૧૦૦૦ વર્ષ જૂની મૂર્તિ ભારત પાછી મોકલવા બ્રિટિશ મ્યુઝિયમ સમક્ષ માગણી

Wednesday 27th June 2018 07:32 EDT
 
 

લંડનઃ બ્રિટિશ મ્યુઝિયમે તેની એક શિલ્પકૃતિ ઓનલાઈન રજૂ કરવાનો નિર્ણય લીધો ત્યારે તેને એવી અપેક્ષા હતી કે આ મૂર્તિના સૌંદર્ય અને તેના ઐતિહાસિક મહત્ત્વ બદલ તેની ભરપૂર પ્રશંસા થશે. પરંતુ, તેમને આ શિલ્પકૃતિ ભારત પાછી મોકલી આપવાની ઉગ્ર રજૂઆત સાથેના સંખ્યાબંધ ફોન કોલ્સ આવશે તેવું તો તેમણે વિચાર્યું જ નહીં હોય.

એલ્જિન માર્બલ્સની વણઉકલી સમસ્યાનો પડઘો પાડતો વિવાદ ભારતના એક અગ્રણી રાજકારણીએ છેડ્યો હતો. એક વખતના યુએનના સેક્રેટરી જનરલપદના ઉમેદવાર શશી થરૂરે પ્રશ્ર કર્યો હતો,‘સમૃદ્ધ ધર્મમાં પૂજાતી એક હજાર વર્ષ જૂની શિલ્પકૃતિ વિદેશી મ્યુઝિયમમાં શોભે કે પછી જે મંદિરમાંથી કાઢીને લઈ જવાઈ હોય ત્યાં ?

મ્યુઝિયમ દ્વારા ટ્વીટમાં જણાવાયું હતું, ‘આ સુંદર સેન્ડસ્ટોન મૂર્તિ ભારતમાં આશરે ૧,૦૦૦ વર્ષ પહેલા ઘડવામાં આવી હતી. અગાઉ આ પ્રકારની મૂર્તિઓ મંદિરની બહારની શોભામાં અભિવૃદ્ધિ કરતી હતી. અહીં હરિહર ભગવાનની મૂર્તિમાં વિષ્ણુ (હરિ) અને શીવ (હર)નું સંયુક્ત સ્વરૂપ રજૂ કરાયું છે.’

ટ્વીટરનો ઉપયોગ કરનારા ઘણાં લોકો પૈકીના એક કાશી મહાદેવે તેનો વિરોધ કર્યો હતો અને લખ્યું હતું, ‘ તે (મૂર્તિ) અમારા માટે ખૂબ પવિત્ર છે અને તે કોઈ પ્રદર્શનમાં મૂકવાની કલાકૃતિ નથી. મહેરબાની કરીને તે અમને ભારતીયોને પાછી મોકલી દો. તે અમારી છે.’

૧૯મી સદીમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના એક જનરલે મેળવેલી આ મૂર્તિ ખજૂરાહો મંદિર સંકુલની હોવાનું મનાય છે.

મ્યુઝિયમના પ્રવક્તાએ જણાવ્યું હતું, ‘મ્યુઝિયમનું કલેક્શન વિશાળ છે. તેને લીધે મુલાકાતીઓ વિવિધ સંસ્કૃતિઓની એકબીજા સાથે સાથે સરખામણી કરી શકે છે. તેના વિરોધાભાસને તેમજ આપણી આંતરિક સંયોજકતાને સમજી શકે છે. તે સંદર્ભમાં હરિહરની મૂર્તિ અહીં રહે તે મહત્ત્વનું છે. અમે દક્ષિણ એશિયાના ઈતિહાસ અને સંસ્કૃતિથી આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ જ નહીં પરંતુ, યુકેના સાઉથ એશિયન ડાયસ્પોરાને પણ પરિચિત કરાવીએ છીએ.’

પ્રવક્તાએ ઉમેર્યું હતું, ‘અમને આ મૂર્તિ પાછી મોકલવા માટે કોઈ સત્તાવાર વિનંતી મળી નથી અને ભારતીય મ્યુઝિયમોના સહયોગીઓ સાથે અમારે સુમેળભર્યા સંબંધ છે.’

લેક્ચરર અને બીબીસીના ભૂતપૂર્વ પ્રોડ્યુસર ડો. ઝરણા ગૌર્લીએ જણાવ્યું હતું કે આવી બધી કલાકૃતિઓ લૂંટીને લાવવામાં આવી હોય તેવું નથી. આવી કૃતિઓ મેળવવામાં ઘણીવાર કોલોનાઈઝ્ડ લોકો અને કોલોનિયલ માસ્ટર્સ વચ્ચે સાઠગાંઠ હતી.

યુકેમાં રહેલી અન્ય અમૂલ્ય કૃતિઓ

કોહિનૂર હીરો

૧૦૫ કેરેટનો આ હીરો ૧૮૫૦ માં ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા ક્વીન વિક્ટોરિયાને ભેટ અપાયો હતો. કંપનીએ આ હીરો પંજાબના ભૂતપૂર્વ શાસકો પાસેથી લીધો હતો. હાલ આ હીરો ટાવર ઓફ લંડન ખાતે પ્રદર્શનમાં સ્વ. ક્વીન મધરના તાજ પર લગાવવામાં આવ્યો છે.

એલ્જિન માર્બલ્સ

લોર્ડ એલ્જિન ૧૯મી સદીના પ્રારંભમાં ઓટોમન શાસનની પરવાનગીથી આ શિલ્પકૃતિઓ એથેન્સના પાર્થેનોનથી લાવ્યા હતા. જેરેમી કોર્બીને જણાવ્યું હતું કે તે સત્તા પર ચૂંટાઈ આવશે તો તે આ કૃતિઓ એથેન્સ પાછી મોકલી દેશે.

બેનિન બ્રોન્ઝીસ

બ્રિટિશ દળોએ ૧૮૯૭માં હાલના નાઈજીરીયા અને તે સમયના બેનિન રાજ્યમાંથી બેનિન બ્રોન્ઝિસ કબજે લીધી હતી. તેમાંની સેંકડો બ્રોન્ઝ પ્લેક્સ બ્રિટિશ મ્યુઝિયમ સહિત વિવિધ સંસ્થાઓને આપવામાં આવી હતી. ઈતિહાસવિદ ડેવિડ ઓલુસોગાએ જણાવ્યું હતું કે આ પ્લેક્સ ત્યાંથી લાવવામાં આવી છે તે સ્પષ્ટપણે વિનિયોગ અને ચોરીનો કિસ્સો છે. તેમણે આ પ્લેક્સ પાછી મોકલવા બ્રિટિશ મ્યુઝિયમને અનુરોધ કર્યો હતો.


comments powered by Disqus