ફિલ્મરિવ્યુઃ ‘હિચકી’

Wednesday 28th March 2018 07:12 EDT
 
 

યશરાજ ફિલ્મ્સની અને રાની મુખર્જી અભિનિત ફિલ્મ ‘હિચકી’ અમેરિકન મોટિવેશનલ સ્પીકર અને ટીચર બ્રેડ કોહેનના જીવન પરથી બનેલી હિન્દી ફિલ્મ છે. બ્રેડ ટોરેટ સિન્ડ્રોમને કારણે અટકી અટકીને બોલે છે. મુશ્કેલીઓનો સામનો કરતી વખતે કે દિમાગમાં બહુ વિચારો એકસાથે ચાલે ત્યારે આ માણસ અટકી અટકીને આ બીમારીમાં બોલે છે. બ્રેડની જીવનકથા પરના પુસ્તક પરથી વર્ષ ૨૦૦૮માં ‘ફ્રન્ટ ઓફ ધ ક્લાસ’ નામથી અમેરિકન ફિલ્મ આવી હતી અને બોલિવૂડમાં તેની પ્રેરણાથી ‘હિચકી’ બની છે. નિર્દેશક સિદ્ધાર્થ પી. મલ્હોત્રાએ આ ઇમોશનલ સ્ટોરીને સુંદર રીતે રજૂ કરી છે.
વાર્તા રે વાર્તા
નૈના માથુર (રાની મુખર્જી) ટોરેટ સિન્ડ્રોમથી પીડિત છે. તેથી તેને વારંવાર ‘હિચકી’ આવે છે. આ કારણે તેમને બાળપણમાં ૧૨ સ્કૂલ બદલવી પડે છે. છેલ્લા ૫ વર્ષમાં ૧૮ સ્કૂલમાંથી શિક્ષક તરીકે રિજેક્ટ કરાઇ છે. છતાં તે શિક્ષક બનવા માંગે છે. આખરે શિક્ષણના અધિકાર અંતગર્તના પ્રોજેક્ટમાં શાળામાં દાખલ ગરીબ બાળકોને ભણાવવાની ચેલેન્જ નૈનાને મળે છે. બાળકો શરૂમાં નૈનાને પરેશાન કરે છે, પણ નૈના અને બાળકોની પછીથી દોસ્તી જામે છે. એ પછી શાળા સંચાલકો તરફથી આ પ્રોજેક્ટ માટે મુશ્કેલીઓ ઊભી થાય છે. બાળકો અને નૈના કેવી રીતે એ મુશ્કેલીનો સામનો કરે છે એ માટે ફિલ્મ જોવી રહી.
અભિનયની રાણી
ફિલ્મમાં ખરેખર તો હીરો જ રાની મુખર્જી છે. એવું કહેવાની કોઈ વિશેષ જરૂરિયાત લાગતી નથી. ફિલ્મ વિશેષજ્ઞોના મતે રાની મુખર્જીની એક્ટિંગ ફિલ્મમાં જબરદસ્ત છે. રાનીએ આ પાત્ર દ્વારા જણાવી દીધું છે કે તે ઇમોશનલ રોલને સરળતાથી સરસ રીતે નિભાવી જાણે છે. ફિલ્મ શરૂઆતથી લઇને અંત સુધી જકડી રાખે છે.


comments powered by Disqus