બોલ્ટન હિંદુ ફોરમ દ્વારા બોલિવુડ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન

Saturday 30th June 2018 07:45 EDT
 
 

બોલ્ટન હિંદુ ફોરમ દ્વારા ગઈ ૨૩ અને ૨૪ જૂને માર્કેટ પ્લેસ બોલ્ટન ખાતે બોલિવુડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કોક્સMPની સ્મૃતિમાં દેશભરમાં યોજાતા ‘ધ ગ્રેટ ગેટ ટુગેધર’ કાર્યક્રમનું આયોજન પણ આ ફેસ્ટિવલના ભાગરૂપે કરાયું હતું. તેમાં બોલ્ટન ઈન્ટરફેથ કાઉન્સિલનો સહયોગ સાંપડ્યો હતો.

વીકેન્ડમાં સૌએ સાઉથ એશિયન સંસ્કૃતિના વિશિષ્ટ ભોજન અને મનોરંજન તેમજ બોલિવુડ ડાન્સ અને ગીતો સાથે ભરપૂર મજા માણી હતી. બન્ને દિવસે સવારે બોલિવુડની બે ક્લાસિક ફિલ્મ ‘મધર ઈન્ડિયા’ અને ‘શોલે’ દર્શાવવામાં આવી હતી. વીકેન્ડ દરમિયાન વાયોલિન, ગિટાર અને ઢોલના તાલ સાથે કલાકારોએ બોલિવુડ અને ભરતનાટ્યમના નૃત્ય રજૂ કર્યા હતા. સિતારવાદનના કાર્યક્રમને પણ સૌએ હોંશે હોંશે માણ્યો હતો અને કલાકારની કલાની પ્રશંસા કરી હતી.

મહોત્સવની ઉજવણીમાં સમગ્ર સમાજને સામેલ કરવાની આ એક અદભૂત તક હતી. સૌએ આશા વ્યક્ત કરી હતી કે હવે આ એક વાર્ષિક કાર્યક્રમ બની જશે જેમાં દર વર્ષે બોલ્ટનવાસીઓ સાઉથ એશિયન સંસ્કૃતિ, બોલિવુડ અને બોલ્ટનના વિકાસમાં સમાજે આપેલા યોગદાનને બીરદાવી શકાશે.


comments powered by Disqus