કરાકસઃ લાંબા સમયથી આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા લેટિન અમેરિકન દેશ વેનેઝુએલામાં સ્થિતિ એટલી ખરાબ છે કે હવે ત્યાંની કરન્સી (ચલણ)માંથી બેગ્સ, બાસ્કેટ અને હેટ બનવા લાગ્યા છે. આ ચલણી નોટો કાગળના ટુકડા બનીને રહી ગઇ છે અને તેમનું મૂલ્ય ખતમ થઇ ચૂક્યું છે. નોંધનીય છે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે (આઇએમએફ) થોડા દિવસો અગાઉ કહ્યું હતું કે આ વર્ષે વેનેઝુએલામાં મોંઘવારી ૧૩ હજાર ટકાના દરે વધશે. આ પછી ત્યાંની કરન્સી બોલિવરનું મૂલ્ય યુરોના મુકાબલે ૮૭ ટકા ઓછું થઇ ગયું છે. ગયા વર્ષે નવેમ્બરમાં સરકારે એક લાખ બોલિવરની નોટ જારી કરી હતી, જેનું મૂલ્ય બે ડોલર બરાબર હતું. અહીં ચલણી નોટો રસ્તા પર વિખેરાયેલી પડી રહે છે. તેના કારણે ૨૫ વર્ષનો વિલ્મર આ નોટોમાંથી હેન્ડબેગ, પર્સ, હેટ અને બાસ્કેટ બનાવી વેચી રહ્યો છે.
કોઇ મફતમાં પણ નોટ ન લે...
વિલ્મરે જણાવ્યું કે લોકો આ ચલણી નોટોને રસ્તા પર એટલા માટે ફેંકી રહ્યા છે કે મોંઘવારીના કારણે તેનાથી કંઇ જ ખરીદી શકાતું નથી અને આ નોટો કોઇ કામની નથી રહી. જો તમે કોઇને મફતમાં પણ ચલણી નોટ આપશો તો પણ તે નહીં લે. બે, પાંચ અને દસ બોલિવરની નોટથી તો બાળકો માટેની એક કેન્ડી પણ ખરીદી શકાતી નથી. હું આ નોટોનો બગાડ કરવાના બદલે તેનો સદુપયોગ કરી રહ્યો છું. આમ તો મેગેઝિન પેપરમાંથી પણ બેગ્સ બની શકે છે પણ કરન્સી નોટ વધુ સારી છે. તેનાથી એક હેટ બનાવવામાં ૮૦૦ નોટ વપરાય છે પણ તેની વેલ્યૂ સિગારેટનું એક પેકેટ ખરીદવા જેટલી જ છે. આ સ્થિતિમાં કરન્સી નોટોની હેટનો એક ફેશન ટ્રેન્ડ શરૂ થયો છે. વિલ્મરની માફક જોસ લિયોન નોટો પર સ્ટાર સેલિબ્રિટીઝની તસવીરો બનાવીને વેચે છે.
અડધાથી વધુ વસતી ભૂખી સૂવે છે
વેનેઝુએલામાં ૨૦૧૪માં ઓઇલ ઇન્ડસ્ટ્રી બંધ થયા બાદ હાલત એટલી ખરાબ છે કે ભૂખ્યા લોકો દુકાનો લૂંટી રહ્યા છે. એક રિપોર્ટ મુજબ ૫૧ ટકા લોકો પેટ ભરીને જમી પણ શકતા નથી. એપ્રિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઇ રહી છે, પણ તે પહેલા જ હજારો લોકો દેશ છોડી પડોશી દેશો કોલંબિયા અને બ્રાઝિલ જઇ રહ્યા છે. ૨૦૧૭ના છેલ્લા ૬ મહિનામાં આ બન્ને દેશમાં પાંચ લાખ પ્રવાસી નાગરિકો આવી ચૂક્યા છે, જેના કારણે આ દેશોએ તેમની સરહદો પર સતર્કતા વધારી દીધી છે.

