લંડનઃ અક્ષય પાત્ર ખાસ કરીને કેન્ટના કેમડન સહિત લંડનમાં ૨,૦૦૦ જેટલાં ગરીબ અને ઘરવિહોણા વિદ્યાર્થીઓને શાકાહારી ભોજન પૂરું પાડનારી પ્રથમ ભારતીય ચેરિટી બની હતી. મેયરના ફંડ ફોર લંડન સહિતની સંસ્થાઓ અને થીંક ટેંક મુજબ બે મિલિયન કરતાં વધુ બાળકો હોલિડે હંગરથી પીડાય છે. લાખો બાળકોને સ્કૂલના સમય પછીના ભોજનની જરૂરિયાત છે અને હજારો બાળકો ઘરવિહોણા છે.
અક્ષય પાત્ર ભારતમાં ૧.૬ મિલિયન બાળકોના મધ્યાહ્ન ભોજનમાં મદદરૂપ થવા માટે ભંડોળ એકત્ર કરી રહ્યું છે. પરંતુ, હવે અક્ષય પાત્રે યુકેમાં ઘરવિહોણા, સ્કૂલ હોલિડે હંગર સાથેના તેમજ કુપોષિત બાળકોને મદદનો નિર્ણય લીધો છે. માટે
‘ગુજરાત સમાચાર’/‘એશિયન વોઈસ’ સાથેની વાતચીતમાં ચેરિટીના યુરોપ ઓપરેશનના સીઈઓ ભવાની સિંઘ શેખાવતે જણાવ્યું હતું, તેમના સમર્થકો આ બાબત તેમના ધ્યાન પર લાવ્યા હતા અને સ્થાનિક સમુદાયની મદદ માટે કશાકની રચનાનું સૂચન કર્યું હતું. મેયર ભગવાનજી ચૌહાણ દ્વારા બ્રેન્ટ કાઉન્સિલ સાથેની તેમની પાર્ટનરશીપને લીધે તમામ બાબતો ઝડપી બની હતી. અમને એવું લાગ્યું કે ભારત અને યુકે બન્નેમાં આ પ્રવૃત્તિ ચલાવવી તે અમારી ફરજ છે. અમે અમારી સાથે કામ કરવા માગતી કોઈપણ કાઉન્સિલ અને લોકલ એજ્યુકેશન ઓથોરિટી સાથે સહયોગ કરીશું.’
અક્ષય પાત્રએ પરસુરામ દાસ દ્વારા સ્થાપિત ફૂડ ફોર ઓલ (FFA)સાથે પાર્ટનરશીપ માટે હસ્તાક્ષર કર્યા છે અને ભવિષ્યમાં એક થવાની યોજના છે. લંડન અને તેની આસપાસના વિસ્તારોમાં જરૂરતમંદોને બોજન પૂરું પાડવાની બાબતે FFAની કામગીરી ખૂબ પ્રશંસનીય રહી છે. અક્ષય પાત્ર – ફૂડના બેનર હેઠળ તેઓ સાથે મળીને આ યોજનાનો વ્યાપ યુકે અને યુરોપના લાભાર્થીઓ સુધી પહોંચાડવાનું આયોજન કરી રહ્યા છે.
મેનુ તેમજ યુકેમાં વિતરણ પ્રણાલિ અને ભવિષ્યની યોજના વિશે તેમણે કહ્યું હતું કે ભોજનનું મેનુ રાંધવા માટેના આયુર્વેદિક સિદ્ધાંતો પર આધારિત છે. યુકેમાં મોટા પાયે કાયમી રસોડું ઉભું કરવા અને ગરમ નાસ્તો, સ્કૂલ મીલ્સ, ઘરવિહોણાને ભોજન પૂરું પાડવા તેમજ હોસ્પિટલો અને નર્સિંગહોમમાં સેવા પૂરી પાડવા માટે સંસ્થા દ્વારા ભંડોળ એકત્ર કરવામાં આવે છે.
તેમણે ઉમેર્યું હતું કે યુકેમાં તેમની યોજનાને લીધે ભારતમાં સેવા વિસ્તૃત કરવા સહિત તેમના ઘણાં હેતુ સિદ્ધ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે પૌષ્ટિક અને તાજું ભોજન આપવા પાછળ થતો ખર્ચ ઘટે છે. સુપરમાર્કેટ સાથે ભાગીદારી દ્વારા ફૂડ વેસ્ટની નાબૂદીને પ્રોત્સાહન મળે છે. અહીં ડોનેશનથી જે ભોજન અપાય છે તેની સામે ભારતમાં જરૂરતમંદ બાળકને ભોજન પૂરું પાડવાની ખાતરી તેઓ આપે છે. .

