લંડનઃ ૨૦ માર્ચને મંગળવારે સંસદના એક કાર્યક્રમમાં ભાગ લીધા પછી સાંસદ વીરેન્દ્ર શર્મા સમગ્ર યુકેમાં ૧૭.૮ મિલિયન લોકોને સંધિવાથી થયેલી અસર વિશે વાકેફ થયા હતા. આર્થ્રાઈટીસ રિસર્ચ યુકેના નવા ‘Ask Us’ અભિયાનની શરૂઆતની સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાન દ્વારા સંધિવાના દર્દીઓને ચેરિટી સમક્ષ જવા અને પોતાની સ્થિતિ વિશે પ્રશ્રો પૂછવા પ્રોત્સાહિત કરાય છે.
વીરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે સાઉથોલના ઈલિંગમાં ૪૫થી વધુની વયના ૭,૨૮૩ લોકો ઘૂંટણના સંધિવા, ૪,૩૮૨ લોકો થાપાની અને ૧૮,૪૭૪ લોકો પીઠના દુઃખાવાથી પીડાય છે તે જાણીને તેમને આઘાત લાગ્યો હતો. આવી સ્થિતિમાં રહેતા લોકોએ તેમની જરૂરિયાતો સમજી લેવી જોઈએ અને તેથી જ પોતે આર્થ્રાઈટીસ ચેમ્પિયન બનવાની પ્રતિજ્ઞા લીધી હતી અને પાર્લામેન્ટમાં સંધિવાના દર્દીઓ વિશે વાત કરી હતી.
કેમ્પેનર અને વોલન્ટિયર જેનિલિન વિલિયમ્સે જણાવ્યું હતું કે દેશમાં સંધિવાથી પીડાતા ઘણાં લોકોનો હું સંસદમાં અવાજ બન્યો તેનું મને ગોરવ છે.
પબ્લિક એફેર્સ મેનેજર શોના ક્લેલેન્ડે જણાવ્યું હતું કે સંધિવાને લીધે ખૂબ પીડા થાય, થાક લાગે અને તેની અસરો ઘણી હાનિકારક નીવડે. તેઓ સંપૂર્ણ અને સક્રિય જીવન જીવી શકે તે માટે તેમને મદદરૂપ થવા, સંસદમાં સંધિવા વિશે જાગૃકતા લાવવા સાંસદોએ કામગીરી કરવી પડશે.

