશીનાથ દીક્ષિતે NHSમાં સમસ્યાના કેટલાંક મહત્ત્વના પાસાની માહિતી આપી હતી. વસતિ વધવાને લીધે જ નહીં પરંતુ, બાળકો અને કિશોરોમાં સ્થૂળતા અને માનસિક બીમારીમાં વધારો તેમજ ખાસ કરીને બ્રિટિશ એશિયનોમાં હૃદયને લગતી બીમારી અને ડાયાબિટીસમાં થયેલો ધરખમ વધારો પણ એક મુદ્દો છે.
આધુનિક યોગી શ્રી એમએ ભગવદ ગીતામાં વર્ણવાયેલી મનની ત્રણ લાક્ષણિકતા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે હોર્મોન પ્રણાલિ પર અસર માટે યોગાસનો જાણીતા છે પરંતુ, યોગા માત્ર શારીરિક કસરત સિવાય પણ વધારે છે.
બેઠકમાં કેમ્બ્રીજ યુનિવર્સિટીના પ્રો. મદન થાંગવેલુ, પ્રો. ટોની નેડર, બ્રિટિશ કોમ્પ્લીમેન્ટરી મેડિસીન એસોસિએશનના ચેરમેન બ્રિટની સ્પેન્સ, ડો. જેમ્સ મેલિન્સન, પદ્મા કોરમ, ડો. શ્રીકાન્તન ગોપકુમાર, ડો. શાંતા ગોડગામાએ તેમના વિચારો રજૂ કર્યા હતા.

