લંડનઃ ભારતીય મૂળના હોટલમાલિક સુરિન્દર અરોરાએ હિથરો એરપોર્ટ ખાતે નવ માળનું કાર પાર્ક બાંધવાના પોતાના અધિકાર માટે તેની સામે કાનૂની પગલાં લીધા છે. અરોરાએ આ કેસ લડવા માટે ટોચના બે બેરિસ્ટર રાખ્યા હોવાનું મનાય છે.
યુકેમાં હોટેલ ચેઈન ધરાવતા અને પંજાબમાં જન્મેલા ૫૯ વર્ષીય અરોરાએ હિથરો ખાતે પોતાની માલિકીની જમીન પર નવ માળનું ૨૦૭૭ સ્પેસ કાર પાર્ક બાંધવાની યોજના માટે હિથરો એરપોર્ટ સામે યુકે હાઈકોર્ટ ક્લેઈમ કર્યો છે. ધ સન્ડે ટાઈમ્સના અહેવાલ મુજબ હિથરો એરપોર્ટે દાવો કર્યો છે કે આ સ્પેસ બાંધવાનો અધિકાર માત્ર તેનો જ છે. અરોરાએ તે દાવાને પડકાર્યો છે. લોકલ પ્લાનિંગ નિયમ મુજબ એરપોર્ટ ખાતે મહત્તમ ૪૨,૦૦૦ કાર પાર્કિંગ સ્પેસની પરવાનગી છે. અરોરાનું માનવું છે કે આ સંખ્યા એરપોર્ટના સમગ્ર વિસ્તાર માટે છે અને તેમાં તેમની જમીન આવેલી છે તેથી કાર પાર્ક સ્પેસ બાંધવાના તેમના હક્કને મંજૂરી મળવી જ જોઈએ.
વધુમાં, અખબારે દાવો કર્યો હતો કે આ વિવાદ માત્ર કાર પાર્કનો જ નહીં પરંતુ, સ્પર્ધાને મંજૂરી મળવી જોઈએ કે નહીં તેના વિશેનો છે. અરોરા એરપોર્ટ પર ત્રીજો રન-વે બાંધવાનો અધિકાર મેળવવા માગે છે. રન-વે માટેની તેમની સસ્તી યોજનાને બ્રિટિશ એરવેઝ સહિત એરલાઈન્સનું સમર્થન છે. જોકે, હિથરો તો રન-વેના નિર્માણનો અધિકાર માત્ર તેનો જ હોવાનો દાવો કરે છે.
અરોરાની પ્લાનિંગ અરજી હિલિંગ્ડન કાઉન્સિલ પાસે ૨૦૧૫થી પડતર છે. તેઓ મલ્ટિ સ્ટોરી કાર પાર્ક મેળવી શક્યા ન હતા. અરોરાને તે જગ્યાએ નાનું પાંચ માળનું ૧૦૦૦ સ્પેસવાળું કાર પાર્ક બાંધવાની મંજૂરી અપાઈ હતી. જોકે, અરોરા તેમાં ચાર માળ ઉમેરવા માગે છે.
૨૦૧૮ના ‘ધ સન્ડે ટાઈમ્સ રીચ લિસ્ટ’ મુજબ અરોરા ૩૪૯ મિલિયન પાઉન્ડની સંપત્તિના માલિક છે.

