વડીલો સહિત સહુ વાચક મિત્રો, તાજેતરમાં દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન રંગેચંગે ઉજવાયો. સહુએ સાથે મળીને નારીશક્તિના ગુણગાન ગાયા, તેમના પ્રદાનને બિરદાવ્યું. આખું વિશ્વ વર્ષમાં એક જ દિવસ - ૮મી માર્ચે નારીશક્તિની પ્રશસ્તિ કરીને સંતોષ મનાવે છે, પણ ભારતની વાત અલગ છે. ભારતીય સંસ્કૃતિ - શાસ્ત્રો - પરંપરા તો પરાપૂર્વથી નારીશક્તિનું ગુણગાન કરતા રહ્યાં છે. ભારતીય સમાજ ભલે પુરુષપ્રધાન ગણાતો હોય, પરંતુ આપણને સહુને માતા, બહેન, પુત્રી (અરે... હા ભ’ઇ હા, પત્ની પણ ખરી)... દરેક સ્વરૂપે નારીશક્તિનો આદર-સત્કાર કરવાના સંસ્કાર ગળથૂંથીમાં જ મળ્યા છે. યત્ર નાર્યેષુ પૂજયન્તે... શ્લોક ભારતીય સંસ્કૃતિની જ તો દેન છે... તમે દિમાગને જરાક કષ્ટ આપીને વિચારશો તો યાદ આવશે કે આપણા સમાજમાં જ એવા કેટલા બધા નારીરત્નો છે જે સહુ કોઇ માટે, એક યા બીજા પ્રકારે પ્રેરણાસ્રોત બની રહ્યા છે.
આ લ્યોને મારી જ વાત કરું... સાડા ચાર દસકા કરતાં પણ લાંબા જાહેરજીવન દરમિયાન અનેક સન્નારીઓને મળ્યો છું, જેમણે જાહેરજીવનથી માંડીને પરિવારના વિકાસમાં પ્રશંસનીય યોગદાન આપ્યું છે. જોકે આ બધામાંથી મારા માટે સૌથી વધુ પ્રેરણાદાયી પાત્રોમાં છે કોકિલાબહેન ધીરુભાઇ અંબાણી. તાજેતરમાં એશિયન વોઈસના એક લેખમાં ૧૧ એવા પ્રેરણાદાયી સન્નારીઓની વાત કરી છે, જેમણે આપણને સહુને ગૌરવ અપાવ્યું છે. અલબત્ત, હું એમ પણ માનું છું કે યુકેમાં વસતાં આપણાં ભારતીય સમાજમાંય એવાં અનેક મહિલા પાત્રો છે કે જેમણે આપણને એક યા બીજા પ્રકારે સન્માન-ગૌરવ અનુભવવાનો અવસર આપ્યો છે. વાત પોતાના બિઝનેસમાં યોગદાનની હોય કે પછી સંતાનો અને સ્વજનોની સારસંભાળ લેતાં લેતાં પોતાના જીવનસાથી કે પરિવારના વ્યાવસાયિક સાહસમાં મદદની વાત હોય... તેમની આગેકૂચમાં કોઇ પરિબળ અવરોધક બન્યું નથી.
મને ફરી એક વખત કોકિલાબહેન લિખિત ૩૪૬ પાનનું પુસ્તક વાંચી જવા પ્રેર્યો. પુસ્તકનું નામ છેઃ ‘ધીરુભાઇ અંબાણીઃ ધ મેન આઇ ન્યૂ’. જીવનસાથી ધીરુભાઇની જીવનગાથા રજૂ કરતા આ પુસ્તકનું નામ જ બહુ સૂચક છે. ધીરુભાઇને કોકિલાબહેનથી તે વધુ કોણ જાણતું હોય ભલા?! પુસ્તકમાં તથ્ય આધારિત ભરપૂર માહિતી એકદમ નિખાલસતાપૂર્વક રજૂ થઇ છે. મારું માનવું છે કે સફળતાના શીખરે પહોંચ્યા બાદ કદાચ બહુ જૂજ જ લોકો તેમના જીવનના પ્રારંભિક સમય, પડકારો અને સંઘર્ષમય દિવસોમાં ડોકિયું કરવાનો અવસર પૂરો પાડતા હોય છે. જોકે ધીરુભાઇ વિશેનું આ પુસ્તક અપવાદ છે. તેમાં ધીરુભાઇની એક સામાન્ય નોકરિયાતથી માંડીને રિલાયન્સનું સામ્રાજ્ય સર્જવા સુધીની સફર બહુ સરસ રીતે રજૂ થઇ છે. તેમાં જીવનના પ્રારંભની વાત છે, પડકારની વાત છે, સંઘર્ષની વાત છે અને છોગામાં પ્રેરણાનું પરિબળ પણ છે. હૈયે જો હામ હોય તો માણસ ક્યાંનો ક્યાં પહોંચી શકે છે તે વાત આ પુસ્તક વાંચતા સમજાય છે.
વાચક મિત્રો, આવો આપણે ધીરુભાઇના જીવનના કેટલાક મહત્ત્વના પડાવો પર નજર કરીએ. ધીરુભાઇનો જન્મ થયો ૨૮ ડિસેમ્બર ૧૯૩૨ રોજ સૌરાષ્ટ્રના ચોરવાડમાં. તેમના પિતા (હીરાચંદભાઈ) ગામડાગામમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. વાચક મિત્રો, ચાલો, આગળની વાત કોકિલાબહેનના શબ્દોમાં જ જાણીએઃ
‘૧૯૪૯માં ધીરુભાઇ જૂનાગઢ હાઇસ્કૂલમાં મેટ્રિકની પરીક્ષા આપીને ચોરવાડ પાછા ફર્યા. પરીક્ષામાં બધા વિષયોમાં ઉતીર્ણ ન થયા એટલે ઓક્ટોબરમાં પાછી પરીક્ષા આપી. ચોરવાડ આવ્યા ત્યારે પિતાજીએ મોટાભાઈ રમણિકભાઇની એડનની સારી નોકરીની વાત કરી ધીરુભાઇને સૂચવ્યું. મનમાં આગળ ભણવાનાં સપનાં સજાવી રહેલા ધીરુભાઇને પિતાજીનું સૂચન પસંદ ન પડ્યું. પોતાની આગળ ભણવાની ઇચ્છા વ્યક્ત કરી અને પિતાજીના નોકરી માટેના આગ્રહ સામે ગુસ્સામાં આવી પોતાનું પેટન્ટ વાક્ય બોલી ગયાઃ ‘ફદિયાં ફદિયાં શું કરો છો? ફદિયાના ઢગલાં કરી દઇશ...’ પરંતુ ત્યારે પરિવારની આર્થિક સ્થિતિ જોતાં પોતાની આગળ ભણવાની ઇચ્છા મનમાં જ ધરબી દીધી.
રમણિકભાઇએ એડનમાં એ.બેસ એન્ડ કંપની (A.Besse & Co)ના ડિરેક્ટર અને પોતાના બોસ મગનભાઇ પટેલને (ત્યારે તેઓ આણંદ પાસે પોરડા ગામે પોતાના ઘરે આવેલા) મળી આવવા માટે ધીરુભાઇને લખ્યું હતું. ધીરુભાઇને થોડાક પ્રશ્નો પૂછ્યા બાદ મગનભાઇએ એક અંગ્રેજી અખબાર આપ્યું અને મોટેથી વાંચવા કહ્યું. એક કાગળ આપતાં થોડુંક લખવા કહ્યું. ધીરુભાઇ મગનભાઇની પરીક્ષામાં પાર ઉતર્યા. બીજી એક વાત પણ મગનભાઇના મન પર અસર કરી ગઇ. નાસ્તાની ડીશ ધીરુભાઇ પોતે અંદર મૂકવા ગયા હતા. મગનભાઇને ધીરુભાઇની વિવેકશીલતા સ્પર્શી ગઇ. ત્યાંથી નીકળ્યા ત્યારે એડનમાં નોકરી પાકી થઇ ગઇ હતી.
તેમણે જીવનની પહેલી અને એકમાત્ર જોબ એડનમાં એ. બેસ. એન્ડ કંપનીમાં કરી. જ્યાં તેઓ એક વેળાએ પેટ્રોલ પંપ એટેન્ડન્ટ હતા. ત્યારબાદ તેઓ કારકૂન થયા.
પાંચ વર્ષ બાદ તેઓ ભારત પરત ફર્યા અને ૧૯૫૫માં જામનગરના કોકિલાબહેન પટેલ સાથે લગ્નબંધને બંધાયા.
પ્રથમ મિલનની પળો
વાચક મિત્રો, ચાલો આ પ્રસંગ પણ કોકિલાબહેનના શબ્દોમાં જ માણીએઃ
જામનગર અમારા ઘરે મને જોવા આવી પહોંચ્યા. ૧૮મી જાન્યુઆરી ૧૯૫૫. મને તારીખ બરાબર યાદ છે. અમારા પ્રથમ મિલનની... ઊંચો, પાતળો, પણ સશક્ત બાંધો. શ્યામ વાન અને ચમકતી આંખો... સફેદ શર્ટ, સફેદ પેન્ટ અને કાળા જૂતામાં સજ્જ એમનું વ્યક્તિત્વ પ્રભાવક લાગતું હતું... એમના કોઇ સગાંને મળવા જવું હતું એટલે હું સાથે ગઇ... મારી બાએ રીક્ષા કરી લેવાનું સૂચવેલું, પણ તેમણે ચાલવાનું જ પસંદ કર્યું... પછી પાછળથી જાણ્યું કે તેમને તો જોવું હતું કે આ પાતળી, નાજુક છોકરી લાંબુ ચાલીને થાકી તો નથી જતીને... એમના શ્યામ રંગ વિશે મારા મનમાં થોડોક ખચકાટ હતો. પણ મારા બામાં માણસ પારખવાની ગજબની સૂઝ હતી. મને કહ્યુંઃ ‘છોકરો હોંશિયાર લાગે છે. હા, શ્યામ છે, પણ તેનું નસીબ કાળું નથી. તેની ચાલ, તેના પગલાં, જગારા મારતું કપાળ જોયું?’
આમ તો મારા લગ્ન થોડાક મોડા લેવાના હતા, પણ ૧૫મી ફેબ્રુઆરીએ વેવિશાળ થયું અને ૧૨મી માર્ચના લગ્ન નક્કી થયા.
વાચક મિત્રો, કોકિલાબહેનના આ સંસ્મરણ વાંચીને આપનામાંથી કેટલાય ભાઇઓ-બહેનોને પોતે જોવા ગયા હતા કે પોતાને જોવા કોઇ આવ્યું હતું તેની યાદ આવે તો નવાઇ નહીં...
૧૯ એપ્રિલ ૧૯૫૭ના રોજ પુત્ર મુકેશનો જન્મ થયો. ૧૯૫૮માં ધીરુભાઇ જીવનસંગિની કોકિલાબહેન અને પુત્ર મુકેશ સાથે ભારત પરત ફર્યા અને મુંબઇના ભૂલેશ્વરમાં જય હિન્દ એસ્ટેટ નામની ચાલમાં એક રૂમના ફ્લેટમાં ગૃહસ્થી શરૂ કરી. (આ કદાચ અતિશ્યોક્તિ લાગશે, પણ કોકિલાબહેનને એ વાતનો જશ આપવો જ પડે જ કે તેમણે મુંબઇમાં જ્યાં પ્રથમ વસવાટ જ્યાં કર્યો હતો તે નિવાસસ્થાનનો ફોટોગ્રાફ પણ આ પુસ્તકમાં પ્રસિદ્ધ કર્યો છે. મુંબઇગરાની ભાષામાં ચાલ તરીકે ઓળખાતા આવા રહેણાંકમાં રસોડા સાથે એક રૂમના આવાસમાં બાથરૂમ-સંડાસ કોમન હોય છે.)
કોકિલાબહેનનું પુસ્તક અંબાણી પરિવારના અનુક્રમે ત્રણ રહેણાંકની વાત કરે છે. મુંબઇની સૌથી ખર્ચાળ ઇમારત ગણાતું હાલનું આવાસ અનેક પ્રકારે અનોખું છે. ધીરુભાઇએ મસાલાની ટ્રેડિંગ કંપનીનો વ્યવસાય શરૂ કર્યો અને નામ આપ્યું - રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશન. (ભવ્ય ભવિષ્યના સ્વપ્નાં સેવનારની મનોસૃષ્ટિનું દ્યોતક જ સ્તો!!!) સમયાંતરે વ્યવસાયમાં આર્ટ સિલ્ક યાર્નની દલાલીનો ઉમેરો થયો. પછી તો ઉત્પાદન ક્ષેત્રે ઝંપલાવ્યું, ઉદ્યોગમાં મોખરાનું સ્થાન મેળવ્યું. કાળક્રમે જામનગર રિફાઇનરી સહિતના બીજા અનેક સાહસો સાકાર કર્યા. એક સમયના પેટ્રોલ પંપ એટેન્ડન્ટ વિશ્વની સૌથી વિશાળ પેટ્રોલિયમ રિફાઇનરીના માલિક બન્યા. જામનગર રિફાઇનરી પ્રતિ દિન ૧.૨૪ મિલિયન બેરલ ઓઇલ રિફાઇન કરવાની ક્ષમતા ધરાવે છે. એક વ્યક્તિને તેની દૂરંદેશી, હિંમત અને સાહસિક્તા ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે તે વાતનું ધીરુભાઇ શ્રેષ્ઠ ઉદાહરણ છે. પણ આ બધામાં કોકિલાબહેનનું પ્રદાન શું? પ્રેરણા અને પ્રોત્સાહન. તેમણે જ ધીરુભાઇને એડનમાં બાંધી આવક રળી આપતી નોકરી છોડીને ભારત પાછા ફરવા, અને સવિશેષ તો દેશની આર્થિક રાજધાની મુંબઇમાં વસવાટ કરવા માટે સમજાવ્યા. કોકિલાબહેને એડનમાં ગૃહિણી તરીકે કારભાર સંભાળતા સંભાળતા ત્યાંની દુનિયા જોઇ, જાણી અને તેમણે જ મરીમસાલા, તેજાના સહિતની વિવિધ ચીજવસ્તુઓની મુંબઇથી એડન તેમજ આસપાસના પ્રદેશમાં નિકાસ કરવામાં વિપુલ તક નિહાળી. ધીરુભાઇએ આર્થિક ઉપાર્જનની શરૂઆત ભલે એકદમ નાના પાયે કરી હોય, પરંતુ તેમનું જીવનસૂત્ર તો એક જ હતુંઃ વિકાસ જ જીવન છે. એક વખત તેમણે દીકરી દિપ્તીને કહ્યું હતું કે તેમની ડિક્શનરીમાં બે શબ્દો છે જ નહીં - ‘અશક્ય’ અને ‘નિવૃત્તિ’. આ સમયે દિપ્તીએ પિતાને વળતો સવાલ પૂછ્યો કે તમે સફળતાનો યશ કોને આપશો? ત્યારે ધીરુભાઇ બહુ સહજતાથી બીજા બે શબ્દો કહ્યાઃ ‘હિંમત’ અને ‘પ્રારબ્ધ’. ધીરુભાઇ જ્યારે તેમની જાજરમાન સફળતાનો જશ નસીબને આપે છે ત્યારે તેમને અતિશય ઉદારમના જ ગણવા રહ્યા, કારણ કે નસીબના બળિયા તો આ દુનિયામાં ઘણા હશે, પણ ધીરુભાઇ જે કરી શક્યા છે તેવું બીજા કોઇ કરી શક્યા નથી એ તો હકીકત છેને?!
કોકિલાબહેન તેમના પતિને દર મહિને બાંધી આવકની ખાતરી આપતી એડનની નોકરી છોડી દેવા માટે સમજાવવામાં અને મુંબઇમાં સ્થાયી થઇને અનિશ્ચિતતા અને પડકારો વચ્ચે એકડે એકથી જિંદગી શરૂ કરવા માટે સમજાવવામાં સફળ રહ્યા તેનું પરિણામ આજે આપણી નજર સમક્ષ છે.
એક નાનકડી ટ્રેડિંગ કંપનીથી વિશાળ ઉદ્યોગસમૂહ સુધીની વિકાસયાત્રા સરળ તો નહીં જ રહી હોયને? બે-ચાર નહીં, અનેક અવરોધો આવ્યા હશે, પણ ધીરુભાઇ ઝૂક્યા નહીં, ડગ્યા નહીં. હિંમત હાર્યા વગર આગળ વધતા રહ્યા. મહાનગર મુંબઇ માટે કહેવાય છે કે અહીં રોટલો મળે, પણ ઓટલો ન મળે. આવા શહેરમાં એક મધ્યમ કક્ષાનું કહી શકાય તેવું રહેણાંક મેળવવું એ જ મોટી સફળતા હતી. કોકિલાબહેને આ કામ બહેનપણીઓ અને દૂરનાં કુટુંબીજનોની મદદથી પાર પાડ્યું હતું.
એક વખત મુંબઇમાં છત મળી ગઇ કે ધીરુભાઇ તન-મનથી કામે લાગી ગયા અને પછી તો પીછેહઠનો કોઇ સવાલ જ નહોતો. એક નાનકડા વ્યવસાયને ધીરુભાઇએ તેમના દૂરંદેશીભર્યા અભિગમ અને અથાગ પરિશ્રમ થકી બહુ થોડાક વર્ષોમાં ભારતના વિરાટ ઉદ્યોગ સમૂહ તરીકે પ્રસ્થાપિત કરી દીધો.
પરંતુ આવા પરિવારોમાં - મોટા ભાગના કિસ્સામાં - બનતું હોય છે તેમ પ્રચંડતમ સફળતા સાથે પરિવારજનો વચ્ચે જ સ્પર્ધાની લાગણી પણ જન્મતી હોય છે, જે સરવાળે ભાગલાનું નિમિત્ત બનતી હોય છે. ૨૦૦૫માં રિલાયન્સ સામ્રાજ્ય બે ભાગમાં વહેંચાઇ ગયું. મોટા ભાઇ મુકેશ અને નાના ભાઇ અનિલ એકબીજાના બિઝનેસમાં ચંચુપાત નહીં કરવાની સંમતિ સાથે પોતપાતાના બિઝનેસમાં વ્યસ્ત થઇ ગયા, પણ ભાગલા હોય ત્યારે તેની સાથે પીડાદાયક સમસ્યાઓ પણ જોડાયેલી હોવાની જ. હું અંગત રીતે માનું છું કે પરિવારના મોભી તરીકે, ખાસ તો ધીરુભાઇની ગેરહાજરીમાં, કોકિલાબહેન માટે આ નાજુક પળ ખરા અર્થમાં વિકટ બની રહી હશે. જોકે તેમણે બન્નેમાંથી એકેય દીકરાના મનમાં રતિભાર પણ રંજ કે ફરિયાદ કે અસંતોષનું કારણ ન રહે તે માટે બહુ કૂનેહપૂર્વક માર્ગ કાઢ્યો.
કોકિલાબહેનને બે વખત મળવાનો મને અવસર મળ્યો છે - ભારતમાં અને વિદેશમાં તેમની ઉપસ્થિતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં. ૧૯૯૮નો પહેલી મુલાકાતનો પ્રસંગ તો મને બરાબર યાદ છે. મુંબઇમાં વિશ્વ ગુજરાતી પરિષદનું આયોજન થયું હતું અને કોકિલાબહેનને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરાયા હતા. ધીરુભાઇના બાળપણના ભાઇબંધ અને વિશ્વ ગુજરાતી સમાજના અધ્યક્ષ કૃષ્ણકાંતભાઇ વખારિઆએ સંસ્થાના ઉપ-પ્રમુખ તરીકે મારી ઓળખ આપતાં તેમની સાથે પરિચય કરાવ્યો હતો. (બાય ધ વે, એક રસપ્રદ આડવાત એ પણ કરી લઉં કે ધીરુભાઇ ૧૯૫૫માં પહેલી વખત કોકિલાબહેનને જોવા ગયા ત્યારે કૃષ્ણકાંતભાઇને પણ સાથે લઇ ગયા હતા.) ખેર, મુંબઇના કાર્યક્રમનો સમયગાળો તો બહુ નાનો હતો, પરંતુ સુંદર અને શક્તિશાળી સન્નારીની જાજરમાન અને ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ મારા દિલને સ્પર્શી ગઇ હતી. આ એ જ સન્નારી છે જેનામાં સેતુ બનવાની ક્ષમતા અને પ્રભાવ છે, જેનામાં પારિવારિક મતભેદોના ઘા રુઝવવાની શક્તિ છે અને આ બધા ઉપરાંત જીવનસાથી સહિતના પરિવારજનોને પ્રેરણા, પ્રોત્સાહન થકી ચેતનવંતા કરીને એક સામાન્ય માણસની કલ્પના કરતાં પણ મુઠ્ઠીઉંચેરા સ્થાને પહોંચાડવાની તાકાત છે.
ધીરુભાઇનું ૬ જુલાઇ ૨૦૦૨ના રોજ નિધન થયું, પરંતુ રિલાયન્સ ગ્રૂપે ભારતના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વિકાસમાં મહત્ત્વનું સ્થાન જાળવી રાખ્યું છે. ધીરુભાઇએ રિલાયન્સનું નિર્માણ કર્યું તે સાચું, પરંતુ હું માનું છું કે કોકિલાબહેને રિલાયન્સનું તેમજ પરિવારનું જતન-સંવર્ધન કર્યું.
રિલાયન્સ ગ્રૂપ આજે જગતના શિરમોર ઉદ્યોગસમૂહમાં સ્થાન ધરાવે છે. અંબાણી પરિવારના બે દીકરા મુકેશ અને અનિલ ભારતના ઉદ્યોગ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. ભલે સાથે સાથે ન હોય, પરંતુ આમનેસામને પણ નથી. પરિવાર મોટા ભાઇનો હોય કે નાના ભાઇનો, કોકિલાબહેનનો પડ્યો બોલ આજેય ઝીલાય છે. આપણા શાસ્ત્રોએ કંઇ અમસ્તું નથી કહ્યુંઃ યત્ર નાર્યેસ્તુ પૂજયન્તે, રમન્તે તત્ર દેવતા...
આજના આપણા વિશ્વમાં એક નહીં, અનેક કોકિલાબહેન છે, અને આવા અનસંગ (વણપ્રીછેલા) તારલાઓને આ કોલમ થકી અંજલિ અર્પવાનો મારો નમ્ર પ્રયાસ છે. (ક્રમશઃ)

