ઈન્ડો - બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપને ભારતીય હાઈ કમિશનર સિંહાનું સંબોધન

Wednesday 28th March 2018 07:17 EDT
 
 

લંડનઃ ઈન્ડો-બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપના ચેરમેન વીરેન્દ્ર શર્માએ ગઈ ૨૧ માર્ચને બુધવારે સેન્ટ જેમ્સ કોર્ટ, લંડન ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમાં ભારતના યુકે ખાતેના હાઈ કમિશનર વાય કે સિંહાએ હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડ્સના મહાનુભાવોને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે હાઉસ ઓફ કોમન્સના ડેપ્યુટી સ્પીકર ડેમ રોઝી વિન્ટર્ટન, પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ફોર ડિપાર્ટમેન્ટ ફોર એન્વાયર્નમેન્ટ, ફૂડ એન્ડ રૂરલ એફેર્સ ડો.થેર્સે કોફી, ૧૯૨૨ બેક બેંચ કમિટીના ચેરમેન સર ગ્રેહામ બ્રેડી અને ભૂતપૂર્વ એટર્ની જનરલ ડોમિનિક ગ્રીવ સહિત પાર્લામેન્ટના ૪૫ સદસ્ય હાજર રહ્યા હતા.

હાઈ કમિશનર સિંહાએ બન્ને દેશ વચ્ચેના મજબૂત અને ગતિશીલ સંબંધ વિશે તેમજ ઉચ્ચ સ્તરીય રાજકીય આદાન પ્રદાન, વ્યાપારી અને મૂડીરોકાણ, સંરક્ષણ અને સુરક્ષા તેમજ ઈનોવેશન, વિજ્ઞાન અને ટેક્નોલોજી તથા સંસ્કૃતિ ક્ષેત્રે સહયોગ અંગે સંતોષ વ્યકત કર્યો હતો. તેમણે તાજેતરમાં સંપન્ન થયેલા ‘ઈન્ડિયા-યુકે યર ઓફ કલ્ચર’નો ઉલ્લેખ કર્યો હતો. તેનો પ્રારંભ ક્વીન એલિઝાબેથ દ્વિતીયની યજમાનીમાં બકિંગહામ પેલેસ ખાતે શાનદાર સમારોહ સાથે થયો હતો. તેમણે આપણી વ્યૂહાચ્મક ભાગીદારીને મજબૂત સમર્થન આપતા ‘જીવંત પૂલ’ સમાન યુકેમાં રહેતા ૧.૫ મિલિયન ભારતીય ડાયસ્પોરાની ભૂમિકાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો

હાઈ કમિશનર સિંહાએ સરકારોની એકબીજા સાથેની પારસ્પારિક ક્રિયા ઉપરાંત પણ વિશેષ જોડાણની જરૂરિયાત જણાવી હતી. તેમણે ભારતીય હાઈ કમિશન અને વિદેશ વ્યવહાર મંત્રાલય, દિલ્હી દ્વારા બ્રિટિશ સાંસદોના ગ્રૂપ માટે ભારતના પરીચય માટેની મુલાકાતોની યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. આવી મુલાકાતોથી સરકારી પ્રધાનો, ભારતના સાંસદો અને ટોચના વેપારી મહામંડળ અને શિક્ષણજગતના અગ્રણીઓ સાથે સીધી વાતચીત દ્વારા ભારત વિશે સાંસદોને રૂબરૂ અનુભવ થઈ શકે. આ વર્ષના અંત ભાગમાં બીજી મુલાકાતના આયોજન માટે સાંસદોને આમંત્રણ અપાયું હતું.

કોમનવેલ્થને ફરી જીવંત કરવા લંડનમાં આવતા મહિને યોજાનારી કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મિટીંગ (ચોગમ) દ્વારા ઉપલબ્ધ તકનો લાભ લેવાની જરૂરની હાઈ કમિશનરે વાત કરી હતી. તેમણે બન્ને દેશના કોમનવેલ્થના સંબંધ તેમજ દ્વિપક્ષીય સંબંધને આગળ ધપાવવા કોમનવેલ્થનો લાભ લેવા પર ભાર મૂક્યો હતો.


comments powered by Disqus