કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા પાંચ કરોડ ફેસબુક યુઝર્સનો ડેટા લીક: માર્ક ઝુકરબર્ગે માફી માગી

Wednesday 28th March 2018 06:22 EDT
 
 

બ્રિટિશ ડેટા કંપની કેમ્બ્રિજ એનાલિટિકાની બેદરકારીના કારણે દુનિયાનું સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક વિવાદોમાં ઘેરાયું છે. અમેરિકા અને ભારત સહિતના રાજકારણીઓ તથા પ્રખ્યાત હસ્તીઓના પ્રચાર પ્રસાર માટે કામ કરનારી કેમ્બ્રિજ એનાલિટિકાએ ફેસબુકના યુઝર્સની માહિતીનો ઉપયોગ કરતાં આશરે પાંચ કરોડ ફેસબુક યુઝર્સની માહિતી લીક થવાનો એનાલિટિકા તથા ફેસબુક પર આરોપ છે. એનાલિટિકાના અહેવાલો બહાર આવ્યા બાદ ફેસબુકને ૯૦ બિલિયન ડોલરનું નુકસાન થઈ ચૂક્યું છે. અલબત્ત, માર્કે ૮ વર્ષમાં જે કમાણી કરી હતી, તે પાંચ દિવસમાં જ સાફ થઈ ગઈ હોવાના અહેવાલ છે અને હજી પણ તેની સંપત્તિમાં ઘટાડો થતો નોંધાઈ રહ્યો છે. માર્કની મિલકત લગભગ ૭૩. ૬૬ બિલિયન ડોલર સુધી ઘટી ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સ પ્રમાણે, ૧૮ તારીખે તેમની નેટવર્થ ૭૪ બિલિયન ડોલર હતી. પરંતુ ડેટા લીકની ઘટના પછી માર્કની સંપત્તિ સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારથી અત્યાર સુધીમાં ઘટીને ૬૭.૩ બિલિયન ડોલર થઈ ગઈ છે. આ ઉપરાંત અમેરિકા અને યુરોપના સાંસદોએ ફેસબુક પાસે જવાબ માગતાં ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે માફી માગી છે. બીજી તરફ કેમ્બ્રિજ એનાલિટિકાના સીઇઓ એલેક્ઝાન્ડર નિક્સને ૨૨મી માર્ચે સસ્પેન્ડ કરી દેવાયા હતા. ફેસબુકના ડેટાલિકના સમાચાર આવતાં વોટ્સએપના કો-ફાઉન્ડર બ્રાયન એક્ટે ટ્વિટ કરીને કહ્યું હતું કે, હવે ફેસબુકને ડિલિટ કરી દેવું જોઇએ. ઇટ ઇઝ ટાઇમ. ડિલિટ ફેસબુક.

અમેરિકન ઇલેક્શન કનેક્શન

એનાલિટિકા અંગેના અહેવાલોમાં જણાવાયું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફાયદો થાય એ રીતે આ કંપનીએ મતદાતાઓના વિચારને બદલી નાખવા માટે ફેસબુક યુઝર્સ ડેટામાં ઘૂસણખોરી કરી હતી. આ ઉપરાંત વિશ્વના દેશોમાં યોજાતી ચૂંટણીમાં મતદારો આ નવા પ્રકારના બિગ ડેટા એનાલિસિસથી પ્રભાવિત થયા હોવાના આક્ષેપ એનાલિટિકા પર લગાવાયા હતા. ૨૦૧૬માં અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની આશ્ચર્યજનક વિજયનું શ્રેય કેમ્બ્રિજ એનાલિટિકાને અપાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયા પછી ફેસબુકના કારણે જીત્યા હોવાના આક્ષેપો પણ વારંવાર થયા હતા. બ્રિટિશ ચેનલ 'ચેનલ ૪ ન્યુઝ'ના સ્ટીંગ ઓપરેશનમાં કેમ્બ્રિજ એનાલિટિકાના સીઈઓએ કઈ રીતે ફેસબુકની જાણ વગર તેનો ડેટા ઉઠાંતરી કર્યો તેની માહિતી આપી હતી. ૧૭ માર્ચે આ માહિતી સામે આવ્યા પછી ડેટા લીકનો વિવાદ રોજ રોજ ઘેરો બનતો ગયો. ૧૯મી માર્ચથી પાંચ દિવસમાં અમેરિકી શેરબજારમાં ફેસબુકના શેર તૂટવાથી કંપનીની સંપત્તિમાં ૫૦ અબજ ડોલર (રૂ. ૩૩૫૫ અબજ) જેટલો ઘટાડો આવ્યો હતો. માર્કની અંગત સંપત્તિમાં પણ રૂ. ૯ અબજ ડોલરનું ગાબડું પડયું હતું. આ ઉપરાંત એક ક્વિઝ એપના કારણે પણ ડેટા લીકની માહિતી મળી હતી.

ક્વિઝ એપના નામે ડેટા લીક

૨૦૧૩માં એલેક્ઝાન્ડર કોગન નામના સંશોધકે એક ક્વિઝ એપ તૈયાર કરી હતી. ક્વિઝ રમવા માટે લોકો આ એપ ડાઉનલોડ કરતા હતા. લાખો લોકોએ એપ ડાઉનલોડ કરી હતી, જેમાં પોતાની અંગત માહિતી આપવાની હતી. યુઝર્સ આ ક્વિઝમાં ફેસબુક દ્વારા ભાગ લેતા હતા. એટલે કે ફેસબુકમાં હતી એ માહિતી આપોઆપ એપ સુધી પહોંચી જતી હતી. પછી ૨૦૧૪માં ફેસબુકે નવા સિક્યુરિટી ફિચર્સ ઉમેર્યાં. આ એપને હટાવી દેવાઈ અને તેની પાસેનો ડેટા પણ ડિલિટ કરવા કહેવાયું, પરંતુ એલેક્ઝાન્ડરે એ ડેટાને ડિલિટ કરવાને બદલે વેચી નાખ્યો. આ રીતે ફેસબુક પર મુકાયેલો ડેટા માર્કેટમાં રખડતો થઈ ગયો. જોકે આ મામલે એલેક્ઝાન્ડરે અમેરિકી સમાચાર માધ્યમોને જણાવ્યું છે કે, ફેસબુક મને હોળીનું નાળિયેર બનાવે છે. હકીકતે ફેસબુક સાથે એપનું જોડાણ કર્યું ત્યારે જ એવી શરત મુકાઈ હતી કે ડેટાનો ગમે તે ઉપયોગ કરી શકાશે. એ પછી હું ડેટા વેચું તો તેનો ફેસબુક કઈ રીતે વાંધો લઈ શકે? વળી મેં કોઈ ફેસબુકની પોલીસીનો પણ ભંગ કર્યો નથી. ઘણા લોકો આ રીતે જ ડેટા ભેગો કરે છે અને તેને વેચીને કમાણી પણ કરે છે. ડેટાની હેરાફેરી એ બિઝનેસ બની ગયો છે.

ડેટા લીક મારી ભૂલ: ઝુકરબર્ગ

ફેસબુક ઓપન કરતી વખતે અંગત વિગત માટે ખાતરી અપાય છે કે બધી માહિતી ગુપ્ત અને સલામત રહેશે. ફેસબુક સિવાય એ વિગતો કોઈ જોઈ જાણી શકશે નહીં, પરંતુ ફેસબુકની આ ખાતરી ખોટી સાબિત થતાં ઝુકરબર્ગે ડેટા લીક અંગે માફી માગી હતી. માર્કે ૨૨મી માર્ચે પોતાની ફેસબુક વોલ પર એક લાંબી પોસ્ટ કરી હતી કે, તમારો ડેટા સાચવી રાખવાની જવાબદારી અમારી હતી, પરંતુ અમે (એટલે કે ફેસબુક) એ જવાબદારી નિભાવી શક્યું નથી, પરંતુ હવે હું ખાતરી આપું છું, કે ભવિષ્યમાં આવું ક્યારેય થશે નહીં. અત્યારે જે ડેટા ચોરી થઈ છે એ બદલ હું દિલગીર છું અને વપરાશકર્તાઓની માફી માગુ છું. માર્કે ભવિષ્યમાં આવુ નહીં બને તેની ખાતરી આપતા ઉમેર્યું હતું કે ડેટા સિક્યુરિટી માટે હજી વધુ કડક પગલાં લેવાશે.

અમેરિકા અને બ્રિટનના અખબારોમાં માફીની જાહેરાત

ઝુકરબર્ગે આ ઘટના માટે પહેલાં ફેસબુક પર માફી માગ્યા પછી અમેરિકા અને બ્રિટનના મુખ્ય અખબારોમાં ફુલ પેજ જાહેરાત આપીને પણ ફેસબુક યુઝર્સની માફી માગી છે. ઝુકરબર્ગે બ્રિટનના મેઇલ ઓન સન્ડે, ધ સન્ડે ટાઇમ્સ, ધ ઓબ્ઝર્વર સહિત છ અખબારમાં તેમજ અમેરિકાના ન્યૂ યોર્ક ટાઇમ્સ, વોશિંગ્ટ પોસ્ટ અને વોલ સ્ટ્રીટ જર્નલમાં જાહેરાત આપીને ડેટા લીક થવા મુદ્દે માફી માગી હતી. તેણે સાથે દાવો કર્યો હતો કે, લોકોના વિશ્વાસ સાથે ચેડા થયા છે તે બાબતનો અમે સ્વીકાર કરીએ છીએ. એક ફેસબુક માટે યુનિવર્સિટીના એક રિસર્ચરે એપ બનાવી હતી, આ ક્વિઝ એપ હતી. અને ફેસબુક યુઝર્સ માટે હતી. આ એપ દ્વારા જ ડેટા લીક કરાયા હતા. આ ડેટા ૨૦૧૪માં લીક કરવામા આવ્યા હતા, જોકે હવે દરેકના એકાઉન્ટ સુરક્ષિત છે અને ફેસબુકના યુઝર્સનો ડેટા સલામત રહે તે માટે હવે વધુ મહેનત કરીશું.

ભારતની ચૂંટણીમાં ગોટાળા નહીં થાય

ઝુકરબર્ગે સ્પષ્ટતા કરી છે કે ભારત અને બ્રાઝિલમાં ચૂંટણી આવી રહી છે. આ બન્ને દેશો ફેસબુકના સૌથી વધુ યુઝર્સ ધરાવે છે. એનાલિટિકા પણ આ દેશોમાં કામ કરે છે. એ સંજોગોમાં આવી રીતે ફેસબુક પરથી ચોરાયેલો કે લીક થયેલો ડેટા ભારત-બ્રાઝિલની ચૂંટણીમાં ન વપરાય એ માટે ફેસબુક કટિબદ્ધ છે. ફેક એકાઉન્ટ પણ ડિલિટ કરી શકાય એ માટે ફેસબુક ખાસ પ્રકારનો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્રોગ્રામ લોન્ચ કરી રહ્યું છે.

એનાલિટિકાનું ભારત કનેક્શન!

એનાલિટિકાનું ભારતની ચૂંટણી સાથે પણ કનેક્શન છે. તેની પેરન્ટ કંપની એસસીએલને ૨૦૧૦ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોન્ટ્રાક્ટ મળ્યો હતો અને ટાર્ગેટ બેઠકોમાંથી ૯૦ ટકાથી વધુ પર તેના ક્લાયન્ટનો વિજય થયો હતો. એ ચર્ચા પણ છે કે આ ફર્મ ૨૦૧૯માં યોજાનારી ભારતની ચૂંટણીઓ માટે પણ કેટલાક રાજકીય પક્ષોનો સંપર્ક કરી રહી છે અથવા ડીલ થઇ ગઇ છે.

ભાજપ-કોંગ્રેસના સામસામે આક્ષેપ

ભારતીય ચૂંટણીઓમાં ટેડાના ઉપયોગ માટે ભાજપ અને કોંગ્રેસ કેમ્બ્રિજ એનાલિટિકા સાથેના સંબંધો મુદ્દે એકબીજા પર માછલાં ધોઈ રહ્યાં છે. જોકે દસ્તાવેજો દર્શાવે છે કે બંને પાર્ટીઓ જુઠ્ઠાણા ફેલાવી રહી છે અને બ્રિટન સ્થિત કેમ્બ્રિજ એનાલિટિકાની મદદ લઈ ચૂકી છે ત્યારે બંનેએ સાબદો બચાવ પક્ષ પણ ઊભો કર્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનાં ટ્વિટર ફોલોઅર્સની સંખ્યામાં રાતોરાત વધારો થવા સાથે રાહુલ ગાંધીએ આ કંપનીની મદદ લીધી છે કે કેમ? કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે આવા આક્ષેપ સાથે કહ્યું કે, લોકસભાની ચૂંટણીઓ ગાજી રહી છે. એવા સમયે કહું છું કે અમે મીડિયા, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ, પરંતુ ફેસબુક સહિત સોશિયલ મીડિયા દ્વારા જો ભારતની ચૂંટણીપ્રક્રિયાને પ્રભાવિત કરવાનો કોઈ પણ પ્રયાસ થશે તો તે સાંખી લેવાશે નહીં.
પ્રસાદે એવું પણ કહ્યું કે, ગુજરાતની ગત વિધાનસભા ચૂંટણીમાં કેમ્બ્રિજે રાહુલનું સોશિયલ મીડિયા સંભાળ્યું હતું અને ગબ્બસિંહ ટેક્સ કેમ્પેન આ કંપની સાથે મળીને થયું હતું. પ્રસાદે સવાલ કર્યો હતો કે પાંચ મહિના પહેલાં મીડિયામાં આ અંગે અહેવાલો છપાયા ત્યારે કોંગ્રેસે કેમ મૌન સેવ્યું? રાહલ ગાંધીએ સામે જણાવ્યું કે, ઈરાકમાં ૩૯ ભારતીયોના મોતના સમાચારો પરથી ધ્યાન હટાવવા સરકાર દ્વારા ડેટાચોરી મામલામાં કેમ્બ્રિજ એનાલિટિકા અને કોંગ્રેસના સંબંધોના અહેવાલો ઉપજાવ્યા છે. સરકાર મીડિયામાં ખોટા સમાચારો ફેલાવે છે.
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પ્રહાર કર્યો કે, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની ચૂંટણીમાં આ કંપનીએ ભાજપના ઉમેદવારોને મતવિસ્તાર પ્રમાણે ડેટા ઉપલબ્ધ કરાવ્યા હતા. કેમ્બ્રિજ એનાલિટિકાની વેબસાઇટ જણાવે છે કે, ૨૦૧૦માં ભાજપ અને જદયુએ કંપની દ્વારા અપાયેલા ડેટાનો ઉપયોગ કર્યો હતો. એવોલે કંપની ભાજપના સહયોગી પક્ષના સાંસદના પુત્રની માલિકીની છે. ૨૦૦૯માં રાજનાથસિંહે આ કંપનીની સેવાઓ લીધી હતી. સૂરજેવાલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ કે કોંગ્રેસ પ્રમુખે ક્યારેય કેમ્બ્રિજ એનાલિટિકાની સેવાઓ લીધી નથી. કેન્દ્રીય પ્રધાન બનાવટી એજન્ડા અને સફેદ જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. ભાજપની બનાવટી સમાચારોની ફેક્ટરીએ વધુ એક બનાવટી સમાચાર ઉપજાવી કાઢયા છે. તો બીજી તરફ ભારતમાં એનાલિટિકાની સહયોગી કંપની એવોલેનો બિઝનેસ ઇન્ટેલિજન્સની વેબસાઇટ પર ઉલ્લેખ કરેલો છે કે ભાજપ, કોંગ્રેસ અને જનતાદળ (યુ) તેના કલાયન્ટ છે. ઓવલેનો કંપનીનું સંચાલન જનતાદળ યુના નેતા કે સી ત્યાગીના પુત્ર અમરીષ કરે છે. આ કંપની એસસીઆઈ ઇન્ડિયા અને લંડનના એસસીએલ ગ્રુપના જોઇન્ટ વેન્ચરનો હિસ્સો છે. એસએલ ગ્રુપ કેમ્બ્રિજ એનાલિટિકાની પેરેન્ટ કંપની છે. નવાઈની વાત તો એ છે કે આ વિવાદ ચગ્યા પછી ઓવલેનોની વેબસાઈટ બંધ કરી દેવાઈ છે. ત્યારે બિહારના જનતાદળ (યુનાઈટેડ)ના નેતા કે સી ત્યાગીના દીકરા અમરીશ ત્યાગીએ કેમ્બ્રિજ એનાલિટિકા માટે કામ કર્યું છે. તેવી વાતો વહેતી થતાં કે સી ત્યાગીએ જણાવ્યું કે મારા દીકરાએ કોઈ ગુનો નથી. અમરીષ બરાબર અમેરિકી પ્રમુખની ચૂંટણી ટાણે જ કેમ્બ્રિજ સાથે જોડાયેલો હતો. આ પછી બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે કે સી ત્યાગીને મળવા બોલાવ્યા હતા. આ બેઠક પછી કે સી ત્યાગીએ સ્પષ્ટ કર્યું કે મારો દીકરો અમરીષ એનાલિટિકા સાથે પ્રોફેશનલી જોડાયેલો હતો. તેણે કોઈ ગરબડ નથી કરી. માત્ર ટ્રમ્પની ચૂંટણી વખતે અમેરિકામાં રહેતા ભારતીયોનો મૂડ કેવો છે, એ જાણવાના સર્વેમાં એ શામેલ હતો. પરંતુ એમ છતાંય મારો દીકરો ગુનેગાર જણાય તો સજા કરજો.

ડિલિટ ફેસબુક કેમ્પેઈનઃ ૧૦ કરોડ યુઝર્સ એફબી છોડવા રેડી

ફેસબુકના આશરે પાંચ કરોડ યુઝર્સના ડેટાલીક પછી ૧૦ કરોડ યુઝર્સ ફેસબુક છોડવા તૈયાર છે. આ એવા યુઝર્સ છે જેઓ પોતાના એફબી એકાઉન્ટ ડિએક્ટિવેટ-ડિલિટ કરી ચૂક્યા છે કે સ્ટેટસ અપડેટ્સ, મેસેજિસ દ્વારા ફેસબુક છોડવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. સમગ્ર વિશ્વમાં ફેસબુકના આશરે ૨૧૦ કરોડ યુઝર્સ છે. ટેક્નોલોજી સેક્ટરની વેબસાઇટ ‘ધ વર્જ’ મુજબ હવે આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ભરોસો રાખનારાઓની સંખ્યા ઘટીને ૨૦૦ કરોડ સુધી આવી શકે છે. તેનો એવો અર્થ થયો કે આશરે ૧૦ કરોડ યુઝર્સનું નુકસાન.


comments powered by Disqus