હિજાબે જેને પ્રખ્યાત બનાવી તેવી નૂર નીલોફા મોહમ્મદ નૂર

Wednesday 28th March 2018 06:30 EDT
 
 

મલેશિયન એક્ટર, ટીવી પર્સનાલિટી અને ફેશન આંત્રપ્રિન્યોર નૂર નીલોફા મોહમ્મદ નૂરે તાજેતરમાં જ તેનો ૨૯મો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો. તેના જન્મદિવસની સાથે સાથે તેણે તેની એક નવી હિજાબ બ્રાન્ડ પણ લોન્ચ કરી હતી. જોકે તેની નવી હિજાબ બ્રાન્ડના લોન્ચિંગ વખતે હિજાબના પ્રદર્શન માટે કેટલીક મોડેલ્સે સ્ટેજ પર ડાન્સ કરતાં તેને ખફગી વહોરવાનો સમય પણ આવ્યો હતો જોકે સમજદાર નીલોફાએ વિવાદ વકરે નહીં તે માટે તુરંત જ માફી માગી લીધી હતી. તેનું માનવું છે કે સર્જનાત્મક કાર્યમાં આવતી મુશ્કેલીઓને જો ટાળી શકાતી હોય તો પ્રથમ વાદવિવાદ ટાળવાનું કાર્ય કરવું જોઈએ. તેથી તેણે માફી માગી હતી. નીલોફા બજારની જરૂરિયાતને ઓળખીને પોતાની લાફઇસ્ટાઇલ બ્રાન્ડ લોન્ચ કરવામાં પાવરધી બિઝનેસવુમન મનાય છે. નૂરના પ્રોડક્ટમાં સૌથી પ્રખ્યાત ‘નીલોફર હિજાબ’ હોય છે. તેની હિજાબ બ્રાન્ડ મુસ્લિમ મહિલાઓમાં એટલી પ્રિય છે કે તેની વિવિધ સ્ટાયલિશ હિજાબ બ્રાન્ડને કારણે તેને ફોર્બ્સની એશિયાની અંડર ૩૦ મહિલા આંત્રપ્રિન્યોરની યાદીમાં સ્થાન મળ્યું હતું.
તાજેતરમાં નૂર નીલોફાએ તેની લેટેસ્ટ બ્રાન્ડ ‘બે લોફા’ કુઆલાલુમ્પુરની ઝોક ક્લબમાં લોન્ચ કરી હતી. આ લોન્ચિંગમાં હિજાબ પહેરીને મોડેલ્સે સ્ટેજ પર ડાન્સ કરતાં વિવાદ ઊભો થયો હતો. જોકે નીલોફાએ સમજદારી દર્શાવીને કોઈની લાગણી જો તેનાથી દુભાઈ હોય તો તે બદલ માફી માગી હતી. નીલોફાની નવી બ્રાન્ડ ‘બે લોફા’નો વીડિયો ઘણો વાયરલ થયો હતો અને તેના ફેશનેબલ હિજાબ વખણાયા પણ હતાં.
નીલોફાએ ત્રણ વર્ષ પહેલાં લોન્ચ કરેલી આ પ્રોડક્ટ ‘નીલોફર હિજાબ’ના નામે આજે ૩૮ દેશોમાં વેચાય છે. તેમાં ફ્રાન્સ, યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સાઉદી અરેબિયા, નોર્વે, સંયુક્ત અરબ અમીરાત, સિંગાપુર અને બ્રુનેઈ જેવા દેશો સામેલ છે. નીલોફાએ જ્યારે કંપની શરૂ કરી તો ઉદ્દેશ જૂની ફેશનને સરળ બનાવવાનો હતો. તે હિજાબને વધુ પ્રેક્ટિકલ અને પહેરવામાં વધુ સરળ બનાવવા માગતી હતી. તેમની ટીમે સતત તેના માટે બ્રેન સ્ટોર્મિંગ કર્યું. ઘણા ટ્રાયલ થયા અને ઘણા નિષ્ફળ પણ રહ્યા. ત્યાર પછી ૨૦૧૪માં ‘નીલોફર હિજાબ’ લોન્ચ કરવામાં આવ્યો.
તેઓ આને યોગ્ય સમયે યોગ્ય વસ્તુની ઓળખ ગણાવે છે. તેણે એક માર્કેટ રિપોર્ટ જોયો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, મુસ્લિમ કન્ઝયુમર્સે ૨૦૧૩માં ક્લોથિંગ અને જૂતાં પાછળ ૨૦૧૯ સુધી આ માર્કેટમાં ૧૪ ટકાનો વધારો થશે. તેઓ આગામી એક વર્ષમાં કંપનીનું વિદેશી બજારમાં વેચાણ ત્રણ ગણું વધારવા માગે છે. નીલોફા ૯ ભાઈ-બહેનોમાં ત્રીજું સંતાન છે. તેમણે ઇન્ટરનેશનલ ટ્રેડ અને માર્કેટિંગનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ દરમિયાન એક બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લઈને જીત્યા પછી તેઓ ફેશન અને એક્ટિંગમાં સક્રિય થયા. તેઓ પોતાના દેશમાં નવી જનરેશનને આંત્રપ્રિન્યોરશિપ માટે પ્રેરિત કરી રહ્યા છે. તેઓ કહે છે કે હું પોતાની સફળતાને એક ઉદાહરણની જેમ રાખવા માગું છું કે મહિલાઓ માત્ર પૈસા કમાઈ શકતી નથી, પરંતુ તેમનામાં બહુ આત્મવિશ્વાસ પણ હોય છે.


comments powered by Disqus