હિથરો પર ત્રીજા રન-વેની યોજનાને સંસદની બહાલી

Wednesday 27th June 2018 07:53 EDT
 
 

લંડનઃ યુરોપના સૌથી વ્યસ્ત એરપોર્ટ હિથરો પર ત્રીજા રન-વેના નિર્માણ માટેની વિવાદાસ્પદ યોજનાને બ્રિટિશ પાર્લામેન્ટે સોમવારે મંજૂરી આપી હતી. ૧૪ બિલિયન પાઉન્ડના ખર્ચે થનારા વિવાદાસ્પદ વિસ્તરણથી બ્રેક્ઝિટ પછી બ્રિટનના અર્થતંત્રને વેગ મળશે તેવી સરકારની દલીલને હાઉસ ઓફ કોમન્સના સાંસદોએ ૪૧૫ વિરુદ્ધ ૧૧૯ મતથી સમર્થન આપ્યું હતું. અગાઉ,વડા પ્રધાન થેરેસા મેના નેતૃત્વ હેઠળની સરકારની આર્થિક પેટા સમિતિ દ્વારા મંજૂરી અપાયા બાદ કેબિનેટે હિથરો ખાતે ત્રીજા રન-વેની યોજનાને મંજૂરી આપી હતી. ૨૦ વર્ષની અનિશ્ચિતતા બાદ આખરે સરકારે હિથરો પર ત્રીજા રન-વેને મંજૂરી આપતાં વિસ્તરણનો માર્ગ મોકળો બન્યો હતો.

ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ક્રિસ ગ્રેલિંગે રહીશો માટે વળતરપેટે અને અવાજ ઘટાડવાના પગલા માટે ૨.૬ બિલિયન પાઉન્ડની જાહેરાત કરી હતી.

કન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રી (CBI)એ આ મતદાનને વાસ્તવિક ઐતિહાસિક નિર્ણય ગણાવતા જણાવ્યું હતું કે યુકેના વૈશ્વિક સંબંધોમાં આ નિર્ણય નવા યુગના દરવાજા ખોલશે.

એરપોર્ટના વિસ્તરણનો ખર્ચ એરલાઈન્સ અને પેસેન્જરો પર નાખવામાં આવશે. આમ પણ હિથરો દેશના સૌથી ખર્ચાળ એરપોર્ટ્સ પૈકીનું એક છે.

સંસદમાં મતદાન માટે હાજર ન રહેવા બદલ અને આ જ સમયે અફઘાનિસ્તાનની મુલાકાતે જવા બદલ ફોરેન સેક્રેટરી બોરિસ જહોન્સનની ભારે ટીકા થઈ હતી. તેમણે તો અગાઉ એવું કહ્યું હતું કે વિસ્તરણની યોજના આગળ વધશે તો તે બુલડોઝરની સામે સૂઈ જશે.

ઈલિંગ અને સાઉથોલના સાંસદ વીરેન્દ્ર શર્માએ આ મહિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે એરપોર્ટ દ્વારા વિકાસના પ્રસ્તાવો પર સ્થાનિક લોકો સાથે ખૂબ ઝીણવટપૂર્વક કાર્ય કર્યુ છે અને સ્થાનિક અર્થતંત્રને તેનો મહત્ત્વનો લાભ મળશે.

અરોરા ગ્રૂપ વિસ્તરણ અને વિકાસના અધિકાર માટે એરપોર્ટ કંપની હિથરો એરપોર્ટ લિમિટેડ (HAL) સામે સ્પર્ધા કરી રહ્યું છે. આ ગ્રૂપ વિસ્તરણ માટે જે જમીન નક્કી કરાઈ છે તેનું સૌથી મોટું માલિક છે. ગ્રૂપ દ્વારા ગયા મેની શરૂઆતમાં વિસ્તરણ માટે વૈકલ્પિક પ્રસ્તાવો આપવામાં આવ્યા હતા. અરોરા ગ્રૂપે વધારાના ૫૦ મિલિયન પેસેન્જરોની અવરજવર માટે નવા ટર્મિનલ તૈયાર કરવાનું વચન આપ્યું હતું. અરોરાની વિસ્તરણ યોજના ૧૪.૪ બિલિયન પાઉન્ડના ખર્ચની હતી. એરપોર્ટ કમિશનના અહેવાલ મુજબ HALની યોજના તેનાથી બમણી એટલે કે ૩૧ બિલિયન પાઉન્ડની હોઈ શકે.

અરોરાએ જણાવ્યું હતું કે હિથરોના વિસ્તરણ માટે સાંસદોની મંજૂરીની મહોર આગળની દિશામાં એક મોટું પગલું છે. પરંતુ, વિસ્તરણના દરેક કાર્યમાં કોણ શ્રેષ્ઠ આપી શકે છે તે નક્કી કરવા માટે હવે સ્વતંત્ર પ્રક્રિયા જરૂરી છે.


comments powered by Disqus