લાલ બોલ સાથે કાળાં કરતૂત

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સનું શરમજનક કૃત્ય

Wednesday 28th March 2018 06:20 EDT
 
 

કેપટાઉનઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો પાપનો ઘડો આખરે છલકાઇ જ ગયો. સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન બોલ સાથે ચેડાં કર્યાની ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સની કબૂલાતે રમતજગતમાં હલચલ મચાવી દીધી છે. બોલ ટેમ્પરિંગનો કિસ્સો જાહેર થતાં જ સ્ટીવ સ્મિથને ચાલુ મેચે ટીમની કેપ્ટનશીપ ગુમાવવાનો વારો આવ્યો છે. તો ભારતમાં આઇપીએલની રાજસ્થાન રોયલ્સ ટીમના મેનેજમેન્ટે કેપ્ટનપદેથી તેની હકાલપટ્ટી કરી છે.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના આ કરતૂતો જાહેર થતાં જ દુનિયાભરમાંથી ટીમ પર ટીકાની ઝડી વરસી છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની આ ટીમને ચીટિંગ માટે યાદ રખાશે. જ્યારે ઈયાન ચેપલે કહ્યું હતું કે કોઈ પણ રમતમાં ચીટરનું ટેગ મળવું સૌથી ખરાબ બાબત છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ સામે ભૂતકાળમાં અનેક વખત મેદાનમાં ગેરવર્તણૂક અને બોલ સાથે ચેડાં કરતાં રહેવાના આક્ષેપ થતાં રહ્યાં છે. જોકે આ વખતે તેના કરતૂત કેમેરામાં ઝડપાઇ જતાં બચાવની કોઇ શક્યતા જ રહી નહોતી.
આઇસીસીએ રવિવારે જ કેપ્ટન સ્મિથ અને ઓપનિંગ બેટ્સમેન કેમરુન બેનક્રોફ્ટને બોલ સાથે ચેડાં કરવા બદલ દોષિત ઠરાવી બરતરફી - દંડની સજા જાહેર કરી દીધી હતી.
 આઇસીસીએ સ્મિથને એક મેચ માટે સસ્પેન્ડ કર્યો છે અને ૧૦૦ ટકા મેચ ફીનો દંડ ફટકાર્યો છે જ્યારે બેનક્રોફ્ટને ૭૫ ટકા મેચ ફીનો દંડ કરાયો છે. આ ઉપરાંત તેને ત્રણ ડી-મેરિટ પોઇન્ટ્સ પણ અપાયા છે. આઇસીસીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.
આ ઉપરાંત ક્રિકેટ ઓસ્ટ્રેલિયા બરતરફ કેપ્ટન સ્મિથ અને વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નરની ટીમમાંથી હકાલપટ્ટી કરીને એક વર્ષ માટે તેમના પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવા ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ટીમના કોચ લેહમેનની પણ હકાલપટ્ટી કરવા તૈયારી શરૂ કરી છે.
આઇસીસીના નિવેદન મુજબ સ્મિથને આચારસંહિતાની કલમ ૨.૨.૧ના ઉલ્લંઘન માટે દોષિત ઠરાવાયો છે. સ્મિથે તેની સામેના આરોપો અને બે ડી-મેરિટ પોઇન્ટ સ્વીકાર્યા છે, જેના કારણે તે આગામી મેચમાં મેદાન પર નહીં ઊતરે. તેના ભાગે કુલ ચાર ડી-મેરિટ પોઇન્ટ છે.

દુનિયાએ લાઇવ ચીટિંગ જોયું

કેપટાઉન ટેસ્ટના ત્રીજા દિવસે લંચ બાદની રમત દરમિયાન ઓસ્ટ્રેલિયન ઓપનર બેનક્રોફ્ટ પીળા રંગનો ટુકડાને બોલ પર ઘસતો જોવા મળ્યો હતો. તે બોલના ચમકદાર ભાગની વિરુદ્ધ દિશાને રફ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેથી રિવર્સ સ્વિંગ મળે.
બેનક્રોફ્ટ બોલને ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેના કરતૂત કેમેરાની નજરમાં ઝડપાઇ રહ્યા હતા. ટીમના સાથી ખેલાડી હેન્ડ્સકોમ્બનો સંદેશ મળ્યા બાદ બેનક્રોફ્ટે પીળો ટૂકડો તેના પેન્ટમાં સરકારી દીધો હતો. આ દરમિયાન અમ્પાયરોને પણ આ ચેડાંનો સંદેશ મળી ગયો હતો. રમત પૂરી થયા બાદ સ્મિથ અને બેનક્રાફ્ટે પ્રેસ કોન્ફરન્સમાં ભૂલ સ્વીકારી હતી.

લંચ બાદ ડ્રેસિંગ રૂમમાં પ્લાનિંગ

મેચના ત્રીજા દિવસે લંચ સુધી સાઉથ આફ્રિકાએ તેની બીજી ઈનિંગમાં એક વિકેટે ૬૫ રન કર્યા હતા. સ્મિથે ઓસ્ટ્રેલિયન ટીમની લીડરશિપમાં ટેમ્પરિંગનું પ્લાનિંગ કર્યું. જણાવાય છે કે આ લીડરશિપ ગ્રૂપમાં સ્ટીવ સ્મિથ, વોર્નર, જોશ હેઝલવૂડ, મિચેલ સ્ટાર્ક, નાથન લાયનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કોચ લેહમેન સામેલ હોવાના સમાચારો પણ છે.
દિવસની રમત પૂરી થયા બાદ સ્મિથ અને બેનક્રોફ્ટે બોલ ટેમ્પરિંગની વાત સ્વીકારી લીધી. સ્મિથે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાએ ઉતાવળમાં આ પ્લાનિંગ કર્યું. આવું કરવું ખોટું હતું અને તેનાથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે. સ્મિથે દાવો કર્યો કે આવું ફરી ક્યારે નહીં થાય.

વડા પ્રધાન પણ વ્યથિત

જેન્ટલમેન્સ ગેમ ગણાતી ક્રિકેટના મેદાનમાં પોતાના દેશના ખેલાડીઓ દ્વારા થયેલી આ હરકત અંગે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન માલ્કમ ટર્નબુલે પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે સમગ્ર વિવાદ અંગે કહ્યું હતું કે, ‘મને વિશ્વાસ નથી થતો કે એક આદર્શ ક્રિકેટ ટીમ આ પ્રકારની છેતરપિંડીમાં સામેલ છે. હું બહુ વ્યથિત છું.’ તેમણે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જ નહીં, દેશની આબરુ ધોવાઈ ગઈ છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની બેશરમી

આ છેતરપિંડી જાહેર થયા બાદ પણ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ તો સ્મિથને કેપ્ટનપદેથી હટાવવા ઇચ્છતું નહોતું. બોલ ટેમ્પરિંગ કર્યાની કબૂલાત બાદ પણ સ્મિથે કેપ્ટન તરીકે ચાલુ રહેવાનો મક્કમ ઈરાદો વ્યક્ત કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે પણ આ મામલે તત્કાળ કોઈ નિવેદન આપ્યું નહોતુ કે પગલાં ભર્યા નહોતા. આથી લાગતું હતું કે તેઓ અંદરખાને સ્ટીવ સ્મિથને કેપ્ટન તરીકે જારી રાખવા ઈચ્છી રહ્યા છે. જોકે ટર્નબુલ સરકારે જાહેરમાં નારાજગી વ્યક્ત કરતાં તેને આકરા પગલાં લેવાની ફરજ પડી હતી. ટર્નબુલ સરકારના નિવેદનના ૧૮ કલાક બાદ સ્મિથની કેપ્ટનશીપ અને ડેવિડ વોર્નરની વાઇસ કેપ્ટનશીપ છીનવી લેવાની જાહેરાત થઇ હતી.

બધાને ટીમમાંથી હાંકી કાઢો

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ચાહકોથી લઈને મીડિયા સુધી કોઇ ‘ચીટર’ ક્રિકેટરોને માફ કરવા તૈયાર નથી. અખબારોએ લખ્યું છે કે સ્મિથ એન્ડ કંપનીએ દેશને બદનામ કર્યો છે. તે દગાખોર છે અને બધાને ટીમમાંથી કાઢી મૂકવા જોઈએ.
‘ઓસ્ટ્રેલિયન’ અખબારે લખ્યું હતું કે ક્રિકેટ કલ્ચર સડી ચૂક્યું છે. શરમજનક શીર્ષક સાથે તેણે લખ્યું હતું કે આ દગાબાજીએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટને હતપ્રત કરી દીધું છે. ‘ટેલિગ્રાફ’ દૈનિકે લખ્યું છે કે બોલ ટેમ્પરિંગના પ્લાનને જીત માટે પાગલપન માનવું ખોટું છે. આ તો દેશની સંસ્કૃતિને દાવ પર લગાવીને જીતવાનો પ્રયત્ન હતો, જેના કારણે ઓસ્ટ્રેલિયાનું માથું શરમથી ઝુકી ગયું છે. લંડનથી પ્રસિદ્ધ થતા ‘સન્ડે ટાઇમ્સ’એ લખ્યું હતું કે ઓસ્ટ્રેલિયન જ્યારે રંગે હાથ પકડાઈ ગયા તો ગુનો કબૂલ કરી લીધો હતો દગાખોર! ‘ડેઇલી મિરર’એ લખ્યું છે કે ઓસ્ટ્રેલિયાના ખેલાડી ઢોંગી અને બેઇમાન હોય છે.

બ્રોડનો કાતિલ કટાક્ષ

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર બ્રોડે આક્ષેપ કર્યો હતો કે એશિઝમાં ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે ૪-૦થી સીરિઝ જીત્યું હતુ. તે સીરિઝની જીત પણ તેમણે બોલ ટેમ્પરિંગના આધારે મેળવી હતી. બ્રોડે કટાક્ષ કરતાં કહ્યું હતુ કે, મને એ સમજાતું નથી કે, ઓસ્ટ્રેલિયાએ એશિઝમાં અમારી સામે જે સફળતાપૂર્વક બોલ ટેમ્પરિંગ કર્યું અને કોઈને ખબર પણ ન પડી. તે સફળ ટેકનિકને તેઓએ કેમ બદલી નાંખી? બ્રોડે ઉમેર્યું હતું કે, એશિઝમાં ઘણી વખત પ્રતિકૂળ સ્થિતિમાં પણ બોલ રિવર્સ સ્વિંગ થતો હતો. આથી શંકા થવાનું સ્વાભાવિક છે.

કલંક સાથે પરાજય પણ મળ્યો

બોલ ટેમ્પરિંગના વિવાદો વચ્ચે ઓસ્ટ્રેલિયન ક્રિકેટના શરમજનક દિવસનો અંત રવિવારે ન્યૂલેન્ડ્સ ખાતે ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે સાઉથ આફ્રિકા સામે ૩૨૨ રનના જંગી પરાજય સાથે થયો હતો. મોર્ન મર્કેલના બોલિંગ આક્રમણ સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો ઘૂંટણિયે પડી ગયા હતા અને ટીમ માત્ર ૧૦૭ રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી.
ટેમ્પરિંગના વિવાદના બોજ વચ્ચે ૪૩૦ રનના જંગી લક્ષ્યાંકનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાના આઠ ખેલાડીઓનો વ્યક્તિગત સ્કોર બે આંકડે પણ પહોંચી શક્યો નહોતો. ઓપનર બેનક્રોફ્ટ અને વોર્નરે ૫૭ રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે, ફાસ્ટ બોલર મોર્ન મર્કેલ ઓસ્ટ્રેલિયાના મિડલ અને લોઅર ઓર્ડર પર તૂટી પડ્યો હતો. તેણે ૨૩ રનમાં પાંચ વિકેટ ઝડપીને પ્રવાસી ટીમનો પરાજય નક્કી કરી નાંખ્યો હતો.

શા માટે કર્યું? પાંચ મુખ્ય કારણ

મેચની સ્થિતિઃ ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી ઈનિંગના આધારે ૫૬ રનથી પાછળ હતી. બીજી ઈનિંગમાં સાઉથ આફ્રિકાની ટીમ બે વિકેટ પર ૧૦૦થી વધુ રન કરી ચૂકી હતી. મેચમાં પુનરાગમન માટે ટેમ્પરિંગ કર્યું.
સીરિઝની સ્થિતિઃ આ મેચ પહેલા બંને ટીમો ૧-૧ની બરાબરી પર હતી. આ શ્રેણીમાં જીતનારી ટીમ ચાર મેચની શ્રેણીમાં આગળ નીકળી જાત. આમ મેચવિજેતા ટીમ માટે સીરિઝ જીતવાની સંભાવના ઘણી વધી જાય તેમ હતું.
વણસેલા સંબંધઃ આ સીરિઝમાં બંને ટીમોના ખેલાડીઓના સંબંધ ઘણા જ નીચલા સ્તર સુધી જતા રહ્યા. વોર્નર અને નાથન લાયને એબી ડિવિલિયર્સ અને માર્કરમને ગાળો ભાંડી હતી. આ પછી રબાડાની ઘટના પણ ઘટી.
દર્શકોનું હૂટિંગઃ બન્ને ટીમો વચ્ચે વધેલા તણાવની અસર દર્શકોમાં પણ દેખાતી હતી. આફ્રિકન દર્શક દરેક પ્રસંગે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનું હૂટિંગ કરવા લાગ્યા હતા. તેમની પત્નીઓને ગાળો આપવાની ઘટનાઓ પણ બની. વોર્નરને ખાસ નિશાન બનાવાયો હતો.
ઇતિહાસનો ભારઃ ૨૨ વર્ષના પ્રતિબંધોનો સામનો કર્યા બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પુનરાગમન કર્યું છે ત્યારથી આજ સુધીમાં સાઉથ આફ્રિકન ટીમે ક્યારેય ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ ગુમાવી નથી.


comments powered by Disqus