લંડનઃ કેમ્બ્રીજ યુનિવર્સિટીના પોસ્ટ-કોલોનિયલ લિટરેચરના લેક્ચરર અને મૂળ ભારતીય ડો. પ્રિયંવદા ગોપાલ એક પોર્ટરે તેમને ‘ડોક્ટર’ તરીકે બોલાવવાનો ઈન્કાર કરતા હડતાળ પર ઉતરી ગયા હતા. પોર્ટરો દ્વારા તેમને સતત વંશીય ભેદભાવનો ભોગ બનાવવામાં આવતા હોવાનું જણાવીને ડો. ગોપાલે કિંગ્સ કોલેજના વિદ્યાર્થીઓને ભણાવવાનો ઈન્કાર કરી દીધો હતો.
તાજેતરમાં એક પોર્ટર સાથેના વિવાદને પગલે તેમણે આ નિર્ણય જાહેર કર્યો હતો. ટ્વીટર પર તેમણે જણાવ્યું હતું કે તેમણે તે પોર્ટરને પોતાને ડો. ગોપાલ તરીકે સંબોધન કરવા વિનંતી કરી હતી. જોકે, પોર્ટરે તમે કોણ છો તેની મને કોઈ પરવા નથી તેમ જણાવીને તેમની વિનંતી ફગાવી દીધી હતી. ડો. ગોપાલે તમામ શ્વેત પુરુષ પોર્ટરોને પોતાને ડો. ગોપાલ તરીકે બોલાવવા જણાવ્યું હતું. પરંતુ, તેમણે તો ડો. ગોપાલને ‘મેડમ’ તરીકે જ સંબોધવાનો આગ્રહ રાખ્યો હતો.
ડો. ગોપાલે જણાવ્યું હતું, ‘ બસ, હવે બહુ થયું. ૧૭ વર્ષ સુધી વંશીય ભેદભાવ સહન કર્યા બાદ મેં મારા તેમજ કેમ્બ્રીજ યુનિવર્સિટી ખાતે મારા જેવા લોકો વતી કિંગ્સ કોલેજના એક પણ વિદ્યાર્થીના સુપરવિઝનની ના પાડી દીધી છે.’
એક નિવેદનમાં કિંગ્સ કોલેજે આ ઘટના કોઈપણ રીતે વંશીય ભેદભાવને લગતી હોવાનો ઈનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે તે દિવસે કોલેજ વર્ષાંત પાર્ટીને લીધે બંધ હતી. અમે બનાવની તપાસ કરાવી છે અને અમારા સ્ટાફે કશું ખોટું કર્યુ હોવાનું જણાયું નથી. કિંગ્સ કોલેજના મેમ્બર સિવાય દરેકને માટે કોલેજ બંધ હતી તેથી દરેક મુલાકાતીને તેમનું ઓળખ કાર્ડ બતાવવા કહેવાયું હતું. ડો. ગોપાલ જેવા નોન-મેમ્બર્સને કોલેજના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવાયું હતું. આ બાબત પ્રક્રિયાની છે તેમાં ભેદભાવ જેવું કશું નથી.
ડો. ગોપાલે ધ ડેઈલી ટેલિગ્રાફને જણાવ્યું હતું, ‘અન્ય વિભાગોના નવા મુલાકાતીઓ અથવા સભ્યો હંમેશા મને ડો.ગોપાલ તરીકે જ બોલાવે છે અને હું જાણું છું ત્યાં સુધી આ જ યોગ્ય વર્તન છે.’
નોંધઃ વાચકમિત્રો, વંશીય ભેદભાવ વિશેના આક્ષેપો સતત થતા રહે છે. આ વિશે આપ આપનું કોઈ મંતવ્ય રજૂ કરવા ઈચ્છતા હો તો અમને મોકલી આપશો.

