છેલ્લાં ૨૫ વર્ષથી સમાજની નિષ્ઠાપૂર્વક સેવા કરતી સ્વામીનારાયણ સ્કૂલ અચાનક બંધ થવાના સમાચારથી સમાજમાં આઘાતની લાગણી ફેલાઈ ગઈ હતી. આ સમયગાળા દરમિયાન સ્કૂલે મેળવેલી સફળતાઓ અને સિદ્ધિઓ વિશે અને ખાસ કરીને GCSE A- levelsમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગ્રેડથી લોકો ગૌરવ અનુભવે છે.
આ ખાનગી હિંદુ સ્કૂલના પ્રવક્તા દ્વારા એક પત્રમાં જણાવાયું હતું કે વધતી જતી નિયમન જરૂરિયાતો, શિક્ષકોની ભરતી અને તેમના નિભાવમાં મુશ્કેલીઓ, સરળતાથી ઉપલબ્ધ સરકારી ફંડવાળી હિંદુ સ્કૂલો અને વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા આ તમામ બાબતોએ ખાસ કરીને છેલ્લા થોડા વર્ષમાં સ્કૂલ સમક્ષ મોટા પડકાર ઉભા કર્યા છે. તેને લીધે સ્કૂલમાં શૈક્ષણિક અને માળખાકીય રીતે સુધારાવધારાને જાળવી રાખવા માટેના જરૂરી સંસાધનોમાં રોકાણને અસર પહોંચી છે. તેથી અક્ષર એજ્યુકેશન ટ્ર્સ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રમાંથી બહાર નિકળી જવાનો નિર્ણય લેવાયો છે.
ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે સ્કૂલ બે તબક્કામાં બંધ કરવામાં આવશે. બંધ કરવાના સમયપત્રકમાં એક આખા શૈક્ષણિક વર્ષની નોટિસ અપાશે જેથી તમામ વાલીઓને અન્ય સ્કૂલોમાં અરજી કરવા માટે પૂરતો સમય મળી રહે. પ્રેપ સ્કૂલ અને સિનિયર સ્કૂલ સપ્ટેમ્બર ૨૦૧૮થી લઈને બંધ થવા સુધી એટલે કે જુલાઈ ૨૦૧૯ સુધી સામાન્ય રીતે જ ચાલુ રહેશે. સપ્ટેમ્બર ૨૦૧૮થી GCSE અથવા A- levels શરૂ કરતા વિદ્યાર્થીઓ (એટલે કે સપ્ટેમ્બર ૨૦૧૯માં યર ૧૧ અથવા યર ૧૩માં પ્રવેશતા) સિવાય તમામને તે લાગૂ પડશે. તેઓ સ્કૂલમાં તેમનું GCSE અથવા A- levels જુલાઈ ૨૦૨૦ સુધીમાં પૂરુ કરશે. સ્કૂલ દ્વારા તેની રજિસ્ટ્રેશનની વિગતોમાં સુધારો કરવા માટે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એજ્યુકેશન સાથે સંપર્કમાં હોવાનું એક નિવેદનમાં જણાવાયું હતું.
હાલ સ્કૂલ દ્વારા સરકારી ફંડથી હિંદુ ફેથ સ્કૂલ ચલાવતા અવંતિ ટ્ર્સ્ટ સાથે ચર્ચા ચાલી રહી છે. ટ્રસ્ટને બ્રેન્ટમાં હિંદુ સ્કૂલ શરૂ કરવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન તરફથી મંજૂરી અને ફંડિગ મળ્યા છે. તે હાલ યોગ્ય જગ્યાની શોધમાં છે. અવન્તિ ટ્ર્સ્ટ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં તેની સ્કૂલ શરૂ કરવામાં સફળ થાય તો સ્વામીનારાયણ સ્કૂલના પેરન્ટસ તે સ્કૂલમાં ઉપલબ્ધ જગ્યાઓ માટે અરજી કરી શકશે. જોકે, તેનો આધાર સ્કૂલ દ્વારા પ્રવેશ માટે નક્કી કરાયેલા ધારાધોરણો અને કેચમેન્ટ એરિયાના પાલન પર રહેશે.
AETના ચેરમેન જીતુભાઈ પટેલે જણાવ્યું હતું કે ખાસ કરીને આ વાત અમારા વિદ્યાર્થીઓ, સ્ટાફ અને પેરન્ટ્સ માટે ખૂબ દુઃખદ છે. આ કપરા નિર્ણય પર પહોંચતા પહેલા અમે કેટલાક વિકલ્પ વિચાર્યા હતા. અમે તમામ પેરન્ટ્સને વૈકલ્પિક સ્કૂલ શોધવા અને સ્ટાફની નોકરી શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ સુધી સલામત હોવાની અમારા સ્ટાફ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે એક વર્ષની નોટિસ આપી છે.
સ્કૂલ શરૂ થઈ ત્યારથી સિનિયર સ્કૂલના હેડ તરીકે ફરજ બજાવતા નીલેશ મનાણીએ જણાવ્યું હતું કે તેમને બાળકો અને સ્ટાફનો ખૂબ સરસ સહયોગ મળ્યો હતો અને સ્કૂલ બંધ થાય ત્યાં સુધી શ્રેષ્ઠ સ્તરનું શિક્ષણ જાળવવાની તકેદારી રાખીશું.
પ્રેપ સ્કૂલના હેડ ઉમેશ રાજાએ જણાવ્યું હતું કે આ ખૂબ દુઃખદ છે પરંતુ, સૌથી અગત્યની વાત એ છે કે હવે દરેકે આગામી બે વર્ષ સુધી સૌએ ખાસ કરીને અમારી સ્કૂલમાં જ રહેતા વિદ્યાર્થીઓ માટે સાથે મળીને કામ કરવાનું રહેશે.
૪૪૯ વિદ્યાર્થી ધરાવતી સ્કૂલના પેરન્ટ્સને સ્કૂલ બંધ થવાની જાણ સોમવારે સાંજે ઈમેલ દ્વારા થતાં તેમના ચહેરા પરથી નૂર ઉડી ગયું હતું. પોતાનું નામ ન જણાવવા માગતા એક પેરન્ટે ગુજરાત સમાચાર/એશિયન વોઈસને જણાવ્યું હતું કે પેરન્ટ્સના સલાહ સૂચન લેવાયા નથી. તે યોગ્ય નથી. હવે અમારા બાળકોને ક્યાંય પ્રવેશ ન મળે તો શું ?
હીનાબેન સોલંકીના બે બાળકો સ્વામીનારાયણ સ્કૂલમાં ભણે છે. તેમણે જણાવ્યું હતું કે આ ખૂબ દુઃખદ દિવસ છે. અમે જુદા જુદા પડકારો વખતે સ્કૂલને મદદ કરી છે. કારણ કે અમને જ્યાં શિક્ષણ અને સંસ્કૃતિનું સંતુલન હોય તેવી ધર્મ આધારિત સ્કૂલની જરૂર હતી.
સ્કૂલ મેનેજમેન્ટ અને રોષે ભરાયેલા વાલીઓ વચ્ચે સ્કૂલ બંધ થવાની બાબતે પહેલી મિટિંગ યોજાવાની છે ત્યારે મંગળવારે સાંજે ૬ વાગે પેરન્ટ્સ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું છે.

