બૈજિંગઃ દોરાધાગા અને માદળિયાના નામે ધતિંગ આચરતા જ્યોતિષીઓની ભવિષ્યવાણીમાં ક્યારેય તથ્ય હોતું જ નથી, પરંતુ આ વાતથી અજાણ ૭૦ વર્ષનાં એક મહિલા આવા જ્યોતિષીની વાતમાં દોરવાઇ ગયા. જોકે પછી સચ્ચાઇનું ભાન થતાં તેમને એટલો ગુસ્સો ચઢ્યો કે ખોટી ભવિષ્યવાણી કરનાર તે ભવિષ્યવેત્તાની દુકાને જઇ પહોંચ્યાં હતાં અને ત્યાં તોડફોડ કરીને આક્રોશ ઠાલવ્યો હતો. આ ઘટના ચીનની છે.
એક જ્યોતિષે મહિલાને કહ્યું હતું કે તમે વર્ષ ૨૦૧૮નું વર્ષ નહીં જોઇ શકો. ગયા માર્ચ મહિનામાં દક્ષિણ-પશ્ચિમી સિચુઆન પ્રાંતના મિયાંગના એક ભવિષ્યવેત્તાએ મહિલાને એવું કહ્યું હતું કે ૨૦૧૮ વર્ષ પહેલા જ તમારું મોત થશે. વાંગ નામની મહિલાએ ૨૦૧૭નું આખું વર્ષ ભયભીત બનીને વિતાવ્યું હતું અને પોતાની જાતને મૃત્યુનો સામનો કરવા માટે તૈયાર કરતાં રહ્યાં.
‘ભવિષ્યવેત્તાએ જ્યારે મને એમ કહ્યું કે હું વર્ષ ૨૦૧૮ જોઇ નહીં શકું ત્યારે હું તો ખૂબ જ ગભરાઇ ગઇ હતી. હું દરરોજ ડરી ડરીને જીવતી હતી’ એમ વાંગને અખબારી અહેવાલોમાં કહેતી ટાંકવામાં આવ્યા હતાં.
વાંગ મોતના ઓથાર તળે જીવન વીતાવી રહ્યા હોવા છતાં તંદુરસ્તી જાળવવા સતત પ્રયત્નશીલ રહેતા હતા. ‘મૃત્યુની રાહ જોતાં જોતાં’ ૨૦૧૮નો ફેબ્રુઆરી મહિનો પણ વીતી ગયો ત્યારે તેને સમજાયું કે જ્યોતિષીએ તો તેની સાથે ધતિંગ કર્યું છે.
વાંગનો ગુસ્સો એટલો વધી ગયો કે ગયા સપ્તાહે તે ભવિષ્યવેત્તાની દુકાને ધસી ગયાં અને ભારે તોડફોડ કરીને આક્રોશ ઠાલવી નાખ્યો.
આખરે એક પોલીસ અધિકારીએ દરમિયાનગીરી કરીને ભવિષ્યવેત્તાને જૂઠું બોલવા બદલ તેમની માફી માગવાનું કહ્યું ત્યારે મામલો ઠંડો પડ્યો.
ભારતની જેમ ચીનમાં પણ લોકો ભવિષ્યને જાણવા માટે ખૂબ ઉત્સુક હોય છે. તેઓ અવારનવાર જ્યોતિષી પાસે જાય છે. જ્યોતિષી વ્યક્તિના નામ, જન્મના સમય, ચીની રાશી અને ચહેરા તેમજ હથેળી જોઇને આગાહી કરવાનો દાવો કરતા હોય છે. ગ્રાહક કેટલો સદ્ધર છે તે જોઇને નાની-મોટી વિધિના નામે નાણાં પણ પડાવતા રહે છે.
વાચક મિત્રો, ભારત હોય, બ્રિટન હોય કે ચીન જ્યોતિષના નામે ધંધો કરનારાઓનો એક જ ઉદ્દેશ હોય છે વ્યક્તિને ગેરમાર્ગે દોરીને, વિધિવિધાનના નામે ઉઠાં ભણાવીને નાણાં પડાવવા. આવા તકસાધુઓનો બદઇરાદો પાર ન પડે તે માટે જ ગુજરાત સમાચાર અને એશિયન વોઇસમાં જ્યોતિષી - ભવિષ્યવેતાઓની જાહેરખબરનું પ્રકાશન કરાતું નથી.

