નવી દિલ્હીઃ ટીમ ઇંડિયાનો કેપ્ટન વિરાટ કોહલી સોશિયલ મીડિયાના લોકપ્રિય સ્પોર્ટસ પર્સન્સમાં અગ્રેસર સ્થાન ધરાવે છે. ઈન્સ્ટાગ્રામના પોસ્ટ શેડયુલર-હોપર્સએચક્યુએ સ્પોન્સર્ડ પોસ્ટ જે તે બ્રાન્ડને કેટલી કોસ્ટમાં પડે તેના આધારે દુનિયાભરના સ્પોર્ટસ પર્સન્સને રેન્કિંગ આપ્યા છે, જેમાં ૨૯ વર્ષીય ભારતીય કેપ્ટન કોહલી નવમા ક્રમે છે. હોપ્પર્સએચક્યુએ તૈયાર કરેલા ૨૦૧૮ના રિચ લિસ્ટ પ્રમાણે કોહલીએ ભારતમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે કોહલીના ઈન્સ્ટાગ્રામ પર ૨.૩૨ કરોડ ફોલોઅર્સ છે.
કોહલીને પ્રત્યેક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થકી આશરે ૧.૨૦ લાખ ડોલર (રૂ. ૮૨ લાખથી વધુ)ની કમાણી થાય છે. જોકે ઈન્સ્ટાગ્રામ રિચ લીસ્ટમાં ઓવરઓલ નંબર વનનું સ્થાન અમેરિકાની રિયાલિટી સ્ટાર કાયલી જેનર ધરાવે છે, જેને એક પોસ્ટ થકી આશરે ૧૧ લાખ ડોલર (રૂ ૭.૫૫ કરોડ)ની કમાણી થાય છે.
ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ થકી થતી અંદાજિત કમાણી પર નજર કરીએ તો રમતજગતમાં રોનાલ્ડો ટોચ પર છે. જેને પ્રત્યેક પોસ્ટ થકી ૭.૫૦ લાખ ડોલરની કમાણી થાય છે. પછીના ક્રમે બ્રાઝિલના નેમારને ૬ લાખ ડોલર અને આર્જેન્ટીનાના મેસ્સીને ૫ લાખ ડોલર મળે છે. ઓવરઓલ લિસ્ટ જોઇએ તો કાયલી જેનર અને ગાયિકા સેલેના ગોમેઝ બાદ ત્રીજું સ્થાન રોનાલ્ડોનું છે. યાદીમાં ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમનો પૂર્વ કેપ્ટન બેકહામ, રિયલ મેડ્રિડનો ફોરવર્ડ ગારેથ બેલ, લોસ એંજલસ ગેલેક્સીનો ઝ્લાટાન ઇબ્રાહિમોવિચ, ઉરુગ્વેનો લુઈસ સુઆરેઝ, અને આઇરીશ મિક્સ માર્શલ આર્ટ સ્ટાર કોનોર મેક્ગ્રેગ્રોર, વિરાટ કોહલી કરતાં આગળ છે.

