વોશિંગ્ટનઃ જાસૂસ સરગેઈ સ્ક્રીપલ પર કેમિકલ હુમલાના કેસમાં રશિયા વિરુદ્ધ અમેરિકા સહિત વિશ્વના ઘણા મોટા દેશો એક થઈ ગયા છે. અમેરિકાએ રશિયાના ૬૦ રાજદ્વારીને હાંકી કાઢ્યા છે. સીએટલની રશિયન કોન્સ્યુલેટ બંધ કરાવી દીધી છે. કેનેડા, જર્મની, પોલેન્ડ, ફ્રાન્સ સહિત ૧૪ દેશોએ પણ પોતાના ત્યાંથી ૪૫ રશિયન રાજદ્વારીઓને જવા કહી દીધું છે. આમ કુલ ૧૦૫ રાજદ્વારીઓ વિરુદ્ધ એક જ દિવસમાં કાર્યવાહી થઈ છે.
અમેરિકામાં રશિયાના ૧૦૦ જેટલા ગુપ્તચર એજન્ટ છે. હાંકી કઢાયેલા રશિયન અધિકારીઓએ ૭ દિવસમાં દેશ છોડવો પડશે. રશિયાએ કહ્યું છે કે પશ્ચિમી દેશોને યોગ્ય સમયે યોગ્ય જવાબ આપી દેવાશે.
રશિયાના માજી જાસૂસ સરગેઇ સ્ક્રીપલ અને તેની પુત્રી યુલિયા ૪ માર્ચના રોજ દક્ષિણ ઇંગ્લેન્ડના એક શોપીંગ સેન્ટરની બહાર બેન્ચ પરથી બેભાન અવસ્થામાં મળ્યા હતા. આ બંને હાલમાં હોસ્પિટલમાં છે અને તેમની હાલત ગંભીર છે.

