સાઉદી અરબમાં ડ્રાઇવિંગ પરનો પ્રતિબંધ દૂર થતાં મહિલાઓએ જશ્ન મનાવ્યો

Wednesday 27th June 2018 07:08 EDT
 
 

રિયાધઃ મધ્યપૂર્વ એશિયાના ઇસ્લામિક દેશ સાઉદી અરબના ઇતિહાસમાં ૨૪ જૂન ૨૦૧૮નો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. દુનિયામાં સાઉદી અરબ એકમાત્ર એવો દેશ હતો જ્યાં મહિલાઓને ડ્રાઇવિંગ કરવા પર પ્રતિબંધ હતો. ૨૪મી જૂને મધ્યરાત્રિએ તારીખ બદલાતાંની સાથે જ સાઉદી અરબમાં મહિલાઓને ડ્રાઇવિંગ કરવા પર પ્રતિબંધનો અંત આવી ગયો હતો.
તાજેતરના દિવસોમાં શાહજાદા મોહમ્મદ બિન સલમાન દ્વારા અપનાવવામાં આવેલી સુધારાવાદી નીતિને કારણે સાઉદીની મહિલાઓને ઘણી સ્વતંત્રતા આપવામાં આવી રહી છે.
મધ્યરાત્રિ થતાંની સાથે જ રિયાધ સહિતનાં સાઉદીનાં શહેરોની સડકો પર મહિલાઓ પોતાની કાર સાથે ઊતરી આવી હતી. રિયાધના મુખ્ય વિસ્તારોની સડકો પર સાઉદીની મહિલાઓએ કાર ડ્રાઇવ કરીને પોતાને મળેલી આઝાદીનો જશ્ન મનાવ્યો હતો.

મહિલાઓ પર હજી પણ પ્રતિબંધ

• સાઉદીમાં મહિલાને ફરવા, બેન્કમાં ખાતું ખોલાવવા, પાસપોર્ટ બનાવવા, લગ્ન કે છૂટાછેડા અને કોઈપણ પ્રકારનો કોન્ટ્રાક્ટ કરતાં પહેલાં ઘરના પુરુષ વડાની મંજૂરી લેવી પડે છે.
• સાઉદીમાં મહિલાઓ સુંદરતાનું પ્રદર્શન કરતાં વસ્ત્રો પહેરી શકતી નથી, અહીં મહિલાઓ માટે ડ્રેસકોડ લાગુ છે.
• મહિલા પોતાનાં સગાં ન હોય તેવા પુરુષ સાથે મર્યાદિત સમય માટે જ વાત કરી શકે છે, જાહેર સ્થળોએ મહિલા અને પુરુષ માટે પ્રવેશદ્વાર અલગ હોય છે
• મહિલાઓ સાર્વજનિક સ્વિમિંગ-પૂલમાં જઈ શકતી નથી, તેમને ફક્ત મહિલાઓ માટેનાં જિમ અને સ્પામાં જવાની પરવાનગી છે.
• શોપિંગ મોલમાં મહિલા કપડાંની ટ્રાયલ લઈને વસ્ત્રો પસંદ કરી શકતી નથી, સાઉદીમાં ટ્રાયલરૂમમાં મહિલાઓને કપડાં ઉતારવાની મનાઈ છે.
• મહિલાઓને માતા-પિતાની સંપત્તિમાં પુરુષોની સમકક્ષ અધિકાર મળતો નથી.
• મહિલાઓ કબ્રસ્તાનમાં પ્રવેશી શકતી નથી.


comments powered by Disqus