લંડનઃ રોયલ એરફોર્સ (RAF) ના ૧૦૦મા સ્થાપના દિનની ઉજવણીના મુખ્ય કાર્યક્રમ તરીકે RAFના ૧૦૦ વિમાન સેન્ટ્રલ લંડનના આકાશમાં અદભૂત ફ્લાયપાસ્ટ યોજશે. આગામી તા.૧૦ જુલાઈએ બપોરે ૧ વાગે યોજાનારા આ અદભૂત કાર્યક્રમમાં સ્પીટફાયર્સ સહિત ઐતિહાસિક વિમાનો RAFના કેટલાંક સ્ટેટ - ઓફ - ધ – આર્ટ વિમાનો જોડાશે.
આ ફ્લાયપાસ્ટમાં જોડાયેલા લશ્કરી વિમાનો બ્રિટિશ સ્ટાન્ડર્ડ ટાઈમ (BST) મુજબ બપોરે ૧ વાગે બકિંગહામ પેલેસ પરથી પસાર થશે. મોટાપાયાના આ સામુહિક નિદર્શનમાં RAFના ૧૦૦ વર્ષના ઈતિહાસના જુદા જુદા ગાળાના વિવિધ પ્રકારના વિમાનો જોવા મળશે.
ફ્લાયપાસ્ટ પહેલા પેઢીઓથી RAFમાં બજાવેલી કામગીરીનું પ્રતિનિધિત્વ કરતા RAFના ૧,૦૦૦ જવાનોની પરેડ યોજાશે. હોર્સ ગાર્ડસ રોડ અને ધ મોલથી પેલેસ સુધીની આ પરેડ સવારે ૧૧.૨૫ વાગે શરૂ થશે. રોયલ એરફોર્સના સ્થાપના દિન ૧લી એપ્રિલના ૧૦૦ દિવસ બાદ આ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તા.૬થી તા.૯ જુલાઈ દરમિયાન રોયલ એરફોર્સના વિમાનોનું પ્રદર્શન પણ યોજાશે.
એર ચીફ માર્શલ, ચીફ ઓફ એર સ્ટાફ સર સ્ટીફન હીલીયરે જણાવ્યું હતું કે જીવનમાં એક વખત યોજાનારી આ ફ્લાયપાસ્ટ RAF100 ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ બની રહેશે. અમારા શતાબ્દિ વર્ષમાં અમે અગાઉ ફરજ બજાવી ચૂકેલા અને હાલના જવાનોને બીરદાવીએ છીએ અને નવી પેઢીને RAFની ગાથામાં નવા પ્રકરણ લખવા પ્રેરણા પૂરી પાડીએ છીએ.

