લંડનઃ બ્રિટને ભારતીય વિદ્યાર્થીઓને વિઝાના સરળ નિયમોમાં રાહત ન આપતા ભારતે બ્રિટનના વલણ સામે સવાલ ઉઠાવ્યા છે. બ્રિટને વિઝાના નિયમોને લઈને ભારતીય વિદ્યાર્થીઓની યાદીને અલગ મૂકી છે. બ્રિટનમાં ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને ભારત પાછા મોકલવા અંગેના ઓમઓયુ પર ભારતે સહી કરવાનો ઇનકાર કરી દીધો હતો. તેના લીધે બ્રિટને આ પગલું ભર્યું છે.
યુકે ખાતેના ભારતીય હાઈ કમિશનર વાય કે સિન્હાએ જણાવ્યું હતું કે ભારતના આશરે એક લાખ લોકો બ્રિટનમાં ગેરકાયદેસર રહે છે. પરંતુ, આ એક લાખની સંખ્યા ક્યાંથી આવી? વર્ષ ૨૦૧૬-૧૭માં ભારતીયોને ૩,૩૭,૧૮૦ વિઝા ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૯૭ ટકા લોકો ભારત પરત ફર્યા છે. તો આ સંખ્યામાં કોણ સામેલ છે તેની સ્પષ્ટતા કરવામાં આવે.
બ્રિટનનાં સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ લિયામ ફોક્સે કહ્યું હતું કે, ભારતીય વિદ્યાર્થીઓની યાદી અલગ મૂકવા પાછળનું કારણ એ છે કે, ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સનો મુદ્દો હજુ ઉકેલાયો નથી. જોકે, આ નિર્ણયથી ભારત સાથેના વ્યાપાર પર અસર પડવાની વાતને નકારતા તેમણે સ્પષ્ટતા કરી કે, ભારત સાથેના સંબંધો માત્ર વ્યાપાર પૂરતા જ સીમિત નથી.
આ નવી યાદીથી વિદેશના વિદ્યાર્થીઓને ફાયદો થશે. બ્રિટનની યુનિવર્સિટીમાં પ્રવેશ માટે અરજી પ્રક્રિયા સરળ કરી દેવામાં આવી છે. જેમાં ભારતીય વિદ્યાર્થીઓને કોઈ સ્થાન નથી અપાયું.

