લંડનઃ મીઠું ન ખાવું જોઇએ એવું સતત કહેવાતું રહ્યું છે. વધારે પડતા મીઠાનો ઉપયોગ કરવાથી કેટલાક રોગ થાય છે, એવું આપણને સતત કહેવાતું રહ્યું છે, પણ વિજ્ઞાાનીઓએ તાજેતરમાં કરેલા સંશોધનમાં જણાયું છે કે, મીઠું જેટલું ખરાબ માનવામાં આવ્યું છે એટલું ખરાબ નથી. ઊલટાનું મીઠું ઓછું ખાવાથી નુકસાન થઇ શકે છે!
લગભગ ચાર દસકા કે તેથી વધુ સમયથી આપણા મગજમાં સતત ઠસાવાતું રહે છે કે વધુ મીઠું આપણું મોત નોંતરે છે. તબીબો કહેતા રહ્યા છે કે ધૂમ્રપાન કરવાથી કે કસરત ન કરવાથી આપણા સ્વાસ્થ્યને જેટલું નુકસાન થાય છે તેટલું નુકસાન વધુ મીઠું ખાવાથી થાય છે. આથી જ આરોગ્ય નિષ્ણાતો પણ દરરોજ માપમાં મીઠું ખાવા સલાહ આપે છે. વધુ મીઠું ખાવાથી બ્લડપ્રેશર ઊંચું રહે છે. બ્લડપ્રેશરથી હૃદયને પણ નુકસાન થાય છે. આ કારણથી નમક વિના જીવતા શીખવું જોઇએ.
જોકે આપણી આ માન્યતા સાવ ખોટી છે, એમ કહેતાં મિસૂરીના સેન્ટ લ્યૂકમાં આવેલા મીડ અમેરિકા ગાર્ટ ઇન્સ્ટિટયૂટ ખાતેના ટોચના કાર્ડિયોવાસ્ક્યુલર રિસર્ચ સાયન્ટિસ્ટ કહે છે કે મીઠ અંગે નવેસરથી વિચારવાનો સમય આવી ગયો છે.
અત્યારે સરકારની નિર્દેશિકા પ્રમાણે દરરોજ ૨.૪ ગ્રામ મીઠું ખાવું જોઇએ! મતલબ કે એક ચમચી કરતાં થોડું ઓછું મીઠું ખાવું જોઇએ. એમાં વળી જો લોહીનું દબાણ વધુ હોય કે એ વધવાનું જોખમ હોય એવા બ્લડ ગ્રૂપમાં તમે હો તો તમારે એક તૃતિયાંશ ચમચી જેટલું જ મીઠું ખાવું જોઇએ.
જો મીઠું શરીરમાં ઓછા પ્રમાણમાં હોય તો તે તમામ પ્રાણીઓ કે આપણામાં પણ કુદરતી ગર્ભનિરોધક તરીકે કામ કરે છે. ઉપરાંત ઓછા મીઠાવાળો ખોરાક લેતા હો તો તેનાથી કામેચ્છા ઘટતી હોય છે. ગર્ભ રહી જવાની તકો ઘટે છે અને નવજાત શિશુનું વજન પણ ઓછું રહે છે.
મેડિકલ સાહિત્યમાંના પુરાવા સૂચવે છે કે સામાન્ય બ્લડપ્રેશર ધરાવતા ૮૦ ટકા લોકોમાં લોહીનું દબાણ તેઓ મીઠું વધારે પ્રમાણમાં લે તો ઊંચું રહે એવા કોઇ સંકેત મળ્યા નથી. જેમનામાં લોહીનું ઊંચુ દબાણ રહેતું હોય તેમનામાંથી પણ ત્રીજા ભાગના લોકો મીઠા પ્રતિ સંવેદનશીલ હોતા નથી. એ તો ઠીક જેઓ લોહીના ઊંચા દબાણથી પીડાતા હોય એમાં પણ ૫૫ ટકા લોકો ઉપર તો મીઠાની કોઇ અસર થતી જ નથી!
સો વર્ષ પહેલાં ફ્રાન્સના વિજ્ઞાાનીઓ અમ્બાર્ડ અને બુચાર્ડે માત્ર છ દર્દીઓ ઉપર અભ્યાસ કરીને મીઠું અને લોહીના દબાણ વચ્ચેનો સબંધ પુરવાર કર્યો હતો. પરંતુ એ સબંધ આજે ખોટો હોવાનું પુરવાર થાય છે.
કોરિયામાં મીઠાનો વધુ વપરાશ
સરેરાશ કોરિયન દરરોજ સરેરાશ ૪ ગ્રામ મીઠું આરોગે છે! તેઓની ટ્ટેઓક્ગુક ખૂબ જ મીઠાવાળી ડિશ છે, તો ગ્રીલ્ડ માંસ પણ જાણે મીઠાના સાગરમાં બનાવાતી હોય એમ લાગે છે. તેઓ કિમચી પણ દરેક ભોજન વખતે આરોગે છે, જે મીઠામાં આથેલું હોય છે! છતાં હાઇપરટેન્શન, કોરોનરી હાર્ટ ડિસીસ અને કાર્ડિયોવાસ્કયુલર રોગને કારણે થતાં મૃત્યુનો દર વિશ્વમાં કોરિયનોમાં સૌથી ઓછો છે. જો મીઠાનો વધુ ઉપયોગ જોખમી હોય તો કોરિયનોમાં આ રોગનું પ્રમાણ વિશ્વમાં સૌથી ઊંચું હોવું જોઇએ. એ ઉપરાંત ભૂમધ્ય વિસ્તારના લોકોના આહારમાં પણ મીઠું ઓછું હોતું નથી. છતાં તેમના આહાર હાર્ટ હેલ્થી ગણાય છે.
નવા અભ્યાસથી જણાયું છે કે ઓછું મીઠું ખાવાથી ઇન્સ્યુલીનનું ઉત્પાદન ઓછું થાય છે અને તેથી ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે એવું અગ્રણી કાર્ડિયોવસ્ક્યુલર રિસર્ચ સાયન્ટિસ્ટો કહે છે.

