યુવાનોમાં નાઈફ ક્રાઈમનું પ્રમાણ ઘટાડવા હોમ ઓફિસનું અભિયાન

Wednesday 28th March 2018 07:43 EDT
 
 

લંડનઃ યુવાનોમાં નાઈફ ક્રાઈમનું પ્રમાણ ઘટાડવા માટે હોમ ઓફિસ દ્વારા તા. ૨૩-૩-૧૮ને શુક્રવારે નવા એડવર્ટાઈઝિંગ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. નાઈફફ્રી કેમ્પેનનો ઉદેશ નાઈફ નહીં રાખવાનો નિર્ણય લેનારા યુવાનોની સત્ય ઘટનાના ઉપયોગથી નાઈફ રાખવાના ગંભીર પરિણામો પ્રત્યે યુવાનોનું ધ્યાન ખેંચવાનો અને તેમને સકારાત્મક વિકલ્પ માટે પ્રેરણા પૂરી પાડવાનો છે.

૧.૩૫ મિલિયન પાઉન્ડના કેમ્પેનમાં સોશિયલ મીડિયા (સ્નેપચેટ, ટ્વીટર) અને ડિજિટલ ચેનલ્સ (ટીવી ઓન ડિમાન્ડ, સ્પોટીફાય)નો ઉપયોગ કરનારા ૧૦થી ૨૧ વર્ષના યુવાનોને લક્ષ્ય બનાવીને જાહેરાતો અપાશે. ઈંગ્લેન્ડના જે શહેરોમાં નાઈફ ક્રાઈમનું પ્રમાણ વધારે છે તે શહેરોમાં પોસ્ટરો પણ લગાવવામાં આવશે.

જાહેરાતોમાં યુવાનોને www.knifefree.co.uk વિશે પણ માહિતી અપાશે. આ વેબસાઈટ યુવાનોને વર્તણુંક બદલવા માટે શક્તિ મળે તે માટેની પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડવાની સાથે સલાહ અને સાઈનપોસ્ટ્સ સપોર્ટ સર્વિસીસ પૂરી પાડે છે.

આ અભિયાન સરકારની આગામી ગંભીર હિંસા વ્યૂહનીતિના ભાગરૂપ છે. તેમાં યુવાનોને ગુનાખોરીથી દૂર રહેવા પર ભાર મૂકીને ગંભીર હિંસાનો સામનો કરવા માટેના પગલાં લેવાશે. હોમ સેક્રેટરી અંબર રૂડે જણાવ્યું હતું, ‘યુવક નાઈફ સાથે રાખવાનો નિર્ણય કરે તો તેના જીવન પર કેટલી અસર પડે તે દર્શાવતી લાગણીશીલ વાતો આ નવા નાઈફ ફ્રી કેમ્પેનનું હાર્દ છે.

મિનિસ્ટર ફોર ક્રાઈમ, સેફગાર્ડિંગ એન્ડ વલ્નરેબિલિટી વિક્ટોરિયા એટકિન્સે જણાવ્યું હતું કે આ નવું અભિયાન નાઈફ સાથે રાખવાના ગંભીર પરિણામો પર પ્રકાશ પાડવાની સાથે યુવાનો નાઈફ રાખે તો તે સલામત છે તેવા વિચાર સમક્ષ પણ પડકાર ઉભો કરશે.ગયા ફેબ્રુઆરીમાં હોમ ઓફિસ દ્વારા નાઈફ ક્રાઈમ કોમ્યુનિટી ફંડના નવા રાઉન્ડની જાહેરાત સાથે ચેરિટીઝને અપાતી રકમ વધારીને ૧ મિલિયન પાઉન્ડ કરાઈ હતી.


comments powered by Disqus