મુક્તિપર્વ...

નીલમ દોશી Thursday 29th March 2018 03:34 EDT
 
 

વસંતરાય કોરીધાકોર આંખે પત્નીની નનામી જતી જોઇ રહ્યા. કાંધ દેવા ગયા ત્યાં ચક્કર આવતા લથડિયું ખાઇ ગયા. તેથી અંતિમ સહારો પણ ન આપી શકયા. સૂઇ જવું પડયું.
‘આટલા વરસોનો સહવાસ..! અસર તો થાય ને? વસંતરાય સાવ ભાંગી પડયા છે. આ ઉંમરે તો હૂંફની ખાસ જરૂર પડે. એકલતા કોને કહેવાય તે આ ઉંમરે જ સમજાય.’
‘બિચારા સાવ શૂન્ય જેવા... જડ જેવા થઇ ગયા છે. પત્નીને કાંધ સુદ્ધાં ન આપી શકયા.’
‘આપણે બધા તો ચાર દિ... પછી આ ઉંમરે તેઓ એકલા થઇ જશે.’
‘ઉમંગને સમજાવવો પડશે... સાસુ-વહુને જે વાંધો હોય તે પણ હવે વસંતરાય એકલા રહે અને દીકરો ગામમાં હોવા છતાં આમ જુદો રહે એ કંઇ સારું લાગે?! વસંતરાયને ઘરનું માણસ હતું ત્યાં સુધી વાત અલગ હતી.’
‘ઘરનું માણસ..!’ વસંતરાયે રજાઇ માથા સુધી ખેંચી.
વસંતરાય આંખો બંધ કરી ગયા. તેની ચમકતી આંખોની લિપિ કોઇ ઉકેલી લે તો? પડયાં પડયાં સગાંસ્નેહીઓના મંતવ્ય મૌન બનીને સાંભળી રહ્યા. કશું બોલી શકાય તેવું હતું જ કયાં? મુઠ્ઠી બંધ રહે એમાં જ તેની શોભા...
ઘરમાં વિધિઓની પરંપરા ચાલી રહી હતી. ગીતાપાઠ વંચાતો હતા. ધૂપ, દીપ અને સુખડના હારથી વિલાસબહેન મહેકી રહ્યા હતા. મર્યા પછી મહેકી શકયા ખરા..! વસંતરાયે જોશથી માથું ધૂણાવ્યું. મૃત વ્યક્તિ વિશે ખરાબ બોલાય નહીં... ખરાબ વિચારાય નહીં... ગાંધીજીના પેલા ત્રણ વાંદરાની વાત બિલકુલ સાચી રીતે તો ફકત મૃત વ્યક્તિને જ લાગુ પડતી હશે.
વિચારોથી બચવા વસંતરાયે જોશથી પાંપણો ભીડી દીધી... પરંતુ....
‘વિલાસબહેન નશીબદાર ખરા હોં..! ચૂડી-ચાંદલા સાથે જઇ શકયાં.’
કોઇના શબ્દો કાને અથડાયા...
હા, નસીબદાર તો ખરા જ... પોતાના જેવો ઝગડાનો કાયર, એક રીતે કહીએ તો ભીરુ કહી શકાય તેવો પતિ મળ્યો હતો. તે નસીબદાર નહીં તો બીજું શું? પોતાની જગ્યાએ બીજો કોઇ હોત તો કદાચ વિલાસ આટલી હદે મનમાની કરી શકી હોત?
વસંતરાયના મનમાં વિચારોનો પ્રવાહ...
વસંતરાયને અચાનક આ પળે પત્તા રમવાનું મન થઇ આવ્યું. પોતાના જીવનનો એકમાત્ર શોખ. પરંતુ વિલાસને પત્તાની બહુ ચીડ... અને તેને ન ગમે તે કરવાની હિંમત પોતે કયારેય કેળવી શકયા નહીં. સાવ કાયર.. ભીરુ માણસ. કજિયાનું મોં કાળું... એમ કહીને હમેશાં....
હવે તો વિલાસ નથી. પત્તા રમી શકાય? જે શોખ કયારેય પૂરો નથી થઇ શકયો તે હવે પૂરો કરી શકાય? ના...ના, થોડો સમય તો સંયમ રાખવો પડશે. તેમણે ફરીથી આંખો જોશથી બંધ કરી. કોઇ જોઇ જાય તે સારું નહીં.
ત્યાં અચાનક આંખ ખૂલી ગઇ. પુત્રીનો વત્સલ હાથ તેમના માથા પર ફરી રહ્યો હતો. ‘પપ્પા, ગરમ ચા લઇ આવું? થોડી પી લો... સારું લાગશે...’
વસંતરાયને થયું...કહી દઉં...
‘સાથે બે ચાર ગાંઠિયા પણ...’ પરંતુ ટેવાયેલા ન હોવાથી શબ્દો બહાર ન નીકળી શકયા.
પણ દીકરી સમજદાર
હતી. ચા સાથે ગાંઠિયા જાતે જ લઇ આવી.
‘પપ્પા, કશું બોલ્યા સિવાય ચૂપચાપ ખાઇ લેવાના છે.’
વસંતરાયની પલકો ભીની બની. આંખમાં આભારની લાગણી છલકી રહી ગાંઠિયા તો બે જ ખાધા... પણ...પણ બહું સારું લાગ્યું.
તેણે પુત્રી તરફ જોયું. પુત્રીના ચહેરા પર વસંતરાય જ સમજી શકે તેવા અદૃશ્ય હાસ્યની રેખા ફરકી. તેનું માથું હલ્યું. પોતે સમજી હોવાનો મૌન સ્વીકાર.
ત્યાં ફરી કોઇ અવાજ...
‘વસંતરાયની દયા આવે છે. આ ઉમરે પત્નીનો સાથ છૂટી ગયો... દીકરો-વહુ તો પરણ્યાના એક મહિનામાં જુદા થઇ ગયો હતો. હવે વસંતરાયનું કોણ?’
નીચે સગાઓ વચ્ચે ચાલતી ચર્ચાઓ... ટીકા-ટીપ્પણીઓ છેક ઉપર સુધી પડઘાતી રહી.
રાતોરાત વસંતરાય દયાપાત્ર બની ગયા... કેવું વિચિત્ર..! જયારે ખરેખર દયાપાત્ર હતા... ત્યારે..!
સગાઓ દીકરાને કહેતા હતા... સમજાવતા હતા, ‘જો બેટા, તમારી મમ્મી હતી ત્યાં સુધી વાત અલગ હતી... હવે પપ્પાનું ધ્યાન તમારે જ રાખવાનું છે, હોં...’
હા, ત્યાં સુધી વાત અલગ
જ હતી ને?
‘ભાઈ, દુઃખી ન થતા. ગયેલું માણસ થોડું પાછું આવી શકવાનું છે? અને ભાભી તો લીલી વાડી મૂકીને ગયા છે સૌભાગ્ય સાથે... કોઇ પીડા વગર... આવું મોત તો નશીબદારને મળે... હા, તમે એકલા થઇ ગયા... પણ બેટા, પ્રભુ ઇચ્છા પાસે કોનું ચાલ્યું છે?’
‘પ્રભુઇચ્છા થોડી વહેલી થઇ હોત તો?’
ના, ના... પાપ લાગે... આવું ન વિચારાય.
લડ નહીં તો લડનારો દે... વિલાસના આ સ્વભાવનો ભોગ બાળકોને પણ કયાં નહોતું પડયું? દીકરી ઉપર તો સાવકી માની માફક સતત કચકચ ચાલુ રાખેલી. સાસરે જઇશ ત્યારે આમ થશે ને તેમ ખબર પડશે કહીને દીકરીને આખો દિવસ કામે જોતરી રાખતી મા માટે દીકરીના મનમાં કઇ લાગણી હશે? પોતાથી તો કશું બોલી શકાય તેમ જ કયાં હતું? વિલાસની વાણીનો સૌથી વધુ માર તો પોતાને જ ભાગે આવતો ને? મોટી થયા પછી દીકરી એ સમજતી. મમ્મી ન હોય ત્યારે છાનામાના પપ્પાનું ધ્યાન આ દીકરી જ રાખતી ને? પુત્રી સાસરે ગઇ ત્યારે થયું પોતે ભલે અનાથ થઇ ગયા પણ પુત્રી તો છૂટી...
પુત્રના લગ્ન થયા ત્યારે તો પોતે જ પુત્રને એક બાજુ બોલાવીને કહી દીધું હતું.

(ક્રમશઃ)


comments powered by Disqus