વોશિંગ્ટન: અમેરિકામાં મોટેલનો વ્યવસાય કરનારા એક ગુજરાતી દંપતીને ભારતમાંથી ગેરકાનુની વસાહતીઓને ઘૂસાડવાના કેસમાં એક વર્ષ કેદની સજા થઈ છે. નેબ્રાસ્કામાં મોટેલ ધરાવનાર વિષ્ણુભાઈ ચૌધરી અને લીલાબહેન ચૌધરીને એક વર્ષની સજા ઉપરાંત પીડિતને ૪૦,૦૦૦ ડોલરનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત તેને ભારત પરત મોકલવાનો આદેશ કર્યો હતો.
આ દંપતી પર ડિસેમ્બર ૨૦૧૭માં કબુતરબાજીનો કેસ થયો હતો. કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ દંપતીએ ૨૦૧૧થી ૨૦૧૩ સુધી યોગ્ય દસ્તાવેજો ન ધરાવનાર પીડિતને પોતાની સુપર આઠ મોટેલમાં રાખીને શારીરિક-માનસિક ત્રાસ ગુજાર્યો હતો.
આ દંપતી તેની પાસે અઠવાડિયામાં સાતેય દિવસ કામ કરાવતા હતા. જેમાં કચરો વાળવા સહિતના વિવિધ કામનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન વિષ્ણુભાઇ-લીલાબહેને તેને કોઈ પગાર આપ્યો નહોતો અને નજરકેદ કરી રાખ્યો હતો. ચૌધરી દંપતી તેને માર પણ મારતાં હતાં. જોકે પીડિત લાગ જોઈને નાસી છુટયો હતો અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

