સ્કૂલોમાં યોગા ક્લાસ શરૂ કરવા ભારતીય રાજદૂતનો યુકે સરકારને અનુરોધ

Wednesday 27th June 2018 07:18 EDT
 
 

લંડનઃ ભારતીય રાજદૂત રાજ અગ્રવાલે કાર્ડિફમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી દરમિયાન પ્રાઈમરી અને સેકન્ડરી સ્કૂલોમાં યોગાના અઠવાડિક ક્લાસીસ શરૂ કરવાનો યુકે સરકારને અનુરોધ કર્યો હતો. Ty Krishna Cymru, Emlyn House, Cardiff ખાતે યોગ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મિસ વેલ્સ બેથની હેરિસ અને મિસ યુનિવર્સની ફાઈનલિસ્ટ સેમ હેનકોક સહિત ૧૦૦ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિવિધ આસનો કર્યા હતા. ખૂબ સફળ રહેલા આ વાર્ષિક કાર્યક્રમનું આયોજન વેલ્સ ખાતેના ભારતના કોન્સુલ રાજ અગ્રવાલOBE દ્વારા કરાયું હતું. તેમણે જણાવ્યું હતું કે સ્કૂલોમાં યોગ દાખલ કરવા પાછળ ખૂબ ઓછો ખર્ચ થશે પરંતુ, તેના ટૂંકા અને લાંબા બન્ને ગાળાના લાભ અકલ્પનીય છે. કાર્યક્રમમાં આવેલા ફર્સ્ટ મિનિસ્ટરને વેલ્સની સ્કૂલોમાં યોગ ક્લાસીસ શરૂ કરવાની અમારી યોજના વિશે વિચારવા જણાવ્યું હતું. ઘણાં વર્ષોથી નિયમિતપણે યોગ કરતા અગ્રવાલે ઉમેર્યું હતું કે ૫,૦૦૦ વર્ષ જૂની યોગ પદ્ધતિની ઉજવણી માટે યોજાયેલા આ વૈશ્વિક કાર્યક્રમમાં ભાગ લેતા મને ખૂબ આનંદ થાય છે. યોગનો મૂળ ઉદભવ ઉત્તર ભારતમાં થયો હતો. વેલ્સને ભારત સાથે ગાઢ સંબંધ છે અને આ કાર્યક્રમ આપણા વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધને આગળ ધપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

યોગથી વ્યક્તિ સ્વસ્થ અને ફીટ રહે છે તેટલું જ નહીં તે મનની એકાગ્રતા વધારવામાં મદદરૂપ થાય છે. યોગથી લોકો હળવાફૂલ થાય છે અને આધુનિક જીવનના તણાવમાંથી મુક્ત થાય છે.


comments powered by Disqus