શ્રુતિ ધર્મદાસની કેન્સર સામે લડત

Wednesday 28th March 2018 07:46 EDT
 
 

ભક્તિ વેદાંત મેનોરના મંદિર પ્રમુખ શ્રુતિ ધર્મદાસ એક પ્રકારના બ્રેઈન કેન્સરથી પીડાતા હોવાનું નિદાન થયું છે. તેમને અગાઉ આ બીમારીનું કોઈપણ લક્ષણ ન હતું તેથી આ સમાચાર અણધાર્યા હતા. તેમના પરિવાર અને મંદિર સમુદાયે તેમની આ બીમારીને સમર્થન આપ્યું હતું. શ્રુતિ ધર્મદાસને તબિયતને લગતી ઘણી તકલીફો હતી અને તેમના મેડિકલ એડવાઈઝરે તરત જ જરૂરી હોય તેના કરતાં પણ વધારે ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો હતો. આ ટેસ્ટના પરિણામોમાં તેમના મગજ પર કેટલાંક ઘા હોવાનું જણાયું હતું. તે પછી બાયોપ્સી માટે તેના નમૂના લઈ શકાય તે માટે તેમને ચેરિંગ ક્રોસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેના પરિણામોમાં તે કેન્સર હોવાનું પાકું થયું હતું.

આગામી અઠવાડિયા અને મહિનાઓમાં તેમને સંપૂર્ણ સારવારની સાથે રેડિયોથેરાપી અને કેમોથેરાપી અપાશે. તેમના સ્વાસ્થ્યની સંભાળ લેનારા પ્રોફેશનલ્સની ટીમ શ્રેષ્ઠ છે અને તેઓ યુકે બહાર આ બીમારીની વધુ સારવાર ઉપલબ્ધ હોય તો તેની તપાસ કરી રહ્યા છે. સારવારના આ સમયમાં તેમને આરામની જરૂર છે. તેઓ પરિવાર સાથે તેમના ઘરે છે. તેઓ હજુ પણ મંદિરની તમામ બાબતોનું અને શ્રી કૃષ્ણ હવેલી કોમ્યુનિટી ફેસિલિટીના બાંધકામના આયોજનનું ધ્યાન રાખી રહ્યા છે. સમાજ તરફથી મળેલા અદભૂત સહયોગ બદલ પરિવારે સમાજનો આભાર માન્યો હતો. શ્રુતિ ધર્મદાસ સંપૂર્ણપણે સાજા થઈ જશે તેવી પરિવારને આશા છે.

મંદિરના અગ્રણીઓ સાથેની મુલાકાતમાં શ્રુતિ ધર્મદાસે ભગવાન કૃષ્ણની સેવાના તમામ કાર્યો રાબેતા મુજબ થાય તેના પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું, ‘ હવેલી બંધાઈ જાય તે જરૂરી છે. આપણે સૌએ સાથે મળીને હજુ ઘણાં વર્ષો સેવા કરવાની છે. ભગવાન મારી પરીક્ષા કરી રહ્યા છે અને હું તેમા સારો ગ્રેડ મેળવવા કૃતનિશ્ચયી છું. આપ પ્રાર્થના કરવા ઈચ્છતા હો તો ભગવાન કૃષ્ણ રાજી થાય તેવી રીતે હું આપ સૌની સેવા કરી શકું તે માટે મને શક્તિ મળે તેવી પ્રાર્થના કરશો. ’

આપ [email protected] પર શ્રુતિ ધર્મદાસ માટે તમામ મેસેજ અને પત્રવ્યવહાર મોકલી શકશો.


comments powered by Disqus